આ વર્ષે ચોમાસું સારું રહેશે, ખેડૂતોને રાહતનો વરતારો

Updated: May 27th, 2024


Google NewsGoogle News
આ વર્ષે ચોમાસું સારું રહેશે, ખેડૂતોને રાહતનો વરતારો 1 - image


- હવામાન વિભાગની સારા વરસાદની આગાહી વચ્ચે જૂનમાં ગરમીના હાહાકારની ચેતવણી

- દક્ષિણ-મધ્ય ભારતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે : રાજસ્થાન, ગુજરાત સહિત ઉત્તર-પશ્વિમના રાજ્યોમાં જૂન માસમાં વાવણીને અનુકૂળ છ ઈંચ મેઘ મહેર થશે

- 49.4 ડિગ્રી સાથે રાજસ્થાનનું ફલોદી સૌથી ગરમ સ્થળ : ધૂણી ધખાવી પ્રચંડ ગરમીમાં તપસ્યા કરી રહેલા સાધુ અને બીએસએફના જવાન સહિત ત્રણનાં મોત

નવી દિલ્હી : હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે દેશમાં ચોમાસું સારું રહેશે. સરેરાશ ૧૦૬ ટકા વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણના રાજ્યોમાં સરેરાશ કરતાં થોડો વધારે વરસાદ થશે, પણ જૂન માસમાં ગરમીમાં ખાસ રાહત મળવાની શક્યતા નથી. હીટવેવની સ્થિતિ જૂન મહિનામાં પણ યથાવત રહેશે. ગરમી વચ્ચે થોડા રાહતના સમાચાર એ છે કે આગામી પાંચ દિવસમાં કેરળમાં ચોમાસું બેસવાની શરૂઆત થઈ જશે અને વરસાદને અનુકૂળ વાતાવરણ બનશે.

હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહોપાત્રાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં આ વર્ષના ચોમાસા અંગેનો અહેવાલ આપ્યો હતો. તેમના કહેવા પ્રમાણે ચાલુ વર્ષે દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું સારું રહેશે. ખેતીને અનુકૂળ વરસાદ થશે. થોડા સમય પહેલાં હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી હતી. તે વખતે વાતાવરણના અભ્યાસ બાદ અપાયેલા અહેવાલમાં કહેવાયું હતું કે આ વર્ષે સરેરાશ કરતાં થોડો ઓછો વરસાદ થશે. જોકે, લેટેસ્ટ અહેવાલમાં કહેવાયું છે એ પ્રમાણે આ વર્ષે દેશમાં ચોમાસા દરમિયાન ૧૦૬ ટકા વરસાદ થશે.

ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સરેરાશ કરતાં થોડો ઓછો વરસાદ થશે, પણ એટલો મોટો ફરક નહીં પડે કે જેનાથી ખેતી પ્રભાવિત થાય. દક્ષિણ અને મધ્ય ભારતના રાજ્યોમાં સરેરાશ કરતાં થોડો વધારે વરસાદ થશે, પરંતુ અતિવૃષ્ટિ જેટલો વરસાદ થાય એવી આગાહી થઈ નથી. સરેરાશ બે-ચાર ઈંચ વરસાદ વધારે થઈ શકે છે. ઉત્તર-પશ્વિમના રાજ્યોમાં સરેરાશ વરસાદ થાય છે એટલો જ થશે. જૂન માસમાં દેશમાં સરેરાશ ૬થી સાડા છ ઈંચ વરસાદ પડે એવી ધારણા છે. આટલો વરસાદ ખેડૂતો માટે ઉપયોગી થઈ પડશે. પાંચ ઈંચથી વધુ વરસાદ થાય તો વાવણીને અનુકૂળ ગણાય.

જોકે, આટલા વરસાદ છતાં જૂનમાં ગરમીથી એટલી રાહત મળશે નહીં. હવામાન વિભાગનું માનીએ તો જૂન માસમાં ઘણાં રાજ્યોમાં હીટવેવની સ્થિતિ રહેશે. ખાસ તો ઉત્તર-પશ્વિમના રાજ્યો જેવા કે દિલ્હી, ઝારખંડ, પંજાબ, હરિયાણા,  ચંડીગઢ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં જૂન માસમાં પણ ગરમીનો હાહાકાર રહેશે. ઉત્તર પ્રદેશના કેટલાક હિસ્સામાં, મધ્યપ્રદેશના અમુક વિસ્તારો તાપમાનનો પારો વધ-ઘટ થતો રહેશે એટલે ગરમીથી સંપૂર્ણ રાહત જૂન દરમિયાન મળશે નહીં. આવું થવાનું કારણ આપતા હવામાન વિભાગના વડાએ કહ્યું હતું કે અત્યારે પાંચ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, તેમાંથી બેની અસર ઉત્તર ભારતમાં થશે એટલે વાતાવરણમાં ફેરફાર થશે.

દરમિયાન દેશભરમાં તાપમાનનો પારો ઊંચો ચડતા કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે દેશના અનેક શહેરોમાં તાપમાન ૪૫થી વધુ નોંધાયું હતું. રાજસ્થાનનું ફલોદી વધુ એક દિવસ ૪૯.૪ ડિગ્રી સાથે સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાતમાં અસહ્ય ગરમી રહી હતી. હવામાન વિભાગે આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી કર્યો હતો. હવામાન વિભાગના વડાએ કહ્યું હતું કે છેલ્લાં એક સપ્તાહથી ઉત્તર, પશ્વિમ ભારતના લોકો અભૂતપૂર્વ હીટવેવના સાક્ષી બની રહ્યા છે.

ઉત્તર પ્રદેશના સંભલમાં પ્રચંડ ગરમીમાં ધૂણી ધખાવીને આકરી તપસ્યા કરી રહેલા સાધુનું ગરમીના કારણે મૃત્યુ થયું હતું. ૭૦ વર્ષના પાગલ બાબાના નામથી જાણીતા આ સાધુ છેલ્લાં ત્રણ દિવસથી તપસ્યામાં બેઠા હતા.  તેમની પંચાગ્નિ તપસ્યા પાંચ દિવસ ચાલવાની હતી. આ તપસ્યા માટે તેમણે સંભલના જિલ્લા અધિકારીની પરવાનગી મેળવી હતી. તેમની તબિયત અચાનક બગડી જતાં હોસ્પિટલમાં ખસેડાવાની તજવીજ થઈ તે પહેલાં જ તેમણે દમ તોડી દીધો હતો. રાજસ્થાનમાં અસહ્ય ગરમીથી પાકિસ્તાનની સરહદ પર તૈનાત બીએસએફના જવાન અજય કુમાર સહિત બેનાં મોત થયા હતા. કુલ ત્રણ લોકોએ ગરમીના કારણે જીવ ગુમાવ્યો હતો.


Google NewsGoogle News