ઝારખંડમાં ત્રિપલ મર્ડરની ખૌફનાક ઘટના, દીકરીની બંને આંખો ફોડી, માતા-દીકરાની કરી ઘાતકી હત્યા
Jharkhand Crime: ઝારખંડના ગિરિડીહમાં લોકાય નયનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બરદૌની ગામમાં મંગળવારે (પહેલી એપ્રિલ) એક મહિલા અને તેના બે બાળકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે મૃતક મહિલાના પતિ ચારો હેમ્બ્રમ અને સસરા તાલો હેમ્બ્રમની અટકાયત કરી છે. આ ઘટના અંગે પોલીસે કરેલા ખુલાસા ચોંકાવનારા છે. મૃતકોમાં ચારો હેમ્બ્રમની પત્ની રેણુઆ ટુડુ (30 વર્ષ), પુત્રી સરિતા હેમ્બ્રમ (9 વર્ષ) અને પુત્ર સતીશ હેમ્બ્રમ (6 વર્ષ)નો સમાવેશ થાય છે. ત્રણેયની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.
જાણો શું છે સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, મૃતક મહિલાના પતિ ચારો હેમ્બ્રમે પોલીસને જણાવ્યું હતું કે, 'મે સોમવારે રાત્રે પત્નીને ગામના એક યુવાન સાથે જોઈ હતી. જેના કારણે મે પત્નીને માર માર્યો હતો. ત્યારબાદ પત્ની રાત્રે બંને બાળકો સાથે ઘર છોડીને ક્યાંક ચાલી ગઈ. પત્ની અને પુત્રની ક્રૂરતાથી હત્યા કરીને પાનિયાય ગામના તળાવ પાસે એક ઝાડ પર મૃતદેહને લટકાવીને તેને આત્મહત્યા જેવો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.'
આરોપીએ પુત્રી સરિતા હેમ્બ્રમની બંને આંખો ફોડી નાખી હતી અને તેની ક્રૂરતાથી હત્યા કરીને મૃતદેહ તળાવમાં ફેંકી દીધો હતો. મંગળવારે સવારે ગામલોકોએ માતા અને પુત્રના મૃતદેહ ઝાડ પર લટકતા જોયા. ગ્રામજનોએ ચારો હેમ્બ્રમ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. આ દુ:ખદ ઘટનાની માહિતી મળતા લોકાય નયનપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અમિત કુમાર ચૌધરી અને થાનસિંહડીહ ઓપી ઈન્ચાર્જ નીરજ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને માતા-પુત્રના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યા હતા.