પૃથ્વી નથી ચંદ્રની જનની, અવકાશમાંથી છીનવી લીધો હતો ચંદ્રમા, તાજા અભ્યાસના ચોંકાવનારા તારણો
Earth and Moon : પૃથ્વીની સૌથી નજીકનો અવકાશી પદાર્થ તે ચંદ્રમા. એક એવો અવકાશી ગોળો જે બાળકોની મુગ્ધ કલ્પનાથી લઈને કવિઓની કલમ અને પ્રેમીઓના સ્પંદનો સુધી બધે જ અદકેરું સ્થાન ભોગવતો આવ્યો છે. આ ચંદ્ર બાબતે વર્ષોથી એવી માન્યતા હતી કે એ તો ધરતીનો જ એક અંશ છે. પણ તાજેતરમાં આ દિશામાં કંઈક એવું સંશોધન થયું છે, જેણે ચંદ્રના પૃથ્વી સાથેના સંબંધ પર પ્રશ્નો ઊભા કરી દીધા છે.
ચંદ્ર વિશેની વ્યાપક માન્યતા
એપોલો મિશન દ્વારા મનુષ્યને ચંદ્ર સુધી પહોંચવાની તક મળી. વર્ષ 1969 અને 1972ની વચ્ચે ચંદ્ર પર ગયેલા અવકાશયાત્રીઓએ 800 પાઉન્ડ જેટલી ચંદ્રની માટી અને ખડકો એકઠા કર્યા હતા. એના પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે પૃથ્વી પર જોવા મળે છે એ માટી અને ખડક સાથે ચંદ્ર પરથી મેળવાયેલા નમૂના સમાનતા ધરાવે છે. જેને પરિણામે 1984માં અમેરિકાના હવાઈ રાજ્યમાં ‘કોના કોન્ફરન્સ’માં ભેગા થયેલા વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે ચંદ્ર પૃથ્વી સાથે અથડાવાથી બન્યો હતો.
અથડામણથી સર્જાયો ચંદ્ર
છેલ્લા 40 વર્ષોથી એવું જ માનવામાં આવે છે કે બાહ્યાવકાશમાંથી આવેલ કોઈ વિશાળ ખડક પૃથ્વી સાથે અથડાયો હતો. એ અથડામણને લીધે પૃથ્વી અને પેલા ખડકનો જે કંઈ કાટમાળ અવકાશમાં વેરાયો હતો એ સમય જતાં ગંઠાઈને ચંદ્ર બન્યો હતો. માટે જ ચંદ્ર અને પૃથ્વીના ખડકોનું બંધારણ એકસમાન છે. ચંદ્રનો જન્મ સૌરમંડળની રચનાના 60 મિલિયન વર્ષો પછી થયો હોવાનું માનવામાં આવે છે.
શું કહે છે લેટેસ્ટ સંશોધન?
ઉપરોક્ત સર્વસ્વીકૃત માન્યતામાં પંક્ચર પાડે એવું એક સંશોધન તાજેતરમાં કરવામાં આવ્યું છે, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે, પૃથ્વીએ ચંદ્રને જન્મ નથી આપ્યો, પણ એને અવકાશમાંથી છીનવી લીધો છે. બાહ્યાવકાશમાંથી અકસ્માતે આવી ચઢેલા કોઈ રખડુરામને પૃથ્વીએ પોતાના ગુરુત્વાકર્ષણ બળમાં જકડી લીધો હતો અને ત્યારેથી એ ચંદ્રરૂપે પૃથ્વીની પ્રદક્ષિણા કરતો રહે છે.
કોણ છે સંશોધકો?
અમેરિકાની ‘પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી’ના બે સંશોધકો ખગોળશાસ્ત્ર અને એસ્ટ્રોફિઝિક્સના પ્રોફેસર ‘ડેરેન વિલિયમ્સ’ અને રિસર્ચ લેબના વરિષ્ઠ સંશોધન એન્જિનિયર ‘માઇકલ ઝુગર’ દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે. એમના તારણો પ્રતિષ્ઠિત ‘ધ પ્લેનેટરી સાયન્સ જર્નલ’માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
ચંદ્ર નહીં, ચંદ્રો હતા
સંશોધકોનું કહેવું છે કે, વર્તમાનમાં આપણે જે ચંદ્ર જોઈએ છે તે એકલો નહોતો, એનો જોડીદાર પણ હતો. ખગોળશાસ્ત્રમાં જેને ‘બાઇનરી’ કહેવાય છે એવું એ જોડકું હતું. બન્ને ચંદ્ર એકબીજાની આસપાસ ગોળગોળ ફરતા હતા. ફરતા-ફરતા બન્ને પૃથ્વીની ખૂબ નજીક આવી ચડ્યા હતા, ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણે ખેલ કર્યો હતો. એક ક્ષણે એણે એક ચંદ્રને પોતાના તરફ ખેંચી લીધો અને બીજાને હડસેલો મારીને દૂર ધકેલી મૂક્યો હતો. પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં કાયમી કેદ થયેલો ગ્રહ તે આપણો ચંદ્ર.
ચંદ્ર બહારથી આવ્યો હોવાની શક્યતા શા માટે?
આ નવી થિયરીના મૂળમાં છે ચંદ્રની સ્થિતિ. સંશોધકોનું કહેવું છે કે, જો જૂની માન્યતા મુજબ બાહ્યાવકાશી ખડકની પૃથ્વી સાથેની અથડામણ પછી એ કાટમાળ ગંઠાવાને કારણે ચંદ્રનું સર્જન થયું હોત તો ચંદ્ર પૃથ્વીના વિષુવવૃત્તની સમાંતર ભ્રમણ કરતો હોત. ખગોળશાસ્ત્રના નિયમો મુજબ તો એમ જ થવું જોઈએ. જો કે, આપણો ચંદ્ર એક અલગ ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરે છે.
ચંદ્રનો તાલમેલ પૃથ્વી કરતાં સૂર્ય સાથે વધારે
સંશોધકોએ કહ્યું છે કે, પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ હોવા છતાં ચંદ્રનો તાલમેલ પૃથ્વી કરતાં પ્રમાણમાં સૂર્ય સાથે વધારે છે. માટે જ એમનું એવું કહેવું છે કે, ચંદ્ર મૂળ તો (જોડિયા રૂપે) સૂર્યનું પરિભ્રમણ કરતો હતો અને પૃથ્વીએ એને સૂર્ય પાસેથી આંચકી લીધો હતો.
આવું ઉદાહરણ આપ્યું
સંશોધકોએ પોતાની થિયરીના પક્ષમાં સૌરમંડળમાં બનેલ એવું જ બીજું ઉદાહરણ આપ્યું છે. તેમણે નેપ્ચ્યુનના સૌથી મોટા ચંદ્ર ટ્રાઇટનનું ઉદાહરણ આપતાં કહ્યું છે કે, ટ્રાઇટન મૂળ તો ક્વિપર બેલ્ટ(Kuiper Belt)નો હિસ્સો હતો. નેપ્ચ્યુને એને પોતાના તરફ ખેંચીને એને પોતાનો ચંદ્ર બનાવી લીધો હતો. ક્વિપર બેલ્ટમાં ઘણા બધા બાઇનરી ઉપગ્રહો અસ્તિત્વ ધરાવે છે. માટે જે નેપ્ચ્યુને કર્યુ એવું જ પૃથ્વીએ કર્યુ હોઈ શકે.
આ પણ વાંચો : તિરુપતિ પ્રસાદીના વિવાદ વચ્ચે રામમંદિરથી આવ્યા મોટા સમાચાર, પ્રસાદના નમૂના લેબ મોકલાયા
સમય જતાં બદલાઈ ચંદ્રની ભ્રમણકક્ષા
સંશોધકોએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે મૂળ તો ચંદ્રની ભ્રમણકક્ષા આજે છે એવી ગોળ નહીં, પણ લંબગોળ હતી. પરંતુ સમય જતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણે ચંદ્રની ભ્રમણકક્ષા બદલી નાખી. પૃથ્વીના મહાસાગરોમાં આવતી ભરતીમાં થતાં ફેરફારો અને ચંદ્રની ભ્રમણકક્ષાનો અભ્યાસ કરીને સંશોધકો આ તારણ પર પહોંચ્યા છે.
અંતિમ સંશોધન નથી
ચંદ્ર વિશે આશ્ચર્ય ચકિત કરે તેવા તારણો આપનાર બન્ને સંશોધકોએ જો કે એમ પણ કહ્યું છે કે, ‘અમે ઘણા બધા અભ્યાસને અંતે આ તારણો પર આવ્યા છીએ, પણ આ દિશામાં વધુ સંશોધનને અવકાશ છે. અમે જે થિયરી રજૂ કરી છે એ જ અંતિમ સત્ય નથી. આ દિશામાં વધુ સંશોધન ચાલુ રહેશે.’