Get The App

પૃથ્વીની નજીકથી બે લઘુગ્રહો પસાર થયા, 50 લાખથી વધુ લઘુગ્રહો પૃથ્વીને પહોંચાડી શકે છે નુકસાન

પૃથ્વી સામે અથડામણનું જોખમ ઊભુ કરતા લઘુગ્રહોની દિશા વાળવા વિશ્વની અવકાશી એજન્સીઓ કાર્યરત

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
પૃથ્વીની નજીકથી બે લઘુગ્રહો પસાર થયા, 50 લાખથી વધુ લઘુગ્રહો પૃથ્વીને પહોંચાડી શકે છે નુકસાન 1 - image


વર્ચ્યુઅલ ટેલીસ્કોપ પ્રોજેક્ટના એસ્ટ્રોફીઝીસીસ્ટ ગિયાનલુકા મેસીએ જાણકારી આપી કે, આશરે 200 મીટરનો વ્યાસ ધરાવતો લઘુગ્રહ 2024 MK પૃથ્વીથી ત્રણ લાખ કિલોમીટર નજીક આવ્યો હતો. આ અંતર ચંદ્રથી 77 ટકા જેટલું થાય. લઘુગ્રહ 2024 MK ની શોધ 16 જૂને જ થઈ હતી. બીજા લઘુગ્રહ UL 21ની પહોળાઈ 2.3 કિલોમીટર હતી અને તે પૃથ્વીથી 66 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થયો. આ અંતર પૃથ્વીથી ચંદ્રના અંતર કરતા 177 ગણુ કહેવાય. આંતરરાષ્ટ્રીય લઘુગ્રહ દિવસ યુનોના સમર્થનથી 1908માં બનેલી ટુનગુસ્કા ઘટનાની યાદમાં મનાવવામાં આવે છે. આ દિવસે સૌથી મોટો લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાયો હતો.

સૌર્ય મંડળની રચનાના અવશેષો ગણાતા લઘુગ્રહોની સંખ્યા અબજોમાં હોય છે અને આપણી પૃથ્વીની રક્ષા માટે તેનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ જરૂરી બને છે. આવા વિશાળ લઘુગ્રહો પૃથ્વીથી નજીક પસાર થવાની ઘટના લગભગ દરેક દાયકામાં બને છે. આ લઘુગ્રહો 1900થી પૃથ્વીના 75 લાખ કિલોમીટરના અંતરની અંદર આવેલા ટોચના દસ સૌથી મોટામાં પણ હતા. એક અંદાજ મુજબ પૃથ્વીથી નજીક ગણી શકાય તેવા 20 મીટરથી વઘુ મોટા આશરે 50 લાખ લઘુગ્રહો છે જે પૃથ્વીને નુકસાન પહોંચાડી શકે. આથી જ પૃથ્વીની સુરક્ષાના પ્રોજેક્ટ તરીકે ESA ઓક્ટોબરમાં હેરા મિશન શરૂ કરશે.

હેરા લઘુગ્રહ ડિમોરફોસનો વિગતવાર સર્વે કરશે. આ લઘુગ્રહને 26 સપ્ટેમ્બર, 2022માં NASA એ લક્ષ્યાંક બનાવ્યો હતો. ડબલ એસ્ટેરોઈડ રિડાયરેક્શન ટેસ્ટ (DART) દ્વારા નાસાએ પ્રથમ વાર લઘુગ્રહ પર એવી રીતે પ્રહાર કર્યો કે તેની દિશા બદલાઈ ગઈ. DART મિશનમાં સામેલ બેંગલુરુ સ્થિત વૈજ્ઞાનિક ક્રિસફીન કાર્થિકે જણાવ્યું કે, ભવિષ્યમાં સંભવિત ઘટના સામે તૈયાર થવામાં DART મિશન મહત્વનું પગલું છે. માનવામાં આવે છે કે, લગભગ છ કરોડ વર્ષ અગાઉ ડાયનોસારનો નાશ પૃથ્વી સાથે લઘુગ્રહની અથડામણને કારણે જ થયો હતો.

તેમણે જણાવ્યું કે, આપણો ગ્રહ અનેક લઘુગ્રહોથી ઘેરાયેલો છે. એમાંથી કેટલાક પૃથ્વી માટે ભયજનક છે. આથી ભવિષ્યમાં આવા જોખમી લઘુગ્રહો સાથે અથડામણ ટાળવા સંરક્ષણની તૈયારી મહત્વની છે.


Google NewsGoogle News