દૂરબીનથી જોયું, પણ બજેટમાં ક્યાંય અયોધ્યાનું નામ નથી; સપા સાંસદ અવધેશ પ્રસાદે સરકારને ઝાટકી
Image: Twitter
હિન્દુ રાષ્ટ્રની વાત કરતી ભાજપ સરકારે કેન્દ્રીય બજેટમાં દેશના સૌથી મોટા ધાર્મિક સ્થાન, ભગવાન શ્રીરામના જન્મસ્થાન અયોધ્યા રામમંદિર માટે પણ કોઈ જોગવાઈ નથી, લોકસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન ફૈઝાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, આ બજેટમાં અયોધ્યાની પણ અવગણના કરવામાં આવી છે.
ફૈઝાબાદ સંસદીય ક્ષેત્ર હેઠળ આવતા અયોધ્યા રામ મંદિર
અવધેશ પ્રસાદે ગૃહમાં કહ્યું, 'હું મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રની ભૂમિથી આવ્યો છું. હું અશફાકુલ્લા ખાનની ભૂમિમાંથી આવ્યો છું. મેં નાણામંત્રીનું બજેટ ઘણી વખત દૂરબીનથી જોયું, પરંતુ તેમાં અયોધ્યાનું નામ નથી. તે ભગવાન શ્રી રામની અયોધ્યા છે, પરંતુ ભાજપે તેના નામે રાજનીતિ અને ધંધો કર્યો છે.
સપા સાંસદે કહ્યું કે, ભાજપે અયોધ્યાના વિકાસને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. કારણ કે હું દલિત જાતિનો છું અને અમારા નેતા અખિલેશ યાદવે મને જનરલ સીટ પરથી ટિકિટ આપી હતી. તેથી 22 જાન્યુઆરીથી લઇને ચૂંટણી સુધી દેશના ખૂણે-ખૂણેથી લોકો અવધેશ પ્રસાદને હરાવવા આવ્યા હતા પરંતુ ભગવાન રામની કૃપા મારા પર હતી, તેથી તે લોકોને નકારવામાં આવ્યા કારણ કે, અયોધ્યાના લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. બે-ત્રણ પેઢીઓ જૂનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. જેના કારણે ત્રણ મોત પણ થયા છે.
અવધેશ પ્રસાદે વધુમાં કહ્યું કે, અયોધ્યામાં જમીન કૌભાંડો થયા. એક એવી જમીન હતી કે, તેને 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી અને બે કલાક પછી તેને 18 કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવી હતી.
અવધેશ પ્રસાદે કહ્યું કે 2027ની ચૂંટણીમાં યુપીમાંથી ભાજપનો સફાયો થઈ જશે. આ પછી 2029માં ભાજપ દેશ છોડી દેશે. અમારા નેતાએ વચન આપ્યું છે કે, તેઓ અયોધ્યાને એવું શહેર બનાવશે કે, જ્યાં દુનિયાભરમાંથી લોકો આવશે. અવધેશ પ્રસાદે કહ્યું કે, જમીન કોણે ખરીદી છે તેની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવી જોઈએ. આ સરકાર દલિત વિરોધી છે.