ન્યાયપાલિકા પર દબાણ બનાવવા થઈ રહ્યા છે પ્રયાસ: હરીશ સાલ્વે સહિત 600 વકીલોનો CJIને પત્ર
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 28 માર્ચ 2024, ગુરૂવાર
વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સહિત દેશભરના 600થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને પત્ર લખીને ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વકીલોએ આ પત્રમાં લખ્યું છે કે, એક ગ્રુપ ન્યાયિક ચુકાદાને પ્રભઆવિત કરવા માટે દબાણની રણનીતિ અપનાવી રહ્યું છે. તે ખાસ કરીને રાજનીતિક હસ્તીઓ અને ભ્રષ્ટાચારો સાથે સબંધિત મામલે વધુ જોવા મળી રહ્યું છે. તેમનો તર્ક છે કે, આ કાર્યવાહીઓ લોકતાંત્રિક માળખા અને ન્યાયિક પ્રક્રિયામાં રાખવામાં આવેલા ભરોસા માટે ખતરો ઊભો કરે છે.
હરીશ સાલ્વે સહિત 600 વકીલોનો CJIને પત્ર
પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, આ ચોક્કસ ગ્રુપ અલગ-અલગ રીતે પ્રપંચ કરી રહ્યું છે. તેનાથી ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ પહોંચે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ ગ્રુપ એવા નિવેદનો આપે છે જે યોગ્ય નથી હોતા અને તેઓ રાજકીય લાભ લેવા માટે આવું કરે છે. રાજનીતિક હસ્તીઓ અને ભ્રષ્ટાચારના મામલે દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જે વકીલોએ CJIને પત્ર લખ્યો છે તેમાં હરીશ સાલ્વે, મનન કુમાર મિશ્રા, આદિશ અગ્રવાલ, ચેતન મિત્તલ, પિંકી આનંદ, હિતેશ જૈન, ઉજ્જવલા પવાર, ઉદય હોલ્લા, સ્વરૂપમા ચતુર્વેદી અને દેશભરના 600થી વધુ વકીલો સામેલ છે.
વકીલોએ પત્રમાં શું કહ્યું
વકીલોનું કહેવું છે કે, આ ચોક્કસ ગ્રુપ અનેક રીતે ન્યાયપાલિકાની કામગીરીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. તેમાં ન્યાયપાલિકાના કહેવાતા સુવર્ણ યુગ વિશે ખોટું વર્ણન રજૂ કરવાથી લઈને અદાલતોની વર્તમાન કાર્યવાહી પર સવાલો ઉઠાવવા અને અદાલતોમાં જનતાના વિશ્વાસને ઘટાડવો વગેરે સામેલ છે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ગ્રુપ પોતાના રાજકીય એજન્ડાના આધારે કોર્ટના નિર્ણયોની પ્રશંસા અથવા ટીકા કરે છે. આ ગ્રુપ 'માય વે અથવા હાઈવે' વાળી થિયરીમાં વિશ્વાસ કરે છે. આ સાથે જ બેન્ચ ફિક્સિંગની થિયરી પણ આ જ લોકો દ્વારા બનાવવામાં આવી છે.
વકીલોએ CJIને નક્કર પગલા ભરવાની કરી માગ
વકીલોએ કહ્યું કે, આ ખૂબ જ અજીબ વાત છે કે, નેતા કોઈ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે અને પછી બાદમાં કોર્ટમાં તે તેમનો બચાવ કરે છે. જો કોર્ટનો નિર્ણય તેમની ઈચ્છા મુજબ ન આવે તો તેઓ કોર્ટની અંદર અથવા તો મીડિયા દ્વારા કોર્ટ વિશે ખરાબ બોલવાનું શરૂ કરી દે છે. આ પત્રમાં આગળ કહેવામાં આવ્યું કે, કેટલાક તત્વ જજોને પ્રભાવિત કરવા અને કેટલાક કેસોમાં પોતાના પક્ષમાં ચુકાદો આપવા માટે જજો પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આવું કામ સોશિયલ મીડિયા પર જૂઠાણું ફેલાવીને કરવામાં આવી રહ્યું છે. અમે CJI અને સુપ્રીમ કોર્ટને આગ્રહ કરીએ છીએ કે, તેઓ આ પ્રકારના હુમલાથી આપણી અદાલતોને બચાવવા માટે નક્કર પગલા ભરે.