ભારતનો આર્થિક વૃદ્ધિ દર 6.7 ટકા પર સ્થિર રહેશે, મૂડીઝનું અનુમાન, ઘરેલું માંગમાં વધારો મુખ્ય કારણ
ભારતનો વાસ્તવિક GDP 2024માં 6.1 ટકા અને 2025માં 6.3 ટકા વધવાનું અનુમાન
Moody on Indian economy : ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વૃદ્ધિદર 6.7 ટકા રહેવાની ધારણા વૈશ્વિક સ્તરની રેટિંગ એજન્સી મૂડીઝે વ્યક્ત કરી છે. પ્રતિકૂળ વૈશ્વિક આર્થિક પૃષ્ઠભૂમિ સામે નબળી નિકાસ વચ્ચે, મૂડીઝે તેના ગ્લોબલ મેક્રોઇકોનોમિક આઉટલુક 2024-25માં જણાવ્યું હતું કે સતત ઘરેલું માંગમાં થઈ રહેલી વૃદ્ધિથી ભારતના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે. મૂડીઝે કહ્યું કે, ભારતનો વાસ્તવિક GDP 2023માં 6.7 ટકા, 2024માં 6.1 ટકા અને 2025માં 6.3 ટકા વધવાનું અનુમાન છે. ભારતનો વાસ્તવિક GDP જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 7.8 ટકા વધ્યો હતો જે માર્ચ ક્વાર્ટરમાં 6.1 ટકા હતો.
બજારોમાં માંગની સ્થિતિસ્થાપક જળવાય રહેશે
મૂડીઝના જણાવ્યા અનુસાર, GST કલેક્શનમાં વૃદ્ધિ, વાહનોના વેચાણમાં વધારો, ગ્રાહક સેન્ટિમેન્ટમાં વધારો અને બે આંકડામાં ક્રેડિટ ગ્રોથ દર્શાવે છે કે તહેવારોની સિઝનમાં શહેરી વપરાશની માંગમાં સ્થિતિસ્થાપક રહેશે. આ ઉપરાંત તેમણે ગ્રામીણ માંગમાં પણ સુધારાના સંકેત આપ્યા હતા.
Fitchએ ભારતના અર્થતંત્ર માટે 6.2 ટકાનો અંદાજ લગાવ્યો
તાજેતરમાં Fitch Ratings એજન્સી દ્વારા પણ ભારતની અર્થવ્યવસ્થાના સંદર્ભમાં એક રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ભારતના ગ્રોથ રેટને 0.7 ટકા વધારીને 6.2 ટકા અંદાજવામાં આવ્યો છે. આ સિવાય આ રેટિંગ એજન્સીએ ચીનને એક મોટો ઝટકો આપ્યો છે, જેમાં તેના ગ્રોથ રેટમાં મોટા પ્રમાણમાં ઘટાડાનું અંદાજ છે.
GDP ગ્રોથમાં વિશ્વની ટોપ-10 અર્થવ્યવસ્થામાં સૌથી આગળ ભારત
Fitch Ratings એજન્સી આ પહેલા ભારતના ગ્રોથ રેટ 5.5 ટકા અંદાજ્યો હતો. જેમાં 0.7 ટકાનો વધારો કરી 6.2 ટકાનો અંદાજ રાખવામાં આવ્યો છે. ફિચે વર્ષ 2023 થી 2027 માટે આ અનુમાન લગાવ્યું છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે, ભારતનો GDP વિશ્વની ટોપ-10 અર્થવ્યવસ્થામાં સૌથી વધુ રહેશે. આ અનુમાન પાછળના કારણોને જણાવતા એજન્સી દ્વારા જાણવામાં આવ્યું હતું કે, ભારતમાં રોજગારી દર વધ્યો છે. તેના સિવાય લેબરની પ્રોડક્શન ક્ષમતા અન્ય દેશની સરખામણીએ ભારતમાં ખૂબ સારી છે.