બેથી વધુ બાળકો હોય તો સરકારી નોકરી નહીં મળે, રાજસ્થાનના એક કેસમાં SCનો મહત્ત્વનો નિર્ણય
- બેથી વધુ બાળકો હોય તેને સરકારી નોકરી નહીં આપવાના રાજસ્થાન સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે સ્વીકાર્ય માન્યો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બેથી વધુ બાળકો હોય તેને સરકારી નોકરીમાં નહીં રાખવાના રાજસ્થાન સરકારના નિયમનો સ્વીકાર્ય ગણ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, બેથી વધુ બાળકો હોય તેને સરકારી નોકરી આપવાનો ઇનકાર કરવામાં કોઈ ભેદભાવ નથી. કારણ કે, તેની પાછળનો હેતુ પરિવાર નિયોજનને પુષ્ટિ આપવાનો છે. ન્યાયમૂર્તિ, સર્વશ્રી સૂર્યકાંત દીપંકર દત્તા અને કેવી વિશ્વનાથની પીઠે જણાવ્યું હતું કે જે બેથી વધુ જીવિત બાળકો જેને હોય, તેને (સરકારી નોકરી માટે) અયોગ્ય ઘોષિત કરવો તેમાં ભેદભાવ નથી, તે સંવિધાનની પરિસ્થિતિમાં પણ છે, કારણ કે તે નિયમની પાછળનો હેતુ, પરિવાર નિયોજનનો છે. આ સાથે સર્વોચ્ચ અદાલતે ૧૨ ઓક્ટોબર ૨૦૨૨ના રાજસ્થાન હાઈકોર્ટના ચૂકાદા સામે પૂર્વ સૈનિક રામજીલાલ જાટની યાચિકા પર આગળ વિચારવાનો જ ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે ચૂકાદો નીતિ નિયમની પરિધીમાં આવે છે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.
આ રીતે બેથી વધુ બાળકો હોય, તેને સરકારી નોકરી નહીં આપવાના રાજસ્થાન સરકારના નિયમને સ્વીકાર્ય ગણ્યો હતો. તેમાં ઉમેદવારને સાર્વજનિક નોકરીમાંથી વંચિત રાખવાનો નિયમ સ્વીકાર્ય ગણ્યો હતો.
રાજસ્થાન હાઈકોર્ટના ઉક્ત ચુકાદા વિરૂધ્ધ અપીલ કરતાં અપીલકર્તાએ પૂર્વ સૈનિકોનાં સમાયોજન સંબંધી નિયમોનો હવાલો આપ્યો હતો જેમાં બેથી વધુ બાળકો ન હોવાં જોઇએ તેવી કોઈ શર્ત નથી. તે અંગે અદાલતે કહ્યું કે આવી દલીલ પણ અપીલકર્તાના કેસને પુષ્ટિ આપી શકે તેમ નથી. કોર્ટે તેમ પણ કહ્યું કે અપીલકર્તાએ પોલીસ કોન્સ્ટેબલનાં પદ ઉપર ભર્તી માટે અરજી કરી હતી. તે ભર્તીં રાજસ્થાન પોલીસ અધિનસ્થ સેવા નિયમ ૧૯૮૯ની પરિધીમાં આવે છે.
આ કેસની વિગત તે છે કે ૩૧ જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે સંરક્ષણ સેવા (સેના) માંથી નિવૃત્ત થયેલા રામજીલાલ જાટે ૨૫ મે, ૨૦૧૮ના દિવસે રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ પદ માટે અરજી કરી હતી પરંતુ રાજસ્થાન પોલીસ આધિનસ્થ સેવા નિયમ ૧૯૮૯ના નિયમ ૨૪(૪) નીચે તે અરજી અસ્વીકાર્ય ગણવામાં આવી હતી. તે માટે કારણ તે દર્શાવવામાં આવ્યું હતું કે ૧ જૂન ૨૦૦૨ પછી, તેમને બેથી વધુ બાળકો હતાં. તેથી તેઓ રાજસ્થાન વિભિન્ન સેવક (સંશોધન) નિયમ, ૨૦૦૧ પ્રમાણે સાર્વજનિક નોકરી માટે અયોગ્ય છે. આ નિયમ પ્રમાણે કોઈ પણ ઉમેદવાર નોકરીમાં નિયુક્ત માટે પાત્ર ન રહે કે જેને ૧ જૂન ૨૦૦૨ સુધીમાં કે તે પછી પણ બેથી વધુ બાળકો હોય.