ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રાફ ગગડ્યો, જાણો દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી કોણ બન્યા?
Most Popular CM Of India Survey: દેશના લોકોની પસંદ જાણવા માટે મૂડ ઓફ ધ નેશન સર્વે હાથ ધરાયો હતો. જેમાં સત્તા અને સરકારથી લઈને દેશના મુખ્ય મુદ્દાઓ પર જનતાનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તેમના લોકપ્રિય વડાપ્રધાન કોણ છે ત્યારે પીએમ મોદીનું નામ નંબર વન પર આવ્યું. જ્યારે લોકપ્રિય મુખ્યમંત્રી વિષે સર્વે કરવામાં આવ્યો ત્યારે લોકોએ યોગી આદિત્યનાથની પસંદગી કરી હતી.
લોકપ્રિય મુખ્યમંત્રીની યાદી
મૂડ ઓફ ધ નેશન સર્વે મુજબ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે ટોચ પર છે. સર્વેના આંકડા મુજબ ઓગસ્ટ 2024માં 33.2% લોકોએ, આ વર્ષે ફેબ્રુઆરી 2024માં 46.3% લોકો, તેમજ ઓગસ્ટ 2023માં થયેલા સર્વેમાં 43% લોકોએ યોગીને સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી ગણાવ્યા હતા.
આ યાદીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બીજા સ્થાન પર છે. પરંતુ તેમની લોકપ્રિયતા પહેલા કરતા ઓછી થઈ છે. ઓગસ્ટ 2024માં, 13.8% લોકો તેમને શ્રેષ્ઠ મુખ્યમંત્રી માને છે, જ્યારે ફેબ્રુઆરી 2024માં, 19.6% અને ઓગસ્ટ 2023માં, 19.1% લોકોએ તેમની પસંદગી કરી હતી.
આ પણ વાંચો: ગડકરી, યોગી કે શાહ.... વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? સરવેના પરિણામ ચોંકાવનારા
આ યાદીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ત્રીજા સ્થાને છે. કોલકાતાની ઘટના બાદ પણ તેની લોકપ્રિયતાનો ગ્રાફ પહેલાની સરખામણીમાં વધ્યો છે. ઓગસ્ટ 2024માં, 9.1% લોકોએ તેમની પસંદગી કરી હતી, જે અગાઉના સર્વે (ફેબ્રુઆરી 2024 - 8.4%) કરતા થોડી વધુ છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને 4.7% લોકોનું સમર્થન મળ્યું છે, જે ફેબ્રુઆરી 2024માં 5.5% અને ઓગસ્ટ 2023માં 5.6% કરતા ઓછું છે. તેવી જ રીતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને 4.6% લોકોનું સમર્થન મળ્યું છે. તેમને પહેલીવાર આ સર્વેમાં સામેલ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની લોકપ્રિયતા વધી છે. ઓગસ્ટ 2024માં 3.1% લોકોએ તો ફેબ્રુઆરી 2024માં 1.9% અને ઓગસ્ટ 2023માં 1% લોકોએ તેમને પસંદ કર્યા હતા.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ થોડો ટેકો મળ્યો હતો, પરંતુ તેઓ ટોચના સ્થાને પહોંચી શક્યા નથી.
જો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરવામાં આવે તો તેમને 46% લોકોનું સમર્થન મળ્યું છે. જો કે, તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે, કારણ કે ફેબ્રુઆરી 2024માં આ આંકડો 42.6% અને ઓગસ્ટ 2023માં 55.3% હતો.
આ પણ વાંચો: મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ
દેશના લોકોના મંતવ્યો લેવામાં આવ્યા
આ સર્વે ભારતીય રાજનીતિમાં જનતાના બદલાતા મૂડનું એક મહત્વપૂર્ણ સૂચક છે, કયા મુખ્યમંત્રીનું કામ તેમના રાજ્યના લોકોને સૌથી વધુ પસંદ આવી રહ્યું છે તે દર્શાવે છે.
આ સર્વે 15 જુલાઈથી 10 ઓગસ્ટ, 2024 વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં 1,36,436 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. આ સર્વે દેશભરમાં 543 લોકસભા મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો, જેના દ્વારા જનતાની વિચારસરણી અને અભિપ્રાયને સમજવાની કોશિશ કરવામાં આવી હતી.