કોંગ્રેસને મોટું નુકસાન, કદાવર નેતા અને 6 વખતના ધારાસભ્યનું નિધન, બે વખત રહી ચૂક્યાં મંત્રી
Congress Leader Arif Aqeel Death | મધ્યપ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ અને કદાવર નેતા આરિફ અકીલનું નિધન થઈ ગયું છે. સોમવારે સવારે તેમણે ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઉલ્લેખનીય છે કે તે લાંબા સમયથી બીમાર હતા.
6 વખત ધારાસભ્ય રહ્યાં
આરીફ અકીલ 1990માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. તે ભોપાલની ઉત્તર વિધાનસભા બેઠક પરથી છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે મધ્યપ્રદેશ સરકાર (પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સરકાર)માં બે વખત મંત્રી પદ પણ સંભાળ્યું હતું. તેમને લઘુમતી કલ્યાણ, જેલ અને ખાદ્ય વિભાગો સોંપવામાં આવ્યા હતા. જો કે, તબીયત સારી ન હોવાને કારણે આરિફ અકીલે તેમના પુત્ર આતિફ અકીલને 2023માં ભોપાલ ઉત્તર વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. હાલમાં આતિફ ભોપાલ ઉત્તરથી ધારાસભ્ય છે.
ભોપાલમાં સારવાર ચાલી રહી હતી
72 વર્ષીય આરીફ હૃદય રોગ સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. તેમને સારવાર માટે ભોપાલની એપોલો સેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જે બાદ તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા હતા જ્યાં હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.