Get The App

દિલ્હીમાં સિઝનનો સૌથી પ્રદૂષિત દિવસ : એક્યુઆઇ પ્રથમ વખત ગંભીર શ્રેણીમાં

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં સિઝનનો સૌથી પ્રદૂષિત દિવસ : એક્યુઆઇ પ્રથમ વખત ગંભીર શ્રેણીમાં 1 - image


- દિલ્હીમાં સાંજે પાંચ વાગ્યે એક્યુઆઇ 429

- દિલ્હીના 36માંથી 32 સ્ટેશનોમાં પ્રદૂષણ ગંભીર કેટેગરીમાં  દિલ્હીમાં તાપમાન પાંચ ડિગ્રી ઘટીને 27.8 ડિગ્રી

નવી દિલ્હી : દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં વાયુ પ્રદૂષણમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી છે. નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચાલુ સિઝનમાં પ્રથમ વખત ગંભીર કેટેગરીમાં નોંધવામાં આવી છે. 

આજે દિલ્હીમાં એર કવોલિટી ઇન્ડેક્સ ૪૨૯ થઇ ગયો હતો. દેશની રાજધાનીમાં પ્રદૂષણના સ્તરમાં છેલ્લા ૨૪ કલાકમાં મોટા પાયે વૃદ્ધિ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે એક્યુઆઇ ૩૩૪ હતો. 

દિલ્હીમાં આજે સાંજે પાંચ વાગ્યે એક્યુઆઇ ૪૨૯ થઇ ગયો હતો જે ખરેખર ચિંતાજનક છે. દિલ્હીના ૩૬માંથી ૩૨ સ્ટેશનમાં પ્રદૂષણ ગંભીર કેટેગરીમાં છે. જ્યારે એક્યુઆઇ ૪૫૦થી વધી જાય છે ત્યારે તેને ખૂબ જ ગંભીર કેટેગરીમાં મૂકવામાં આવે છે.

વાહનોમાંથી નિકળતો ધુમાડો પ્રદૂષણનું સૌથી મોટું કારણ હતું જે ૧૫.૪ ટકા હતું. આસપાસના વિસ્તારોમાં પરાળી બાળવાથી સ્થિતિ વધુ ખરાબ થઇ હતી. જેના કારણે શહેરમાં ધુમાડાની ચાદર છવાઇ ગઇ હતી.

હવાની ધીમી ગતિ અને તાપમાનમાં ઘટાડાને કારણે પ્રદૂષકોના અસરકારક ફેલાવા માટે હવામાન સંબધી સ્થિતિ ખૂબ જ પ્રતિકૂળ રહેવાની સંભાવના છે. 

દિલ્હીમાં સવારે ધુમ્મસનું પ્રમાણ વધારે રહેવાને કારણે દ્રશ્યતાનું પ્રમાણ ઘટી ગયું હતું. તાપમાનમાં આજે ૨૭.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે ગઇકાલ કરતા પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. 

દિલ્હીમાં વધારે ધુમ્મસને કારણે દ્રશ્યતાનું પ્રમાણ ઘટી જવાને કારણે દિલ્હી એરપોર્ટ પરથી દસ ફલાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી અને કેટલીક ફલાઇટના સમયમાં વિલંબ થયો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હી એરપોર્ટ પર દૈનિક ૧૪૦૦ ફલાઇટોની અવરજવર થાય છે.


Google NewsGoogle News