જેલમાં કેદ સાંસદે કંગનાને લાફો મારનાર CISF કર્મીની પ્રશંસા કરી, કહ્યું - 'બહાદુર બહેનને મારું સમર્થન...'
Amritpal Singh On Kangana Ranaut: પંજાબના ખડૂર સાહિબથી અપક્ષ સાંસદ અમૃતપાલ સિંહે હિમાચલના મંડીથી ભાજપના સાંસદ અને એક્ટ્રેસ કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલનું સમર્થન કર્યું છે. અમૃતપાલે થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરને બહાદુર ગણાવતા તેના વખાણ કર્યા છે.
અમૃતપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કુલવિંદર કૌરના સમર્થનમાં પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં અમૃતપાલે લખ્યું કે, ‘અમે અમારી બહેન કુલવિંદર કૌરના સમર્થનમાં એકજૂથ થઈને ઊભા છીએ. કુલવિંદરનું સાહસ પંજાબની દીકરીઓ માટે તાકાતનું ઉદાહરણ છે.’
અપક્ષ સાંસદ અમૃતપાલ સિંહ હાલ જેલમાં કેદ છે. સોશિયલ મીડિયામાં તેણે લખ્યું છે કે, ‘કંગના રણૌતે વારંવાર શીખ સમુદાય, અમારા ખેડૂતો અને પંજાબની માતાઓનું અપમાન કર્યું છે અને પરેશાન કર્યા છે. કુલવિંદરે અમારા સમુદાય પ્રત્યે દર્શાવવામાં આવેલા અનાદરનું સન્માન અને સુગમતા સાથે જડબાતોડ જવાબ આપ્યો છે.’
6 જૂનના રોજ બની હતી ઘટના
ભાજપના સાંસદ કંગના રણૌતને 6 જૂનના રોજ ચંડીગઢ એરપોર્ટ પર તહેનાત CISF મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે થપ્પડ મારી હતી. ત્યારે કંગના ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર દિલ્હી આવી રહી હતી. આ ઘટના બાદ કંગનાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે ‘મને થપ્પડ મારવામાં આવ્યો અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. હું સુરક્ષિત છું પરંતુ પંજાબમાં વધી રહેલા આતંકવાદથી ચિંતિત છું.’
કુલવિંદરે થપ્પડ મારવા પાછળનું કારણ જણાવ્યુ હતું
આ ઘટના બાદ કુલવિંદર કૌરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે લોકોને કહી રહી હતી કે, કંગના રણૌતે ખેડૂતોના આંદોલન દરમિયાન કહ્યું હતું કે, આંદોલનમાં સામેલ મહિલાઓ 100-200 રૂપિયા લઈને પ્રદર્શન કરી રહી છે. તે દરમિયાન એ પ્રદર્શનકારીઓમાં મારી માતા પણ સામેલ હતી. આ ઘટના બાદ કુલવિંદરને સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેની સામે તપાસ ચાલી રહી છે. તાજેતરમાં જ એવા આવ્યા હતા કે, કુલવિંદર કૌરને બેંગલુરુ ટ્રાન્સફર કરવામાં આવી છે. જોકે CISF તરફથી પણ આ અંગે પ્રતિક્રિયા આવી હતી. CISFએ કહ્યું હતું કે, કુલવિંદર કૌર હજુ પણ સસ્પેન્ડ છે અને તેની સામે વિભાગીય તપાસ ચાલી રહી છે. જો કે, તેમને તેમના પતિ સાથે બેંગલુરુમાં ટ્રાન્સફર કરવામાં આવી છે, જેઓ પણ CISFમાં છે.