મ્યાનમારમાં સ્થિતિ વણસી, 2000 લોકો પલાયન કરી મિઝોરમમાં પ્રવેશ્યા, ગોળીબાર-એરસ્ટ્રાઈકની ઘટના બની
હાલમાં મિઝોરમના વિવિધ ભાગોમાં મ્યાનમારના 31,364 નાગરિકો વસવાટ કરી રહ્યા છે
પીપલ્સ ડિફેન્સ ફોર્સે મ્યાનમારમાં સૈન્ય શાસન વિરુદ્ધ યુદ્ધ છંછેડ્યું છે
Indo-Myanmar Border। મ્યાનમારના ચિન રાજ્યમાં હવાઈ હુમલા અને ભારે ગોળીબારના કારણે પડોશી દેશના 2000થી વધુ લોકો મિઝોરમમાં પ્રવેશ્યા હતા. આ તમામ લોકો છેલ્લા 24 કલાકમાં સરહદ પાર કરીને મિઝોરમમાં પ્રવેશ્યા. માહિતી અનુસાર ચંફઈ જિલ્લાના ડેપ્યુટી કમિશનર જેમ્સ લાલરિંચને જણાવ્યું કે આ બધા લોકો તાજેતરના હવાઈ હુમલા વચ્ચે મ્યાનમારથી આ જિલ્લામાં પ્રવેશી ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આર્મી અને પીડીએફ વચ્ચે ભારે ગોળીબાર
જેમ્સ લાલરિંચને વધુ માહિતી આપતાં જણાવ્યું કે મ્યાનમારની શાસક જુંટા સમર્થિત સેના અને મિલિશિયા જૂથ પીપલ્સ ડિફેન્સ ફોર્સ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. તેમણે કહ્યું કે જ્યારે પીડીએફએ મ્યાનમારના ચીન રાજ્યમાં ખાવમવી અને રિખાવદરમાં બે સૈન્ય મથકો પર હુમલો કર્યો. તેના પછી આ અથડામણ સર્જાઈ હતી. જેમ્સ લાલરિંચને કહ્યું કે મ્યાનમારના રિખાવદર સૈન્ય મથકને સોમવારે વહેલી સવારે પીપલ્સ ડિફેન્સ ફોર્સે કબજે કરી લીધું હતું અને બપોર સુધીમાં ખાવમાવી સૈન્ય મથકને પણ નિયંત્રણમાં લઈ લેવામાં આવ્યું હતું.
મિઝોરમમાં મ્યાનમારના ત્રીસ હજારથી વધુ નાગરિકો હાજર
રાજ્યના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં મિઝોરમના વિવિધ ભાગોમાં મ્યાનમારના 31,364 નાગરિકો વસવાટ કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગના લોકોએ શરણાર્થીઓ કેમ્પમાં આશ્રય લીધો છે. ઉલ્લેખનીય છે કે પીપલ્સ ડિફેન્સ ફોર્સે મ્યાનમારમાં સૈન્ય શાસન વિરુદ્ધ યુદ્ધ છંછેડ્યું છે. તે નેશનલ યુનિટી ગવર્મેન્ટની સશસ્ત્ર શાખા છે.