'તમે જઈને દિગ્વિજય સિંહના કપડા ફાડો', ટિકિટ ન મળવાથી નારાજ નેતાઓને કમલનાથે કહ્યું આવું, Video થયો વાયરલ

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
'તમે જઈને દિગ્વિજય સિંહના કપડા ફાડો', ટિકિટ ન મળવાથી નારાજ નેતાઓને કમલનાથે કહ્યું આવું, Video થયો વાયરલ 1 - image


Image Source: Twitter

- આ કપટનાથ છે કોની સાથે કપટ કરી જાય કંઈ ખબર ના પડે: ગૌરવ ભાટિયા

ભોપાલ, તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ બળવો અને વિરોધનો અવાજ ઉઠવા લાગ્યો છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા કોલારસના ધારાસભ્ય વિરેન્દ્ર રઘુવંશીની ટિકિટ છેલ્લી ઘડીએ કપાતા વિવાદ ચાલુ થઈ ગયો છે. અસંતુષ્ટ કાર્યકરોએ મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ સાથે મુલાકાત કરી અને પાર્ટીના નિર્ણય સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કમલનાથે કોંગ્રેસ નેતા રઘુવંશીના સમર્થકોને વણવિચાર્યો કડક જવાબ આપ્યો હતો.

સોમવારે કમલનાથના બંગલા પર શિવપુરીથી આવેલા વીરેન્દ્ર રઘુવંશીના સમર્થકો પહોંચ્યા હતા અને તેઓ માંગ કરી રહ્યા હતા કે, વીરેન્દ્ર રઘુવંશીને શિવપુરીથી ટિકિટ આપવામાં આવે. આ દરમિયાન કોઈએ રઘુવંશી સમર્થકો અને કમલનાથ વચ્ચેની વાતચીતનો વીડિયો બનાવી લીધો હતો જે હવે વાયરલ થઈ રહ્યો છે. બીજેપી નેતાઓ આ વીડિયોને ખૂબ જ તેજીથી પોસ્ટ કરી રહ્યા છે.

ગેરસમજ થઈ ગઈ: કમલનાથ

ભાજપના નેતાઓ દ્વારા જારી કરવામાં આવેલા વીડિયોમાં કમલનાથ કહી રહ્યા છે કે, આમાં કોઈ ગેરસમજ થઈ ગઈ છે. તમે વિરેન્દ્રની વાત ના કરો. મેં તેમને જોઈન કરાવ્યા છે. કેપી સિંહે કહ્યું કે મારી દિગ્વિજય સિંહ સાથે વાત થઈ ગઈ છે. દિગ્વિજય સિંહે કહ્યું કે મારી કેપી સિંહ સાથે વાત થઈ ગઈ છે. પાછળથી તેઓ કહે છે કે અરે આવું તો અમે સમજ્યા નહતા. મેં કહ્યું કે હવે તમે લોકો સમજો. મેં કાલે સાંજે દિગ્વિજય સિંહને દિલ્હી બોલાવ્યા છે. કેપી સિંહે શિવપુરી શા માટે જવું જોઈએ? આ વાત મને ના સમજાઈ. હું તો પોતે વિરેન્દ્ર સામે શરમ અનુભવી રહ્યો હતો. મારે રઘુવંશી સમાજને આપવાનું છે. હું પોતે શોધી રહ્યો છું. શિવપુરીની વાત દિગ્વિજય સિંહ જયવર્ધન સાથે કરશે. જેવું તેઓ કહેશે તેવું કરીશું. હું વીરેન્દ્રને તમારા કરતા વધારે પ્રેમ કરું છું. તમે લોકો મને શું સમજાવવા આવ્યા છો? હવે જાઓ અને દિગ્વિજય સિંહ અને જયવર્ધનના કપડાં ફાડી નાખો. મતલબ, વીડિયોમાં કમલનાથ વીરેન્દ્ર રઘુવંશીના સમર્થકોને કહી રહ્યા છે કે, તમે હવે આ અંગે દિગ્વિજય સિંહ અને તેમના ધારાસભ્ય પુત્ર જયવર્ધન સિંહ સાથે વાત કરો.

BJPએ કોંગ્રેસનો આ વીડિયો શેર કર્યો

હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો બીજેપીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એમપી બીજેપીના મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે કટાક્ષ કરતા લખ્યું, દિગ્વિજય સિંહ અને જયવર્ધનના કપડાં ફાડી નાખો... અરે કમલનાથજી તમે તો કપડાં ફાડવા પર પણ ઉતરી આવ્યા. તમે પણ શું કરી શકો જ્યારે આખી કોંગ્રેસ જ બે ફાડ થઈ ગઈ છે તો? જોકે, શિવપુરીથી આવેલા વીરેન્દ્ર રઘુવંશીના સમર્થકોની કમલનાથ સાથેની વાતચીતનો આ વીડિયો જોયા બાદ તમને અને તમારા પુત્રને ચોક્કસપણે દુ:ખ થશે અને તગડો બદલો પણ લેશો. હવે જોવાનું એ રહેશે કે કોણ કોના કપડા ફાડશે.

BJPના રાષ્ટ્રીય પ્રવક્તાએ પણ કટાક્ષ કર્યો

બીજી તરફ BJPના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ 'X' પર વીડિયો શેર કરતા લખ્યું કે, તમે જઈને દિગ્વિજય સિંહ અને જયવર્ધનના કપડા ફાડો... આ છે કપટનાથ કોની સાથે કપટ કરી જાય કંઈ ખબર ના પડે. કોંગ્રેસ એમ જ કપટી પાર્ટી નથી કહેવાતી. 

કમલનાથનું રિએક્શન

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કમલનાથે કહ્યું કે, મારો અને દિગ્વિજય સિંહનો સ્નેહનો સબંધ છે એટલા માટે હું મજાકમાં કહું છું તેનું ખોટું ન લગાડવું જોઈએ. 


Google NewsGoogle News