લાવારિસ કારમાં મળ્યું 55 કિલો સોનું, 15 કરોડ રોકડ... મધ્યપ્રદેશના ભોપાલનું તંત્ર દોડતું થયું
MP IT Department Seized Gold And Cash: મધ્યપ્રદેશના ભોપાલમાં બે દિવસથી ચાલી રહેલાં ઈનકમ ટેક્સ દરોડા વચ્ચે ગઈકાલ મોડી રાત્રે મોટા પ્રમાણમાં બેનામી રોકડ અને સોનું મળી આવ્યું હતું. આ બેનામી રોકડ અને સોનું હાલમાં ચાલી રહેલા પૂર્વ આરટીઓ કોન્સ્ટેબલ સૌરભ શર્માના દરોડા સાથે લિંક છે. તેના સહકર્મી ચંદન સિંહ ગૌર પર સંકજો કસાયો છે.
લોકાયુક્તના સ્પેશિયલ પોલિસ એસ્ટાબ્લિશમેન્ટે ગુરૂવારે શર્મા અને ગૌરના ઘરે દરોડા પાડી રૂ. 2.5 કરોડની રોકડ, સોના-ચાંદીના ઘરેણાં અને પ્રોપર્ટી દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જેની કિંમત રૂ. 3 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. સૌરભ શર્માએ વર્ષ પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.
શર્માનું વિવિધ જિલ્લામાં વિવિધ રોકાણ
સામાન્ય આરટીઓ કોન્સ્ટેબલ શર્માએ ભોપાલ સહિત વિવિધ જિલ્લામાં વિવિધ જમીનો, હોટલ અને શાળામાં રોકાણ કર્યું હતું. ભ્રષ્ટાચાર અને ગેરકાયદે જમીનનો ઉપયોગ કરવાની ફરિયાદના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા.
જંગલમાંથી મળ્યો કુબેરનો ખજાનો
મોડી રાત્રે ભોપાલની નજીક મંડોરા ગામમાં આવેલા એક જંગલમાં એક લાવારિસ ઈનોવા કાર ઉભી હોવાની માહિતી મળી હતી. રાતના લગભગ બે વાગ્યે પોલીસ અને ઈનકમ ટેક્સ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, તેમને કારમાંથી બે બેગ મળી હતી. બે બેગમાંથી કુબેરનો ખજાનો મળ્યો છે. સોનાનું વજન આશરે 55 કિગ્રા હતું. જ્યારે રૂ. 15 કરોડ રોકડાં મળી આવ્યા હતા.
ગાડી ગ્વાલિયરના કોઈ વ્યક્તિના નામે રજિસ્ટર્ડ
લાવારિસ મળી આવેલી કાર ગ્વાલિયરના કોઈ વ્યક્તિના નામે રજિસ્ટર્ડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ગાડીના માલિકની શોધ કરી રહી છે. ભોપાલમાં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની બે જુદી-જુદી ટીમો છેલ્લા બે દિવસથી ભોપાલ, ઈન્દોર અને ગ્વાલિયરમાં દરોડા પાડી રહી છે.
શર્માનું કૌભાંડ બહાર આવ્યું
ગ્વાલિયરનો રહેવાસી શર્મા પિતાના મૃત્યુ બાદ પરિવહન વિભાગમાં જોડાયો હતો. 12 વર્ષના નોકરીના કાર્યકાળમાં તેની જીવનશૈલી તેના પગાર કરતાં લક્ઝ્યુરિસ રહી હતી. તેની માલિકીની એક શાળામાં ગેરકાયદે જમીન પર શાળાનું બાંધકામ કરવાની ફરિયાદો નોંધાતાં શર્માનો ભ્રષ્ટાચારનો ઘડો છલકાયો હતો.