બોગસ વોટિંગના કારણે આ બૂથ પર બીજી વાર થયું મતદાન: 85 ટકા લોકો કતારમાં ઊભા રહી ગયા
Image Source: Twitter
Rajasthan Lok Sabha Election 2024: રાજસ્થાનના બાડમેર લોકસભા મતવિસ્તારની ચોહટન વિધાનસભાના ગામ દુધવા ખુર્દ બૂથ પર બુધવારે બીજી વાર મતદાન થયુ હતું. આકરી ગરમી વચ્ચે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 85 ટકાથી વધુ મતદારોએ મતદાન કર્યું. આ બૂથમાં બોગસ મતદાન થયુ હોવાના આરોપ લાગ્યા હતા. તેના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
85.70 ટકા મતદાન
મતદારોને તેમના મતાધિકારથી વંચિત રાખ્યા હોવાની વાત પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી. આવી સ્થિતિમાં મતદાનની ગુપ્તતાના ભંગની ફરિયાદો બાદ ચૂંટણી પંચે બીજી વાર મતદાનનો આદેશ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, દુધવા ખુર્દમાં બીજી વારના મતદાન દરમિયાન કુલ 85.70 ટકા મતદાન નોંધાયું હતું.
પોલિંગ ટીમના 4 સભ્યો સસ્પેન્ડ
લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં દુધવા ખુર્દ ગામમાં 26 એપ્રિલના રોજ મતદાન થયું હતું. બોગસ મતદાન અને મતદારો મતદાનથી વંચિત રહેવાના કારણે ફરીથી મતદાનનો આદેશ આપ્યો હતો. આ મામલે બાડમેર જિલ્લા ચૂંટણી અધિકારીએ પોલિંગ ટીમના ચાર સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. આ સભ્યોએ 26 એપ્રિલે બૂથ પર મતદાન કરાવ્યું હતું.
મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે ચોહટન વિધાનસભા મતવિસ્તારના દુધવા ખુર્દ બૂથના મતદાન મથક નંબર 50, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં સવારે 7:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી બીજી વાર મતદાન થયુ હતું. અહીં 1,294 લાયક મતદારો છે અને 1,109એ પોતાના મત આપ્યા છે. તેમણે કહ્યું કે, વિભાગે ચૂંટણી પંચના આદેશ પ્રમાણે બીજી વાર મતદાન માટેની તમામ તૈયારીઓ કરી હતી અને વેબકાસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.
આ અગાઉ અજમેર લોકસભા મતવિસ્તારના એક મતદાન મથક પર 2 મેના રોજ બીજી વાર મતદાન થયુ હતું. રાજસ્થાનમાં લોકસભાની 25 બેઠકો છે. જેમાંથી પ્રથમ તબક્કામાં 12 બેઠકો પર 19 એપ્રિલે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 13 બેઠકો પર 26 એપ્રિલના રોજ મતદાન થયું હતું.