સુપ્રીમે આરપીએલ કેસમાં સેબીએ ફટકારેલા દંડને ફગાવતા મુકેશ અંબાણીને રાહત
- સિક્યુરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલના આદેશને સેબીએ પડકાર્યો હતો
- આરપીએલના શેરોના કથિત હેરાફેરીવાળા વેપારના સંબધમાં આરઆઇએલને 25 કરોડ, મુકેશ અંબાણીને 15 કરોડનો દંડ થયો હતો
નવી દિલ્હી : એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે સોમવારે સિક્યુરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલ (એસએટી)ના આદેશની વિરુદ્ધ સિક્યુરિટીઝ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ની અપીલને ફગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે એસએટીએ નવેમ્બર ૨૦૦૭માં રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ (આરપીએલ)ના શેરોના કથિત હેરાફેરીવાળા વેપારના સંબધમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના અધ્યક્ષ મુકેશ અંબાણી અને બે અન્ય સંસ્થાઓને ફટકારવામાં આવેલા દંડને રદ કરી દીધો હતો.સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર મહાદેવનની ખંડપીઠે જણાવ્યું હતું કે સેબીની અપીલમાં કાયદાનો કોઇ એવો મહત્ત્વપૂર્ણ પ્રશ્ર રજૂ કરવામાં આવ્યો નથી જેના આધારે એસએટીના ચુકાદામાં ફેરફાર કરી શકાય.
ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે આ અપીલમાં કાયદાનો કોઇ એવો પ્રશ્ર સામેલ નથી જેના આધારે અમે હસ્તક્ષેપ કરી શકીએ. આ અપીલ ફગાવવામાં આવે છે. તમે આ રીતે કોઇ વ્યકિત વિરુદ્ધ વર્ષો સુધી પાછળ પડી શકો નહીં.
સુપ્રીમ કોર્ટના આજના ચુકાદા પછી સેબીએ કથિત સ્ટોક હેરાફેરી અંગે અંબાણી વિરુદ્ધ શરૂ કરેલી કાયદાકીય લડાઇ સમાપ્ત થઇ ગઇ છે.
જાન્યુઆરી, ૨૦૨૧માં સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) પર ૨૫ કરોડ રૂપિયા, મુકેશ અંબાણી પર ૧૫ કરોડ રૂપિયા, નવી મુંબઇ સેઝ પ્રાઇવેટ લિમિટેડ પર ૨૦ કરોડ રૂપિયા અને મુંબઇ સેઝ લિમિટેડ પર ૧૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
સેબી દ્વારા દંડ ફટકારવાના આ નિર્ણયને સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (એસએટી) માં પડકારવામાં આવ્યો હતો. એસએટીએ દંડની આ રકમ અયોગ્ય ગણાવી સેબીના નિર્ણયને ફગાવી દીધો હતો.ત્યારબાદ સેબીએ એસએટીના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.