ઓછા લોકો કોર્ટ સુધી આવે છે, મોટાભાગના ચૂપ રહી સહન કરવા મજબૂર
- પીએમ મોદીની હાજરીમાં દેશના મુખ્ય ન્યાયાધીશ રમણનું નિવેદન
- કોર્ટ સુધી પહોંચવા લોકોમાં જાગૃતિ લાવવા ટેક્નોલોજી મહત્વની ભૂમિકા ભજવી શકે, ઝડપી ન્યાય માટે ટેક્નોલોજીનો ઉપયોગ જરૂરી : રમણ
- દેશમાં યુવાનોનું વિશાળ કાર્યબળ, પરંતુ માત્ર 3 ટકા કર્મચારીઓ જ કુશળ હોવાનું મનાય છે : સીજેઆઈ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે ન્યાય સુધી લોકોની પહોંચને 'સામાજિક ઉદ્ધારનું સાધન' ગણાવતા શનિવારે કહ્યું કે બહુ ઓછા લોકો ન્યાયા મેળવવા કોર્ટમાં આવે છે, મોટાભાગના લોકો જાગૃતિ અને જરૂરી માધ્યમોના અભાવે ચૂપ રહી પીડા સહન કરવા મજબૂર છે. પીએમ મોદીની હાજરીમાં તેમણે કહ્યું કે, લોકોને કોર્ટ સુધી પહોંચવા સક્ષમ બનાવવામાં ટેક્નોલોજી મોટી ભૂમિકા ભજવી શકે છે. તેમણે ન્યાયતંત્રને ન્યાય આપવાની ગતિ વધારવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો.
અખિલ ભારતીય જિલ્લા કાયદાકીય સેવા ઓથોરિટીની પહેલી બેઠકમાં મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે જણાવ્યું હતું કે, ન્યાય - સામાજિક, આર્થિક અને રાજકીય - ન્યાયની આ વિચારસરણીનું વચન આપણા બંધારણની પ્રસ્તાવનાના પ્રત્યેક ભારતીયને આપે છે.
પરંતુ હકીકત એ છે કે આજે આઝાદીના ૭૫ વર્ષ પછી પણ માત્ર એક નાનો વર્ગ જ જરૂર પડે ત્યારે ન્યાય આપવાની વ્યવસ્થાનો સંપર્ક કરી શકે છે. જાગૃતિ અને આવશ્ય સાધનોની અછતના કારણે મોટાભાગના લોકો ચૂપચાપ પીડા સહન કરતા રહેવા મજબૂર છે.
ન્યાયાધીશ રમણે ઉમેર્યું કે, આધુનિક ભારતનું નિર્માણ સમાજમાં અસાનતાઓ દૂર કરવાના લક્ષ્ય સાથે કરાયું હતું. લોકતંત્રનો અર્થ બધાની ભાગીદારી માટે સ્થાન પૂરું પાડવાનો છે.
સામાજિક ઉદ્ધાર વિના આ ભાગીદારી શક્ય નથી. ન્યાય સુધી પહોંચ સામાજિક ઉદ્ધારનું એક સાધન છે.
કાચા કામનાકેદીઓને કાયદાકીય મદદ આપવા અને તેમની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન મોદીની જેમ તેમણે પણ કહ્યું કે, જે પાસાઓ પર દેશમાં કાયદાકીય સેવા અધિકારીઓના હસ્તક્ષેપ અને સક્રિય રૂપે વિચારણા કરવાની જરૂર છે, તેમાં એક પાસું કાચાકામના કેદીઓની સ્થિતિ છે. રાષ્ટ્રીય કાયદાકીય સેવા ઓથોરિટી (નાલસા) કાચા કામના કેદીઓને જરૂરી રાહત આપવા માટે બધા હિતધારકો સાથે સક્રિયરૂપે સહયોગ કરી રહી છે તે આનંદની વાત છે.
ન્યાયમૂર્તિ રમણે કહ્યું કે ભારત, દુનિયાનો બીજો સૌથી વધુ વસતીવાળો દેશ છે, જેની સરેરાશ વય ૨૯ વર્ષ છે અને તેની પાસે વિશાળ કાર્યબળ છે. પરંતુ કુલ કાર્યબળમાંથી માત્ર ત્રણ ટકા કર્મચારીઓ જ નિપુણ હોવાનું માનવામાં આવે છે. મુખ્ય ન્યાયાધીશ જિલ્લા ન્યાયતંત્રને દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશની ન્યાય વ્યવસ્થા માટે કરોડરજ્જૂ સમાન ગણાવ્યું હતું. તેમણે ૨૭ વર્ષ પહેલા નાલસાનું કામ શરૂ થયા પછી તેના દ્વારા અપાયેલી સેવાઓની પ્રશંસા કરી. તેમણે લોક અદાલત અને મધ્યસ્થતા કેન્દ્રો જેવા વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્રને મજબૂત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.