જ્ઞાનવાપી બાદ હવે મધ્ય પ્રદેશની ધાર ભોજશાળાનો થશે ASI સર્વે, હાઈકોર્ટનો મોટો ચુકાદો
- આ ચુકાદો સામાજિક સંગઠન 'હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ' દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો છે
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 11 માર્ચ 2024, સોમવાર
ઉત્તર પ્રદેશની જ્ઞાનવાપી બાદ હવે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળાને લઈને મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટની ઈન્દોર બેંચે ભોજશાળાનો ASI સર્વે કરવાનો આદેશ આપ્યો છે. મા સરસ્વતી મંદિર ભોજનશાળા છે જેનું નિર્માણ 1034માં રાજા ભોજે સંસ્કૃતના અભ્યાસ માટે કરાવ્યું હતું પરંતુ બાદમાં મુઘલ આક્રમણકારો દ્વારા તેને તોડી પાડવામાં આવ્યુ હતું.
હાઈકોર્ટની ઈન્દોર બેંચે ભોજશાળાના ASI સર્વેનો આદેશ આપ્યો છે. આ માટે કોર્ટે ASIને 5 સભ્યોની ટીમનું ગઠન કરવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો સામાજિક સંગઠન 'હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ' દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો છે. આ ભોજશાળા ધારમાં આવેલી છે.
આ ભોજશાળા પર વિવાદ ચાલી રહ્યો છે. હિંદુઓનું કહેવું છે આ માતા સરસ્વતીનું જુનું મંદિર છે તો મુસ્લિમો તેને કમલ મૌલા મસ્જિદ ગણાવી રહ્યાં છે. હિંદુઓ ભોજશાળાનો વૈજ્ઞાનિક સર્વે કરાવવા માગે છે અને હાઈકોર્ટમાં અરજી કરી હતી જેના પર આજે ચુકાદો આવ્યો છે. ભોજશાળાને સરસ્વતી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. વેબસાઈટ પ્રમાણે આ મંદિરને બાદમાં અહીંના મુસ્લિમ શાસકે મસ્જિદમાં ફેરવી દીધું હતું. તેના અવશેષો આજે પણ પ્રખ્યાત કમાલ મૌલાના મસ્જિદમાં હાજર છે.
GPR-GPS ટેકનોલોજી દ્વારા સર્વેનો આદેશ
હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે જ્ઞાનવાપીની જેમ જ પરિસરનો સર્વે કરવામાં આવશે. કોર્ટના આદેશમાં ભોજશાળાનો GPR-GPS પદ્ધતિથી સર્વે કરવાની વાત કરવામાં આવી છે. આ ટેક્નોલોજી (ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર)નો અર્થ જમીનની અંદરના વિવિધ સ્તરોની તપાસ કરવી. તેમાં રડારનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણોસર આ તકનીકનો ઉપયોગ કરીને જમીનની અંદરની વસ્તુઓના વિવિધ સ્તરો, રેખાઓ અને આકાર માપવામાં આવે છે. સમગ્ર સર્વેની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ થશે.