Get The App

કોટામાં 2 વર્ષ અને 22 દિવસમાં 53 વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ક્યારે આ સિલસિલો અટકશે?

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
કોટામાં 2 વર્ષ અને 22 દિવસમાં 53 વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ક્યારે આ સિલસિલો અટકશે? 1 - image


Kota Students Suicide Cases: રાજસ્થાનનું કોચિંગ હબ કોટા હવે 'સુસાઈડ હબ' બની રહ્યું છે એમ કહીએ  તો ખોટું નથી. નવા વર્ષની શરૂઆતની સાથે જ કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો સિલસિલો ફરી શરૂ થઈ ગયો છે. કોટામાં બુધવારે અમદાવાદની એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. ત્યારે હવે આ વર્ષે માત્ર 22 દિવસમાં 5 કોચિંગ વિદ્યાર્થીઓના મોતની ઘટનાએ કોટા શહેરને હચમચાવી મૂક્યું છે. આ ઘટનાથી પોલીસ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કોચિંગ સંસ્થાઓ ચિંતિત છે. બીજી તરફ પોતાના બાળકોને ગુમાવનારા સ્વજનોના રુદનથી હોસ્પિટલો પણ બેચેન છે. આ ઘટનાઓ બાદ કોટામાં એક અજીબ સન્નાટો છે. આંકડા પ્રમાણે કોટામાં 2 વર્ષ અને 22 દિવસમાં 53 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે.

2 વર્ષ અને 22 દિવસમાં 53 વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

જો આંકડાઓ પર નજર કરીએ તો ગત વર્ષે કોચિંગ સિટીમાં 19 કોચિંગ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. તે પહેલાં વર્ષ 2023માં 29 વિદ્યાર્થીઓએ મોતને વહાલું કર્યું હતું. ત્યારબાદ હવે આ વર્ષની શરૂઆતમાં માત્ર 22 જ દિવસમાં 5 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. આમ કોટામાં 2 વર્ષ અને 22 દિવસમાં 53 વિદ્યાર્થીએ કરી આત્મહત્યા કરી લીધી છે. ત્યારે હવે સવાલ થાય છે કે, વિદ્યાર્થીઓની આત્મહત્યાનો આ આ સિલસિલો ક્યારે અટકશે?

અહીં ઘર-ઘરમાં બાળકો ભાડા પર રહી રહ્યા છે

એન્જિનિયર અને ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈને આવતા વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવતા આ પગલાથી માત્ર પોલીસ અને વહીવટીતંત્ર જ નહીં પરંતુ અહીંના સામાન્ય માણસ પણ ચિંતિત છે. કોટાની અર્થવ્યવસ્થા વિદ્યાર્થીઓને કોચિંગ આપવા પર જ ટકેલી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી લગભગ 1.75 લાખ બાળકો એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે કોટા આવે છે. કોચિંગ સેન્ટરો ઉપરાંત અહીં ઘણી બધી હોસ્ટેલ, મેસ અને પીજી છે. અહીં ઘર-ઘરમાં બાળકો ભાડે રહી રહ્યા છે.

આ પણ વાંચો: કોટામાં અમદાવાદની છોકરીએ આપઘાત કર્યો, 22 દિવસમાં 5મી ઘટના, NEETની તૈયારી કરતી હતી

વહીવટીતંત્રની ગાઈડ લાઈનનું પાલન નથી થઈ રહ્યું

મોટાભાગના વિદ્યાર્થીઓ ફાંસી લગાવીને આત્મહત્યા કરી રહ્યા છે. આ પાછળની સૌથી મોટી સમસ્યા હોસ્ટેલ સંચાલકો દ્વારા વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન ન કરતા હોવાનું પણ માનવામાં આવે છે. કોચિંગ વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવાના ડરામણા અને ભયાનક આંકડા સામે આવ્યા બાદ હોસ્ટેલ ઉપરાંત પીજી રૂમના પંખાઓમાં પણ એન્ટી હેન્ગિંગ ડિવાઈસ લગાવવાનું હતું. પરંતુ હોસ્ટેલના સંચાલકો તેનું પાલન નથી કરી રહ્યા.

એન્ટી હેન્ગિંગ ડિવાઈસની આ છે ખાસિયત

એન્ટી હેન્ગિંગ ડિવાઈસની ખાસિયત એ છે કે, પંખા પર લટકીને કોઈ વિદ્યાર્થી આત્મહત્યા ન કરી શકે. પંખા પર 20 કિલોથી વધુ વજન આવતા જ પંખો સ્પ્રિંગ સાથે નીચે તૂટી પડે છે. જોકે, એન્ટી હેન્ગિંગ ડિવાઈસ હોવા છતાં વિદ્યાર્થીઓ અવનવી તરકીબ અપનાવીને મોતને ભેટ્યા છે. પરંતુ પોલીસ અને વહીવટીતંત્ર પીજી અને હોસ્ટેલ સંચાલકોને માર્ગદર્શિકાનું પાલન કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. એટલું જ નહીં તણાવગ્રસ્ત વિદ્યાર્થીઓને ઓળખવા અને તેમને તણાવમાંથી મુક્ત કરવા એ પોલીસ અને વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર છે.


Google NewsGoogle News