સૌથી ધનવાન મંત્રીએ સતત ત્રીજી વખત સરકારી ભથ્થા લેવાનો કર્યો ઈનકાર, કહ્યું સરકારમાં જ આપી દો
નવી મુંબઇ,તા. 26 ડિસેમ્બર,મંગળવાર
મોહન યાદવ કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લેનાર ચૈતન્ય કશ્યપ એકમાત્ર એવા ધારાસભ્ય છે જેમણે ત્રણ વખત ધારાસભ્ય હોવા છતાં આજ સુધી ધારાસભ્ય તરીકેનો પગાર નથી લીધો. મધ્યપ્રદેશમાં ભાજપ સહિત અન્ય પક્ષો વચ્ચે માત્ર એક જ જનપ્રતિનિધિ છે. ચેતન્યકશ્યપ રતલામ સીટ પરના ધારાસભ્ય છે. તેમની પાસે 294 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ સિવાય તે ધારાસભ્યનાં રૂપમાં મળનાર સુવિધાઓ,વેતન ભથ્થાનો ત્યાગ કરી ચૂક્યાં છે. તેમણે છેલ્લાં બે કાર્યકાળ દરમિયાન ધારાસભ્યના રૂપમાં કોઇ પણ સુવિધા લીધી નથી. આ વખતે પણ ચૈતન્ય કશ્યપ રતલામથી ધારાસભ્ય ચુંટાયા બાદ તેમણે વેતન અને ભથ્થાનો ત્યાગ કરવાનું એલાન કરી દીધુ છે.
ગુરુવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ ચૈતન્ય કશ્યપે આ અંગે ગૃહને જાણ કરતા તેમણે કહ્યું કે, “રાષ્ટ્ર સેવા અને જનહિત એ જ મારું લક્ષ્ય છે. હું મારી કિશોરાવસ્થાથી જ સામાજિક કાર્ય સાથે સંકળાયેલો છું. ભગવાને મને લોકસેવામાં થોડું યોગદાન આપવા સક્ષમ બનાવ્યો છે. તેથી મેં પગાર, ભથ્થા અને પેન્શન નહીં લેવાનો નિર્ણય લીધો છે.”આ સિવાય તેમણે આ રકમને સરકારી તિજોરીમા જમા કરાવવા કહ્યું હતું.
મહત્વનું છેકે, મધ્યપ્રદેશના ધારાસભ્યોને દર મહિને 30,000 રૂપિયા પગાર પેટે મળે છે, જ્યારે 15,000 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટર ભથ્થું અને સ્ટેશનરી ભથ્થા પેટે 10,000 રૂપિયા પ્રતિ મહિને અને અન્ય ભથ્થા પેટે રૂ. 10,000 એમ દરેક ધારાસભ્યને દર મહિને કુલ 1 લાખ 10 હજાર રૂપિયા મળે છે.
તમને જણાવી દઈએ કે, રામ મંદિર નિર્માણ માટે ચૈતન્ય કશ્યપે 1 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું હતું. તે સમયે પણ તે ચર્ચામાં આવ્યા હતા.