પટણામાં 15 હજારથી વધુ ઉમેદવારો નોકરી માટે સડક પર ઉતર્યા : પોલીસ સાથે ઝપાઝપી : બબાલ
- એવું લાગે છે બેકારીએ દેશને ભરડો લીધો છે : નિરીક્ષકો
- રેલવેમાં છ વર્ષ પછી સહાયક લોકો પાયલોટની જગ્યાઓ માટે છ વર્ષમાં છ હજાર જેટલી પણ ખાલી જગ્યાઓ નીકળી નથી તેથી વ્યાપક આક્રોશ
પટણા : રેલવે પ્રતિયોગિતા પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોનું આંદોલન અટકવાનું નામ નથી લેતું. જગ્યાઓ વધારવાની માગણી સાથે મંગળવારે પણ ૧૫ હજારથી વધુ ઉમેદવારો સડકો ઉપર ઉતર્યા હતા. આંદોલનકારીઓ બજાર સમિતિ સ્થળ તથા નેહરો સુધી પહોંચી ગયા હતા. જોકે તેમને આગળ વધતા અટકાવવા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ દળ ગોઠવાઈ ગયું હતું તેથી આંદોલનકારીઓ અહીં તહીં નાસી ગયા. ભીખના પહાડી વળાંક ઉપર પણ સેંકડોની સંખ્યામાં પોલીસ ગોઠવાઈ ગઈ હતી. આથી અનેક જગ્યાએ પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અડફા-તડફી થઈ હતી.
આ આંદોલનની ઉગ્રતા જોઈને આખરે સરકારે (રેલવે)એ સહાયક લોકો-પાયલોટની જગ્યા માટે ત્રણ વર્ષની વય વધારી દીધી છે પરંતુ આંદોલનકારીઓ તો જગ્યા વધારવાની માગણી કરી રહ્યા છે.
આજે આ આંદોલન દરમિયાન શહેરના 'લાંગર-ટોપી-મોર' વિસ્તારમાં થોડી ભાગંભાગ થઈ હતી. પોલીસે તેમને આગળ વધતા રોકતા તેઓ ગાંધી મેદાન તરફ ગયા.
દેખાવકારો કહે છે કે છેલ્લા છ વર્ષ પછી છ હજાર ખાલી જગ્યા જાહેર થઈ. ૨૦૧૮માં લોકો પાયલોટ સાથે ટેકનિશ્યન્સની જગ્યાઓ પણ જાહેર થઈ હતી ત્યારે ૬૫ હજાર જગ્યાઓ પૂરવાની છે તેમ જાહેર થયું હતું તો પછી છ વર્ષ પછી તો ૬૫ થી ૭૦ હજાર ખાલી જગ્યાઓ જાહેર થવી જ જોઈએ. આ સ્થિતિમાં રેલવે દર વર્ષે નોકરીઓ જાહેર કરે તેની શી ગેરેન્ટી છે ?
આ પરિસ્થિતિ અંગે નિરીક્ષકો કહે છે કે, 'આ પરિસ્થિતિ જોતાં કહી શકાય કે બેકારીએ દેશને ભરડો લીધો છે. તેઓ ત્યાં સુધી કહે છે કે બેકારી તે મોંઘવારી કરતા પણ વધુ ગંભીર પ્રશ્ન છે. માણસ કામ ઉપર હોય તો મોંઘવારીનો સામનો કરી શકે, ઓછો ખર્ચ કરે, જરૂરિયાતો ઘટાડે પરંતુ બેકાર માણસ થોડી પણ મોંઘવારીને કંઈ રીતે પહોંચી શકે ?' તેઓ વધુમાં કહે છે કે, બેકારીને લીધે સમાજમાં કૌટુમ્બિક સમસ્યાઓ ઉભી થાય છે. પતિ-પત્ની વચ્ચે રોજે-રોજના ઝઘડા ચાલે છે. પતિ કામ ઉપર હોય તો થોડું મળે તો તેમાંથી પણ પત્ની ઘર ચલાવી શકે પરંતુ કશું જ ન મળે તો પરિણામ ગૃહકલેશ જ બની રહે.
સરકારનું કહેવું તે છે કે સરકાર પણ કેટલી નોકરીઓ ઉભી કરી શકે ? તેને પણ મર્યાદા છે, તેનો ઉપાય ઔદ્યોગીકરણ અને સ્વરોજગાર જ છે.