ઝારખંડમાં મુક્તિ મોરચાનો વિજય, ભાજપનું હિન્દુત્વ કાર્ડ જનતાએ ફગાવ્યું
- કહીં ખુશી કહીં ગમ : ઈન્ડિયા ગઠબંધને મહારાષ્ટ્ર ગુમાવ્યું, ઝારખંડ જાળવ્યું
- ઈન્ડિયા ગઠબંધને 56, એનડીએએ 24 બેઠક જીતી : મૈયા સન્માન સહિતની યોજનાઓએ હેમંતને પુન: સત્તા અપાવી
- ચૂંટણી પહેલાં જ ભાજપમાં જોડાનારા ચમ્પઈ સોરેન સાતમી વખત સરાઈકેલાથી જીત્યા
- આદિવાસી સીએમ ચહેરો રજૂ કરવામાં નિષ્ફળતા, આયાતી નેતાઓ પર વિશ્વાસ ભાજપને ભારે પડયા
રાંચી : ભારતમાં લોકસભા ચૂંટણીના પરિણામો પછી આજે ભાજપના નેતૃત્વમાં એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધન માટે ખૂબ જ મહત્વનો દિવસ હતો. શનિવારે એકબાજુ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થયા તો બીજીબાજુ ૧૪ રાજ્યોમાં પેટાચૂંટણી હતી. આ બધામાં ઝારખંડે ઈન્ડિયા ગઠબંધનનું નાક જાળવ્યું હતું, જ્યાં હેમંત સોરેનના નેતૃત્વમાં ઝારખંડ મુક્તિ મોરચાએ સત્તા પર પુનરાગમન કર્યું છે. ભાજપને માત્ર ઘૂસણખોરી પર ફોકસ કરવું ભારે પડયું.
ઝારખંડમાં ૮૧ સભ્યોની વિધાનસભામાં મુખ્યમંત્રી હેમંત સોરેનના નેતૃત્વમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)એ ૩૪ બેઠકો પર વિજય મેળવ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલાં ભ્રષ્ટાચારના આરોપો હેઠળ જેલમાં ધકેલી દેવાયેલા હેમંત સોરેનને લોકોના સિમ્પથી વોટ મળ્યા હતા. હેમંત સોરેન બારહૈટ બેઠક પરથી ૩૯,૭૯૧ મતોથી જીતી ગયા હતા, જે તેમનું વિજયનું માર્જીન વધ્યું હોવાનું દર્શાવે છે. હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેને પણ ગાંડેય બેઠક પરથી ૧,૧૯,૩૭૨ મતો સાથે ૧૭,૧૪૨ મતોના માર્જીનથી વિજય મેળવ્યો હતો.
ઝારખંડમાં શાસક પક્ષ જેએમએમની મૈયા સન્માન યોજના, ૨૦૦ યુનિટ મફત વીજળી, બાકી વીજળી બીલ માફ કરવાની યોજ નાનો જાદુ વિધાનસભામાં ચાલી ગયો હતો. જેએમએમના વિજયમાં આ યોજનાઓના વચનને ભૂમિકા મહત્વપૂર્ણ રહી હોવાનું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે. મુખ્યમંત્રીની આ યોજનાઓની અસર આખા રાજ્યમાં જોવા મળી હતી, જેના પગલે જનતાએ ફરી એક વખત ઝામુમોને વિજયનો આશીર્વાદ આપ્યો છે.
ઝારખંડમાં વિજય પછી જનતાનો આભાર માનતા મુખ્યમંત્રી હેમંત સોરેને આ વિજયનો શ્રેય ઈન્ડિયા ગઠબંધનને આપ્યો હતો. જોકે, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રભારી અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ભાજપના પરાજયને તેમના માટે પીડાદાયક ગણાવ્યો હતો.
ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, હેમંત સરમા સહિતના નેતાઓએ આક્રમક પ્રચાર કર્યો હોવા છતાં ભાજપને પછડાટનો સામનો કરવો પડયો છે. ભાજપને મુખ્યમંત્રીના ચહેરા વિના ચૂંટણી મેદાનમાં ઉતરવાનું ભારે પડયું. ભાજપ આ ચૂંટણીમાં કોઈ આદિવાસી મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કરી શક્યો નહીં. તેની કિંમત પક્ષે ચૂકવવી પડી. વધુમાં ભાજપે રાજ્યમાં પોતાના જ નેતાઓની અવગણના કરી અને આયાતી નેતાઓને ચૂંટણી પ્રચારનું સુકાન સોંપ્યું હતું.
રાજકીય નિષ્ણાતો મુજબ ભાજપ જનતા સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો. તેનો ચૂંટણી પ્રચાર રાષ્ટ્રીય મુદ્દાઓ અને ઘૂસણખોરી પર ફોકસ હતો. આ બાબતે પણ ભાજપના પરાજયમાં મહત્વની ભૂમિકા ભજવી. જોકે, ચૂંટણી પહેલાં જ જેએમએમમાંથી ભાજપમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી ચમ્પઈ સોરેનનો પણ વિજય થયો હતો. કોલ્હાનના ટાઈગર તરીકે ઓળખાતા ચમ્પઈ સોરેને સરાઈકેલા વિધાનસભા બેઠક પર સતત સાતમી વખત વિજય મેળવ્યો છે. ભાજપે આદિવાસીઓ માટે અનામત આ એક જ બેઠક પર વિજય મેળવ્યો હતો.
ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ ઝારખંડ મુક્તી મોરચાએ ૩૪ બેઠકો પર વિજય મેળવ્યો છે જ્યારે તે ૪૩ બેઠકો પરથી ચૂંટણી લડી હતી. કોંગ્રેસે ૩૦માંથી ૧૬ બેઠકો પર વિજય મેળવ્યો છે. ભાજપે ૬૮ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા, પરંતુ તે માત્ર ૨૧ બેઠકો જ જીતી શક્યો. ઝારખંડમાં ૮૧ વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં ૧૩ નવેમ્બરે ૪૩ અને ૨૦ નવેમ્બરે ૩૮ બેઠકો પર કુલ ૬૭.૭૪ ટકા મતદાન થયું હતું.