વિશ્વમાં મંકીપોક્સના કેસ વધતાં કેન્દ્ર સરકાર એલર્ટ, ટેસ્ટિંગ માટે 32 લેબોરેટરીનું નેટવર્ક તૈયાર
Image: IANS |
MonkeyPox Alert In India: વિશ્વભરમાં મંકીપોક્સ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના અંગે કેન્દ્ર સરકારે પણ એલર્ટ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડા સચિવ પીકે મિશ્રાએ રવિવારે મંકીપોક્સ અંગે દેખરેખ અને સાવચેતી રાખવાની તૈયારીઓની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્થિતિ પર સતત દેખરેખ રાખી રહ્યા છે, જો કે દેશમાં હજી સુધી મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આફ્રિકાના ઘણાં ક્ષેત્રોમાં મંકીપોક્સના કેસોની વધતી સંખ્યા અને ફેલાવોને ધ્યાનમાં લેતાં તેને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે.
કેવી રીતે મંકીપોક્સ ફેલાય છે?
આ બેઠકમાં જણાવાયું હતું કે, મંકીપોક્સની બીમારી સેલ્ફ લિમિટેડ હોય છે. જે બેથી ચાર સપ્તાહ સુધી રહે છે. જેમાં દર્દી આરોગ્ય સંભાળ અને સારવારથી સાજા થઈ જાય છે. લાંબો સમય મંકીપોક્સના દર્દી સાથે રહેવાથી તેનો ચેપ લાગી શકે છે. ભારત માટે તેના જોખમનું આકલન કરવા માટે 12 ઓગસ્ટે એનસીડીસીના નિષ્ણાતોએ એક બેઠક યોજી હતી. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આરોગ્ય ટીમોને તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મંકીપોક્સની દહેશત: આરોગ્ય મંત્રી નડ્ડાએ કરી સમીક્ષા બેઠક, આ રાજ્યના એરપોર્ટ પર હાઇઍલર્ટ
ટેસ્ટિંગ માટે લેબોરેટરી તૈયાર
પી. કે. મિશ્રાના નેતૃત્વ હેઠળ આ બીમારીની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં અસરકારક પગલાં લેવા નિર્દેશ કરવામાં આવ્યા છે. જેના માટે ટેસ્ટ લેબોરેટરીના નેટવર્ક તૈયાર કરવામાં આવ્યા છે. હાલ 32 લેબોરેટરી સજ્જ છે. બીમારી અટકાવવા અને સારવાર માટે પ્રોટોકોલ મોટાપાયે પ્રસારિત કરવામાં આવશે. જેથી લોકોમાં આ બીમારી અંગે જાગૃતિ ફેલાય અને લક્ષણો દેખાતાં જ સારવાર શરૂ કરવામાં આવે.
116 દેશોમાં મંકીપોક્સથી 208ના મોત
ડબ્લ્યુએચઓના અહેવાલ અનુસાર, 2022થી વૈશ્વિક સ્તરે 116 દેશોમાં મંકીપોક્સના લીધે 99176 કેસો નોંધાયા છે, જેમાં 208 મોત થઈ હતી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં મંકીપોક્સના કેસો ઝડપથી વધી રહ્યા છે. ગતવર્ષે તેમાં અનેકગણો વધારો થયો હતો. જો કે, ગતવર્ષની તુલનાએ આ વર્ષે અત્યાર સુધીમાં અહીં મંકીપોક્સના કારણે લગભગ 15600થી વધુ કેસ અને 537 મોત થઈ ચૂક્યા છે. ડબ્લ્યુએચઓ દ્વારા જાહેર આરોગ્ય કટોકટીની જાહેરાત થયા બાદ ભારતમાં 30 કેસો નોંધાયા હોવાનો અહેવાલ છે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એલર્ટ
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ એરપોર્ટ પર મંકીપોક્સ અંગે એલર્ટ જારી કર્યું છે. જેમાં અમેરિકા, આફ્રિકા, ખાડી દેશો ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા મુસાફરોમાં આ બીમારીનું ચેકિંગ વધાર્યું છે. મંકીપોક્સના લક્ષણો જણાતાં તાત્કાલિક ધોરણે પગલાં લેવા નિર્દેશ કર્યો છે. મંત્રાલયે મંકીપોક્સની સારવાર માટે દિલ્હીમાં ત્રણ હોસ્પિટલ રામ મનોહર લોહિયા, સફદરજંગ અને લેડી હોર્ડિંગને નોડલ સેન્ટર બનાવી છે.