દેશની વિવિધ કોર્ટમાં 5 કરોડ કેસ પેન્ડિંગ, સુપ્રીમ કોર્ટના આંકડા પણ આવ્યા સામે, જજોની 324 જગ્યાઓ ખાલી
સુપ્રીમમાં 80000 જ્યારે હાઇકોર્ટોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા 61 લાખ
હાઇકોર્ટ કોલેજિયમે જજોની 201 ખાલી જગ્યાઓ માટે હજુ સુધી ભલામણ મોકલી નથી : સરકાર
- જિલ્લા અને તેની તાબા હેઠળની અન્ય કોર્ટોમાં 4.46 કરોડ પેન્ડિંગ કેસો
- દેશની વિવિધ કોર્ટોમાં જજોની મંજૂર સંખ્યા 26568, હાઇકોર્ટમાં 1114 પૈકી 324 જગ્યાઓ ખાલી
નવી દિલ્હી : દેશની વિવિધ કોર્ટોમાં કુલ પાંચ કરોડ કેસ પેન્ડિંગ છે જે પૈકી સુપ્રીમ કોર્ટમાં ૮૦૦૦૦ કેસ પેન્ડિંગ છે તેમ સરકારે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલના જણાવ્યા અનુસાર એક ડિસેમ્બરના રોજ દેશની વિવિધ કોર્ટોમાં કુલ ૫,૦૮,૮૫,૮૫૬ કેસો પેન્ડિંગ હતાં. જેમાંથી ૬૧ લાખ કેસો દેશની ૨૫ હાઇકોર્ટોમાં પેન્ડિંગ હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા અને તેની તાબા હેઠળની અન્ય કોર્ટોમાં કુલ ૪.૪૬ કરોડ કેસો પેન્ડિંગ હતાં.
દેશની વિવિધ કોર્ટોમાં મંજૂર કરાયેલ જજોની કુલ સંખ્યા ૨૬૫૬૮ છે. જે પૈકી સુપ્રીમ કોર્ટમાં મંજૂર કરાયેલા જજોની સંખ્યા ૩૪ છે જ્યારે હાઇકોર્ટોમાં મંજૂર કરાયેલા જજોની સંખ્યા ૧૧૧૪ છે. જિલ્લા અને તેના તાબા હેઠળની કોર્ટોમાં જજોની મંજૂર કરાયેલ સંખ્યા ૨૫,૪૨૦ છે.
બીજી તરફ અન્ય એક નિવેદનમાં સરકારે જણાવ્યું છે કે જજોની નિમણૂક માટે હાઇકોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા ૧૨૩ પ્રસ્તાવ પૈકી ૮૧ પ્રસ્તાવ સરકારમાં વિવિધ તબક્કે પ્રક્રિયા હેઠળ છે. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે બાકીના ૪૨ પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં વિચારણા હેઠળ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જજોની બાકીની ૨૦૧ ખાલી જગ્યા માટે હાઇકોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણો સરકારને મોકલવામાં આવી નથી.
કાયદા મંત્રાલયની વેબસાઇટ અનુસાર ૧ ડિસેમ્બરના રોજ દેશની વિવિધ હાઇકોર્ટોમાં મંજૂર કરાયેલ જજોની ૧૧૧૪ જગ્યાઓ પૈકી ૩૨૪ જગ્યાઓ ખાલી છે.