રવિવારથી મધર ડેરીના દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો
નવીદિલ્હી : જાણીતા દૂધ સપ્લાયર મધર ડેરીએ દિલ્હી-એનસીઆર (નેશનલ કેપિટલ રીજન) તેમજ અન્ય શહેરોમાં દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો ઝીંક્યો છે કે જે રવિવારથી અમલી બનશે.ભાવવધારા માટે દૂધની પડતર કિંમતમાં થયેલી વૃધ્ધિનું કારણ આપતી ડેરીએ છેલ્લે ડિસેમ્બર, 2019માં ભાવ વધાર્યા હતા.
છેલ્લા એક વર્ષમાં દૂધની ખરીદકિંમતમાં 8-10 ટકા જેટલો વધારો થયો છે. અન્ય આનુષંગિક ખર્ચ પણ વધ્યા છે, એમ ડેરીએ સ્પષ્ટતા કરી છે. અમૂલ ડેરીએ ગઇ તા.1જુલાઇથી એના દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયા જેટલો વધારો કર્યો જ છે.
મધર ડેરીએ કરેલો દૂધનો ભાવવધારો પૂર્વ અને મધ્ય ઉત્તર પ્રદેશ, મુંબઇ, નાગપુર અને કોલકત્તા જેવા મુખ્ય કેન્દ્રોમાં પણ અમલી બનશે. મધર ડેરીનું દૂધ દેશભરમાં 100 જેટલા શહેરોમાં વેચાય છે. એનું દૈનિક કુલ વેચાણ 35 લાખ લીટર છે.