જજ સહિત 50 મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી લૂંટનારો 'ઠગ' ઝડપાયો
A Man Rob 50 Women Including A Judge : એક ચોંકાવનારા કિસ્સામાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલાઓ સાથે છેતરપિંડી કરી તેમની પાસેથી પૈસા પડાવી લેનારા આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મુકીમ ખાન તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો રહેવાસી છે.
મુકીમ ખાન સોશિયલ મીડિયા પર મહિલાઓ સાથે મિત્રતા કરી તેમની સાથે લગ્ન કરવાનું વચન આપતો હતો. અને મહિલાઓનો વિશ્વાસ જીતીને તેમની પાસેથી પૈસા પડાવી ફરાર થઈ જતો હતો. મુકીમ મહિલાઓ સામે પોતાને અધિકારી તરીકે રજૂ કરતો હતો. અને પોતાની પત્નીનું મૃત્યુ થઇ ગયું હોવાની ખોટી વાતો કહેતો હતો.
મહિલાઓને ખોટા વચનો આપી પોતાના જાળમાં ફસાવતો
સૌથી ચોંકવનારી વાત એ છે કે તેણે કુલ 50 મહિલાઓને ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા. જેમાં એક મહિલા જજ પણ સામેલ છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મુકીમની જાસો આપી ખોટા બહાના કાઢી મહિલાઓ પાસેથી પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. તેણે મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ પર પોતાની નકલી ઓળખ સાથે અનેક એકાઉન્ટ્સ બનાવ્યા હતા. અને મહિલાઓને ખોટા વચનો આપી પોતાના જાળમાં ફસાવતો હતો. એક અહેવાલ અનુસાર મુકીમ ખાન 10મું પાસ છે, અને તે દિલ્હીના શાસ્ત્રી પાર્કમાં રહેતો હતો.
પોતે સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરતો
ધરપકડ બાદ ખાને પોલીસને જણાવ્યું હતું કે, હું લગ્ન માટે અપરિણીત, વિધવા અને છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવતો હતો. અને પછી સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરતો હતો, અને તેમની સાથે મિત્રતા કરીને ખોટી વાર્તા કહેતો હતો કે, મારી પત્નીનું મૃત્યુ થઇ ગયું છે, અને હું મારી પુત્રીની સંભાળ રાખવા માટે તમારી સાથે લગ્ન કરવા માંગું છું.
એક મહિલા જજને પણ પોતાના જાસામાં ફસાવી
હકીકતમાં મુકીમ ખાન પરિણીત છે, અને તેને ત્રણ બાળકો પણ છે. મુકીમ મહિલાઓને પોતાની પત્ની અને પુત્રીની તસવીરો દેખાડતો હતો. ત્યારબાદ તે મહિલાના પરિવારને મળીને લગ્નની તારીખ નક્કી કરતો હતો. એકવાર વિશ્વાસ થઇ ગયા બાદ તે લગ્ન હોલ બુક કરવા અથવા લગ્નના અન્ય ખર્ચ માટે પૈસા માંગતો અને પછી ભાગી જતો હતો. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તેણે ઉત્તર પ્રદેશની એક મહિલા જજને પણ પોતાના જાસામાં ફસાવી હતી.