Get The App

મુરાદાબાદમાં ગૌરીશંકર મંદિરના ખોદકામમાંથી મળી આવી ખંડિત મૂર્તિઓ, 44 વર્ષથી બંધ હતું ગર્ભગૃહ

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
Gauri Shankar Mandir Found in Moradabad


Gauri Shankar Mandir Found in Moradabad: સંભલ, વારાણસી, બુલંદશહર બાદ હવે મુરાદાબાદમાં 44 વર્ષથી બંધ ગૌરી શંકર મંદિર મળી આવ્યું છે. એવો આરોપ છે કે 1980ના રમખાણોમાં પૂજારીની હત્યા થયા બાદ આ મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેના બંને દરવાજા ઈંટોથી તોડી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ગર્ભગૃહનું ખોદકામ કર્યું ત્યારે શિવલિંગ અને અનેક તૂટેલી મૂર્તિઓ કાટમાળ નીચે દટાયેલી મળી આવી હતી, જેને બહાર કાઢવામાં આવી છે. મંદિરની સફાઈ કર્યા બાદ તેમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. 

44 વર્ષથી બંધ રહેલા મંદિરમાંથી મળી ખંડિત મૂર્તિઓ 

મુરાદાબાદમાં 44 વર્ષથી બંધ રહેલા ગૌરી શંકર મંદિરમાંથી નંદી, ગણેશ, કાર્તિકેય અને ભગવાન હનુમાનની ખંડિત મૂર્તિઓ મળી આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને કર્મચારીઓ દ્વારા મંદિરની સફાઈ કરાવી હતી. જો કે હજુ સુધી મંદિર પર કોઈ કબજો હોવાના કોઈ પુરાવા સામે આવ્યા નથી.

વર્ષ 1980થી મંદિર બંધ 

આ મંદિર લાંબા સમયથી બંધ હતું, તેથી જાળવણીના અભાવે તેની હાલત ખરાબ થઈ ગઈ છે. હવે તેને પૂજા માટે યોગ્ય બનાવવા માટે તેને સાફ કરીને તેનું કલરકામ કરવામાં આવશે. આ ધાર્મિક સ્થળના નિરીક્ષણ દરમિયાન, ટીમને જાણવા મળ્યું કે મંદિરના બંને દરવાજા વર્ષ 1980માં ચણતર કરીને બંધ કરી દેવામાં આવ્યા હતા. 1980ના રમખાણોમાં પૂજારીની હત્યા થઈ ત્યારથી મંદિર બંધ હોવાનું સામે આવ્યું છે. પૂજારીના પૌત્રે એક અઠવાડિયા પહેલા મુરાદાબાદના ડીએમને એક અરજી આપી હતી, જેમાં મંદિરને ફરીથી ખોલવાની વિનંતી કરવામાં આવી હતી.

ચુસ્ત સુરક્ષા વચ્ચે થયું ખોદકામ 

આ પછી, વહીવટીતંત્રે ત્રણ દિવસ પહેલા શહેરના નાગફની વિસ્તારમાં ઝબ્બુ કા નાલા વિસ્તારમાં સ્થિત મંદિરનો સરવે કર્યો હતો અને સોમવારે કડક સુરક્ષા હેઠળ સફાઈ અને ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન હનુમાનજી, શિવલિંગ અને નંદીની મૂર્તિઓ મળી આવી છે અને જ્યાં સુધી મંદિર તેના પૂર્ણ સ્વરૂપમાં નહીં આવે ત્યાં સુધી આ પ્રક્રિયા આગળ પણ ચાલુ રહેશે.

આ પણ વાંચો: નીતિશ કુમાર ફરી પલટશે? PM મોદીને મળવા દિલ્હી પહોંચ્યા પણ નિરાશા, રાહુલ ગાંધીનું JDUને આમંત્રણ

SDMએ મંદિર વિશે શું કહ્યું?

સદર એસડીએમ રામ મોહન મીણાએ જણાવ્યું કે, 'આ મંદિર 1980ના રમખાણોથી બંધ હતું. તાજેતરમાં અમે અહીં આવ્યા હતા અને શનિવારે પણ મુલાકાત લીધી હતી અને તેની સ્થિતિ જોઈ હતી. સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસ ફોર્સની ટીમ સાથે ઘટનાસ્થળે આવી હતી. મંદિરની દિવાલો ઈંટોની બનેલી હતી અને દરવાજો ખોલી ગર્ભગૃહ ખાલી કરાવવામાં આવ્યો છે. અમે મંદિરને તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.'

તેમણે કહ્યું કે, 'પહેલા ચરણમાં સફાઈ કરવામાં આવી હતી અને હવે મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે. ગૌરી શંકર મંદિરની અંદરથી તૂટેલી મૂર્તિઓ મળી આવી છે, જેમાં શિવલિંગ અખંડ મળી આવ્યું છે. આ સિવાય જો કોઈ અતિક્રમણ હોય તો તેના રેકોર્ડ પણ તપાસી રહ્યા છીએ.'

મુરાદાબાદમાં ગૌરીશંકર મંદિરના ખોદકામમાંથી મળી આવી ખંડિત મૂર્તિઓ, 44 વર્ષથી બંધ હતું ગર્ભગૃહ 2 - image


Google NewsGoogle News