PM મોદીએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા મુદ્દે આપ્યું નિવેદન, મોહમ્મદ યુનુસને પાઠવી શુભકામનાઓ
PM Modi congratulates Muhammad Yunus : બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ શેખ હસીનાએ દેશ છોડ્યો છે ત્યારે મોહમ્મદ યુનુસે હવે કમાન સંભાળી લીધી છે. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની સ્થાપના કરવામાં આવી છે જેમાં મોહમ્મદ યુનુસ મુખ્ય ભૂમિકા નિભાવશે. ગુરુવારે તેમણે શપથ લીધા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા છે. સાથે સાથે તેમણે હિન્દુઓની સુરક્ષાને લઈને સરકારને આડકતરી ટકોર કરી છે.
PM મોદીએ કહ્યું છે, કે 'પ્રોફેસર મોહમ્મદ યુનુસને તેમની નવી જવાબદારી બદલ શુભકામનાઑ. આશા રાખું છું કે જલ્દી જ સ્થિતિ સામાન્ય થશે અને હિન્દુઓ તથા અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે ભારત બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા તૈયાર છે.'
મોહમ્મદ યુનુસે ભારતના નિવેદનથી દુઃખ વ્યક્ત કર્યું હતું
આ પહેલા મોહમ્મદ યુનુસે ભારતે હિંસા અંગે આપેલા નિવેદનથી દુઃખ વ્યક્ત કર્યું હતું. જ્યારે બાંગ્લાદેશમાં ગયા મહિને હિંસા થઈ હતી, ત્યારે ભારતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ‘અમે આને બાંગ્લાદેશની ઘરેલું મામલો માનીએ છીએ.’ આથી યૂનુસે ભારતની પ્રતિક્રિયા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'જ્યારે ભારત કહે છે કે આ ઘરેલું મામલો છે ત્યારે મને દુઃખ થાય છે. જો તમારા ભાઈના ઘરમાં આગ લાગી હોય, તો તમે તેને ઘરેલું બાબત કેવી રીતે કહી શકો?'
કોણ છે મોહમ્મદ યુનુસ?
મોહમ્મદ યુનુસનો જન્મ 28 જૂન 1940ના રોજ થયો હતો. તેઓ બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી, બેંકર, સામાજિક ઉદ્યોગસાહસિક અને નાગરિક સમાજના નેતા છે. તેમણે 1961 થી 1965 દરમિયાન બાંગ્લાદેશની ચિત્તાગોંગ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આ પછી, તેમણે વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું.
ત્યારબાદ 1983માં ગ્રામીણ બેંકની સ્થાપના કરી હતી. જેમાં ગરીબોને પોતાના નાના પાયાના ઉદ્યોગો શરૂ કરવા માટે લોન આપવામાં આવતી હતી. જેથી બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાય. યુનુસના કામના કારણે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે 2007માં નાગરિક શક્તિ નામનો રાજકીય પક્ષ પણ બનાવ્યો હતો.
મોહમ્મદ યુનુસને નોબેલ ઉપરાંત બીજા ઘણા એવોર્ડ મળ્યા છે. 2009માં પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ અને 2010માં કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ સિવાય તેમને શ્રમ કાયદાના ભંગ બદલ 6 મહિનાની જેલની સજા પણ કરવામાં આવી હતી.
યુનુસ 2012 થી 2018 સુધી સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે 1998 થી 2021 સુધી યુનાઈટેડ નેશન્સ ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે પણ સેવા આપી છે.