VIDEO: લખનઉ કોર્ટમાં વકીલોના ડ્રેસમાં બદમાશોનું ફાયરિંગ, મુખ્તારના નજીકના ગેંગસ્ટરનું મોત
ફાયરિંગમાં યુપીના કુખ્યાત ગેંગસ્ટ સંજીવ જીવા માહેશ્વરીનું મોત : ઘટના સ્થલે પોલીસ કાફલો ખડકાયો
સંજીવનું નામ કૃષ્ણાનંદ રાય હત્યાકાંડ અને ભાજપ નેતા બ્રહ્મદત્ત દિવેદીની હત્યાનો આરોપી
લખનઉ, તા.7 જૂન-2023, બુધવાર
ઉત્તર પ્રદેશની રાજધાનીમાં લખનઉ કોર્ટ પરિસરમાં ધડાધડ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે, જેમાં ગેંગસ્ટર સંજીવ જીવાનું ધોડે દિવસે મોત થયું છે. ઉપરાંત એક બાળકીને પણ ગોળી વાગી છે. લખનઉના વજીરગંજ પોલીસ સ્ટેશનમાં મુખ્તાર અંસારીના નજીકના ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવાની ઘટના સામે આવી છે. હત્યારાઓ વકીલનો ડ્રેસ પહેરીને આવ્યા હતા અને તેઓએ કચેરીમાં ઘૂસીને ઘટનાને અંજામ આપ્યો છે. પ્રયાગરાજ હત્યાકાંડના લગભગ 4 મહિના બાદ આ હત્યાકાંડથી ખળભળાટ મચ્યો છે.
હત્યારાઓની ધરપકડ, ઈજાગ્રસ્ત બાળકી ગંભીર, 2 જવાનો ઈજાગ્રસ્ત
વકીલોના ડ્રેશમાં આવેલા હત્યારાઓને પોલીસે પકડીને કેસરબાગ પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ છે, જ્યાં બાળકીની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટનામાં બે જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે.
સંજીવના જીવને જોખમ હોવાનું પત્નીને આશંકા હતી
દરમિયાન આ ઘટના અગાઉ સંજીવ જીવાની પત્ની પાયલ માહેશ્વરીએ તેના પતિના જીવ પર ખતરો હોવાનું કહી સુરક્ષાની માંગણી કરી હતી. ત્યારબાદ સંજીવની સુરક્ષામાં વધારો કરાયો હતો. સુરક્ષામાં વધારો કરવા છતાં બદમાશોએ કોર્ટ પરિસરની અંદર ઘુસી આજે સંજીવની હત્યા કરી નાખી છે.
સંજીવ જીવા ભાજપ નેતા બ્રહ્મદત્ત દિવેદીની હત્યાનો આરોપી
આ ઘટના લખનઉ સિવિલ કોર્ટની બહાર બની છે. મૃતક પશ્ચિમ ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટ સંજીવ જીવા માહેશ્વરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગોળી વાખવાથી સંજીવનું ઘટના સ્થળે જ મોત થયું છે. સંજીવ જીવા ભાજપ નેતા બ્રહ્મદત્ત દિવેદીની હત્યાનો આરોપી હતો. ઉપરાંત તે ઘણા કેસોમાં પણ આરોપી હતો. હાલ ઘટના સ્થળે મોટી સંખ્યમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે.
સંજીવ જીવા સામે 3 ડઝનથી વધુ કેસ
સંજીવ જીવા પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો રહેવાસી હતો. તે મુખ્તાર અંસારી, મુન્ના બજરંગી અને ભાટી ગેંગ માટે કામ કરતો હતો. સંજીવ વિરુદ્ધ ત્રણ ડઝનથી પણ વધુ કેસો નોંધાયેલા હોવાનું કહેવાય છે. એક સમયે સંજીવ જીવા મુખ્તારનો શૂટર હતો. સંજીવનું નામ ચર્ચાસ્પદ કૃષ્ણાનંદ રાય હત્યાકાંડમાં પણ સામે આવ્યું હતું. સંજીવ ઉત્તર પ્રદેશની મૈનપુરી જેલમાં સજા કાપી રહ્યો હતો.