મધ્યપ્રદેશ: ચાલુ ટ્રેનમાં યુનિવર્સિટીના કુલપતિને આવ્યો હાર્ટ એટેક, વિદ્યાર્થીઓ જજની કાર છીનવીને લઈ ગયા હોસ્પિટલ, લૂંટનો કેસ નોંધાયો
Image Source: Twitter
- સોમવારે આખી રાત ABVPના કાર્યકર્તાઓએ પડાવ પોલીસ સ્ટેશનમાં ધરણા પ્રદર્શન કર્યું હતું
ગ્વાલિયર, તા. 12 ડિસેમ્બર 2023, મંગળવાર
પીકે યુનિવર્સિટીના કુલપતિનો જીવ બચાવવાના ચક્કરમાં વિદ્યાર્થીઓ પર લૂંટનો કેસ નોંધાઈ ગયો છે. વિદ્યાર્થીઓની ભૂલ માત્ર એટલી જ હતી કે, તેમણે પોતાના કુલપતિનો જીવ બચાવવા માટે રેલવે સ્ટેશનની બહાર ઉભેલી એક જજની કારને બળજબરી પૂર્વક છીનવી લીધી અને VCને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ તેઓ VCનો જીવ ન બચાવી શક્યા. પરંતુ વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નોંધાઈ ગઈ. જે વિદ્યાર્થીઓ સામે FIR નોંધવામાં આવી તેઓ ABVPના કાર્યકર્તા હોવાનું જણાવાયુ છે. આ જ કારણ છે કે, સોમવારે આખી રાત ABVPના કાર્યકર્તાઓએ પડાવ પોલીસ સ્ટેશનમાં ધરણા પ્રદર્શન કર્યું હતું.
આ સમગ્ર ઘટનાની શરૂઆત દિલ્હીથી ગ્વાલિયર આવતી દક્ષિણ એક્સપ્રેસમાં થઈ હતી. રવિવારે રાત્રે દિલ્હીથી ગ્વાલિયર આવી રહેલી દક્ષિણ એક્સપ્રેસમાં શિવપુરીની પીકે યુનિવર્સિટીના કુલપતિ રણજીત સિંહ યાદવ પોતાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે મિસાફરી કરી રહ્યા હતા. જ્યારે ટ્રેન આગ્રા પહોંચી ત્યારે વીસીને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તેમની તબિયત બગડવા લાગી. મુરેના પહોંચ્યા ત્યાં સુધીમાં રણજીત સિંહ યાદવની તબિયત ખૂબ જ વધારે બગડી ગઈ હતી. આ જોઈને તેની સાથે હાજર વિદ્યાર્થીઓ ચિંતામાં પડી ગયા. વિદ્યાર્થીઓએ રેલવે હેલ્પલાઈન પર મદદ માંગી.
જજના ડ્રાઈવર પાસે હોસ્પિટલ સુધી લઈ જવાની મદદ માંગી
ગ્વાલિયર રેલવે સ્ટેશન પહોંચતા જ કુલપતિની સ્થિતિ જોઈને વિદ્યાર્થીઓ ટ્રેનમાંથી ઉતરી પ્લેટફોર્મ નંબર એક તરફ પહોંચ્યા. જ્યારે વિદ્યાર્થીઓને અંહી હોસ્પિટલ સુધી પહોંચવા માટે કોઈ મદદ ન મળી તો તેમણે પ્લેટફોર્મ નંબર-1 બહાર હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ એસ. કાલગાંવકરની ગાડી લઈને ઉભેલા ડ્રાઈવર પર હોસ્પિટલ સુધી લઈ જવાની મદદ માંગી. પરંતુ ડ્રાઈવર જ્યારે તૈયાર ન થયો તો વિદ્યાર્થીઓએ તેમની પાસેથી ગાડીની ચાવી છીનવી લીધી.
ડોક્ટરોએ તપાસ બાદ વીસી રણજીત સિંહ યાદવને મૃત ઘોષિત કર્યા
ત્યારબાદ વિદ્યાર્થીઓ કુલપતિને લઈને હોસ્પિટલ પહોંચ્યા પરંતુ ડોક્ટરોએ તપાસ બાદ વીસી રણજીત સિંહ યાદવને મૃત ઘોષિત કરી દીધા. બીજી તરફ પોલીસને જજની ગાડી લૂંટવાની જાણકારી મળતા જ તે એક્શનમાં આવી ગઈ. શહેરની નાકાબંધી પણ કરી દીધી. જોકે, ટૂંક સમયમાં જ પોલીસને જજની ગાડી જયારોગ્ય હોસ્પિટલ આગળથી મળી ગઈ.
ત્યારબાદ જીઆરપી કોન્સ્ટેબલ રાકેશ સેંગરની ફરિયાદ પર વિદ્યાર્થીઓ વિરુદ્ધ પડાવ પોલીસ સ્ટેશનમાં લૂંટની કલમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.