Get The App

ડૉ. સ્વામીનાથનને ભારત રત્ન એનાયતની જાહેરાત, 60 ના દશકમાં ભુખમરાને રોકનાર આ કૃષિ વૈજ્ઞાનિક કોણ હતા?

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
ડૉ. સ્વામીનાથનને ભારત રત્ન એનાયતની જાહેરાત, 60 ના દશકમાં ભુખમરાને રોકનાર આ કૃષિ વૈજ્ઞાનિક કોણ હતા? 1 - image


Bharat Ratna : વડાપ્રધાન મોદીએ અગાઉ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. હવે ફરી તેમણે પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને કૃષિ વિજ્ઞાની ડૉ. એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્ન આપવા માટે જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. 

ડૉ. એમ.એસ. સ્વામીનાથન કોણ હતા?

ડૉ. સ્વામીનાથન ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક અને હરિયાળી ક્રાંતિના જનક (father of Green Revolution in India) હતા. તેમણે ઘઉં અને ચોખાની એવી જાત વિકસાવી જેનાથી ભારતના ઓછી આવક ધરાવતા ખેડૂતો પણ તેનું ઉત્પાદન કરી શક્યા હતા. આથી જ તેઓ હરિયાળી ક્રાંતિના જનક તરીકે ઓળખાય છે. 1960 ના દાયકામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં તેમણે નોર્મન બોરલોગ, ખેડૂતો અને અન્ય વૈજ્ઞાનિકો સાથે મળીને વૈજ્ઞાનિક પ્રયાસો દ્વારા ભારત અને પાકિસ્તાનને દુષ્કાળ જેવી સ્થિતિથી બચાવ્યા હતા. 

તેમણે કૃષિ સંશોધન પરિષદ'ના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું હતું

સ્વામીનાથન વર્ષ 1972થી 1979 દરમિયાન 'ભારતીય કૃષિ સંશોધન પરિષદ'ના અધ્યક્ષ (Chairman of Indian Council of Agricultural Research) તરીકે પણ કામ કર્યું હતું. કૃષિ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી નવાજ્યા હતા. સ્વામીનાથનની ગણના ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિકોમાં થાય છે. 

પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા 

1987 માં તેમણે ફિલિપાઇન્સમાં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IRRI) ના ડિરેક્ટર જનરલ તરીકે નેતૃત્વ કર્યું હતું. જેના માટે તેમને પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા, જે કૃષિ ક્ષેત્રના સર્વોચ્ચ સન્માનોમાંનું એક છે. વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશન અનુસાર, તેમના કારણે ઘઉંનું ઉત્પાદન થોડા વર્ષોમાં બમણું થઈ ગયું હતું, જેનાથી દેશ આત્મનિર્ભર થયો હતો અને લાખો લોકોને ભૂખમરાનો ભોગ બનવાથી બચ્યા હતા. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામે તેમને 'ફાધર ઓફ ઈકોનોમિક ઈકોલોજી' તરીકે ઓળખાવ્યા છે. ડૉ. સ્વામીનાથનને વિશ્વભરની યુનિવર્સિટીઓમાંથી 84 માનદ ડોક્ટરેટની પદવીઓ મળી છે. તેમજ તેઓ રોયલ સોસાયટી ઓફ લંડન અને યુએસ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ સહિતની ઘણી મોટી વૈજ્ઞાનિક એકેડમીમાં સભ્ય રહ્યા છે. 

સમાજ માટે તેમનું યોગદાન 

ડૉ. સ્વામીનાથન 2007 થી 2013 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા. તેમણે 1979-80 માં કૃષિ મંત્રાલયમાં મુખ્ય સચિવ, કાર્યકારી ઉપાધ્યક્ષ અને બાદ 1980-82 માં આયોજન પંચમાં વિજ્ઞાન અને કૃષિ ક્ષેત્રે સભ્ય અને 1982-88 માં ફિલિપાઈન્સની ઈન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ડિરેક્ટર જનરલ તરીકે પણ સેવા આપી હતી. તેઓ 2010 થી 2013 સુધી ખાદ્ય સુરક્ષા પરની વિશ્વ સમિતિમાં ઉચ્ચ સ્તરીય નિષ્ણાત પેનલના અધ્યક્ષ પણ હતા. આ સિવાય ડૉ. સ્વામીનાથને અફઘાનિસ્તાન અને મ્યાનમારમાં કૃષિ ક્ષેત્રે ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સ પર દેખરેખ રાખવા માટે વિદેશ મંત્રાલય દ્વારા રચવામાં આવેલ ટાસ્ક ફોર્સની અધ્યક્ષતા પણ કરી હતી. 28 સપ્ટેમ્બર, 2023 માં 98 વર્ષની ઉંમરે તેમનું મૃત્ય થયું હતું. 

ખેડૂતોના કલ્યાણ માટે કામ કરનારા ડૉ. સ્વામીનાથનને ભારત રત્ન  

ખેતી અને ખેડૂતોના કલ્યાણ માટે વિજ્ઞાની ડૉ. એમ.એસ.સ્વામીનાથનને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમણે ભારતીય ખેતીના ક્ષેત્રનું આધુનિકરણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ એક ઈનોવેટર, મેન્ટર તરીકે પ્રખ્યાત હતા. દેશની ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવામાં પણ તેમની ભૂમિકા રહી હતી.

ડૉ. સ્વામીનાથનને ભારત રત્ન એનાયતની જાહેરાત, 60 ના દશકમાં ભુખમરાને રોકનાર આ કૃષિ વૈજ્ઞાનિક કોણ હતા? 2 - image


Google NewsGoogle News