ચૂંટણી પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે, રિલાયન્સની 3 વર્ષ પછી મોટી તૈયારી
વેનેઝુએલા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો 2019માં હટી ગયા હતા
image : Pixabay |
Petrol Diesel news | રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા બાદ હવે દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના પછી ભાજપે પણ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. બજેટ પણ હવે નજીક છે. આ દરમિયાન દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 3 વર્ષ પછી એક મોટું કામ કરવા જઈ રહ્યા છે, જેનાથી તમને સસ્તું પેટ્રોલ અને ડીઝલ મળી શકશે.
પેટ્રોલિયમ મંત્રાલયે શું કહ્યું હતું?
ગત વર્ષે ડિસેમ્બરમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પૂરી થયા બાદ જ પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું હતું કે ભારત તે તમામ દેશોમાંથી ક્રૂડ ઓઈલની આયાત કરશે જેમના પર પ્રતિબંધ નથી. તેથી હવે 3 વર્ષ પછી વેનેઝુએલાથી ભારતમાં ક્રૂડ ઓઈલ આયાત થવાનીઅપેક્ષા વધી ગઈ છે કારણ કે વેનેઝુએલા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો 2019માં હટી ગયા હતા. એક માર્કેટ એનાલિટિક્સ ફર્મ અનુસાર વેનેઝુએલાથી છેલ્લે નવેમ્બર 2020માં ક્રૂડ ઓઈલની ભારત દ્વારા આયાત કરવામાં આવી હતી.
મુકેશ અંબાણીએ કરી આ ડીલ
ડિસેમ્બર 2023ની શરૂઆતમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ મામલે વેનેઝુએલા સાથે સીધી ડીલ કરશે. ત્યારબાદ કંપનીએ ક્રૂડ ઓઈલના 3 ટેન્કર બુક કર્યા હતા, જેની ડિલિવરી જાન્યુઆરી 2024થી શરૂ થવાની છે. અગાઉ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સિવાય નાયરા એનર્જી લિમિટેડ નિયમિતપણે વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલની આયાત કરી રહી હતી. જો કે આ વખતે સરકારી ઓઈલ કંપનીઓ પણ વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા દેશમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની આશા છે.
રશિયાના સસ્તા ક્રૂડ ઓઈલનો વિકલ્પ
અત્યાર સુધી ભારત રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઈલ આયાત કરતું હતું. હવે આ ડિસ્કાઉન્ટ ઘટીને માત્ર 2 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. જ્યારે ભારતને વેનેઝુએલા પાસેથી 8 થી 10 ડોલર પ્રતિ બેરલના ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઈલ મળવાની અપેક્ષા છે. વેનેઝુએલા ક્રૂડ ઓઈલની નિકાસ કરતા દેશોની સંસ્થા ઓપેકનો સભ્ય છે.