Get The App

સેક્સ કૌભાંડમાં સાંસદ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ, 6 જૂન સુધી પોલીસ કસ્ટડી

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
સેક્સ કૌભાંડમાં સાંસદ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ, 6 જૂન સુધી પોલીસ કસ્ટડી 1 - image


- જર્મનીથી 34 દિવસે પાછા ફરેલો પ્રજ્વલ બેંગ્લુરુ એરપોર્ટ પર જ ઝડપાયો

- પ્રજ્વલ સામે જાતિય શોષણના ત્રણ કેસ, એસઆઈટીને મહિલાઓના અશ્લીલ વીડિયો બનાવાયેલા ફોનની તલાશ

બેંગ્લુરુ : કર્ણાટકમાં સેક્સ કૌભાંડના આરોપી હાસસના સાંસદ અને આ લોકસભા ચૂંટણીમાં જેડીએસના ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાની અંતે શુક્રવારે બેંગ્લુરુ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી વચ્ચે જ સેક્સ કૌભાંડ બહાર આવતા જર્મની ભાગી ગયેલો પ્રજ્વલ ૩૫ દિવસે સ્વદેશ પાછો ફરતા એસઆઈટીની મહિલા ટીમે એરપોર્ટ પર જ તેને ઝડપી લીધો હતો. પ્રજ્વલને આજે કોર્ટમાં હાજર કરાયો હતો અને એસઆઈટીએ ૧૪ દિવસની કસ્ટડી માગી હતી, પરંતુ કોર્ટે તેને ૬ જૂન સુધી પોલીસ અટકાયતમાં મોકલાયો હતો. પ્રજ્વલ સામે અનેક મહિલાઓનું જાતીય શોષણ કરવાના આરોપ છે. જોકે, તેની સામે ત્રણ કેસ નોંધાયા છે.

કર્ણાટકમાં સેક્સ કૌભાંડ કેસના આરોપી પ્રજ્વલ રેવન્ના અંદાજે ૩૪ દિવસ પછી જર્મનીથી લુફ્થાન્સાની ફ્લાઈટમાં ગુરુવારે મોડી રાતે ૧.૦૦ વાગ્યે બેંગ્લુરુ પાછો ફર્યો હતો. પ્રજ્વલ બેંગ્લુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરતા જ મહિલા આઈપીએસ અધિકારીઓના નેતૃત્વમાં એસઆઈટીની મહિલા ટીમે તેની ધરપકડ કરી હતી. પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના પૌત્ર અને હાસન બેઠકના સાંસદ રેવન્ના સેક્સ કૌભાંડ સામે આવતા જ ૨૭ એપ્રિલે દેશ છોડી ભાગી ગયો હતો. ત્યાર પછી લગભગ ૩૪ દિવસે તે સ્વદેશ પાછો ફર્યો હતો.

અગાઉ સેક્સ કૌભાંડની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ પ્રજ્વલની ધરપકડ માટે સીબીઆઈ મારફત ઈન્ટરપોલની મદદ માગી હતી, જેણે પ્રજ્વલ વિરુદ્ધ 'બ્લૂ કોર્નર નોટિસ' પણ જાહેર કરી હતી. એરપોર્ટ પર ધરપકડ પછી પ્રજ્વલની મેડિકલ તપાસ કરાઈ હતી. ત્યાર પછી એસઆઈટીએ કસ્ટડી મેળવવા તેને અધિક મુખ્ય મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કે.એન. શિવકુમારની કોર્ટમાં રજૂ કર્યો હતો. 

કોર્ટમાં વિશેષ સરકારી વકીલ અશોક નાયકે ૧૪ દિવસની પોલીસ કસ્ટડીની માગ કરતા દલીલ કરી હતી કે, પોલીસને વધુ પૂછપરછ અને તપાસ માટે આરોપીની જરૂર છે. આરોપી પર બળાત્કારના ગંભીર આરોપ છે. તે એક વિકૃત વ્યક્તિ છે. તેણે પોતાના ફોનમાં રેકોર્ડ કરેલા વીડિયોમાં અનેક મહિલાઓની ઓળખ જાહેર થઈ છે, જેના કારણે મહિલાઓના ઘરોમાં પણ સમસ્યાઓ પેદા થઈ છે. તેમણે ઉમેર્યું કે, પ્રજ્વલનો ફોન શોધવો પડશે. આ સિવાય અનેક સાક્ષીઓને એકત્ર કરવાની જરૂર છે. તેથી પ્રજ્વલની કસ્ટડી જરૂરી છે.

જોકે, પ્રજ્વલના વકીલે ૧૪ દિવસની પોલીસ કસ્ટડીનો વિરોધ કરતા કહ્યું કે, આ ઘટના ચાર વર્ષ પહેલાં થઈ હોવાનું મનાય છે. શરૂઆતની ફરિયાદ મુજબ પ્રજ્વલ સામે બળાત્કારનો કોઈ આરોપ નથી. એફઆઈઆર ૨૮ એપ્રિલે નોંધાઈ હતી, પરંતુ ૫ મે સુધી કલમ ૧૬૪ સીઆરપીસી હેઠળ નિવેદન નોંધાયા નહોતા. કલમ ૧૬૧ હેઠળ નિવેદન નોંધવાના આધારે બળાત્કારનો કેસ કરાયો હતો.

બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી જજ શિવકુમારે આદેશ અનામત રાખ્યો હતો અને લગભગ એક કલાકના વિરામ પછી પ્રજ્વલને ૬ જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. દરમિયાન એસઆઈટીએ અપહરણના એક કેસમાં પ્રજ્વલના પિતા એચડી રેવન્નાના જામીન રદ કરવા કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. ન્યાયમૂર્તિ કૃષ્ણા દિક્ષિતના નેતૃત્વમાં સિંગલ જજની બેન્ચે આ બાબતને સોમવાર સુધી મુલતવી રાખી હતી. એચડી રેવન્નાને સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા.

ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં સરકારી વકીલનો એકરાર  

પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર સાચા અર્થમાં ભારતનું છે 

- 'બીજા દેશમાં પાકિસ્તાની રેન્જર્સ શું કરી રહ્યા છે?', વકીલના દાવા બાદ હાઈકોર્ટનો વેધક સવાલ 

લાહોર : પાકિસ્તાને પીઓકેને લઈને પોતાની જ પોલ ખોલી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં સરકારી વકીલના દાવા બાદ આ હકીકત સામે આવી છે. સરકારી વકીલે એક કેસ દરમિયાન જણાવ્યું કે, આરોપીને ઈસ્લામાબાદ કોર્ટમાં રજૂ કરી શકાય નહીં કારણકે, આઝાદ કાશ્મીર વિદેશી ક્ષેત્ર છે. એક રિપોર્ટ મુજબ, ફેડરલ પ્રોસિક્યૂટર જનરલ ઈસ્લામાબાદથી અપહરણ કરવામાં આવેલા કવિ અહમદ ફરહાદને લઈને સરકારનો બચાવ કરી રહ્યાં હતાં. ત્યારે, તેમણે જણાવ્યું કે, આરોપી આઝાદ કાશ્મીરમાં ૨ જૂન સુધી રિમાન્ડ પર રહેશે અને તેને ઈસ્લામાબાદ કોર્ટમાં રજૂ કરી શકાશે નહીં કારણકે, આઝાદ કાશ્મીર તેમનું નહીં પરંતુ વિદેશી ક્ષેત્ર છે. 

સરકારી વકીલના દાવા પર ઈસ્લામાબાદ હાઈકોર્ટે સામે પ્રશ્ન કર્યો કે, જો આઝાદ કાશ્મીર વિદેશી ક્ષેત્ર છે, તો ત્યાં પાકિસ્તાની રેન્જર્સ શું કરી રહ્યાં છે ? બીજી તરફ, સરકારી વકીલના આ નિખાલસ એકરાર બાદ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ છેડાઈ ગયું છે. ઘણા લોકો આઝાદ કાશ્મીર મુદ્દે વકીલના કબુલનામાથી દુ:ખી થઈ ગયા છે. 


Google NewsGoogle News