ખુશખબર! કેરળમાં ચોમાસાનું આગમન, ઠેર-ઠેર વરસાદ, હવામાન વિભાગે આપ્યું મહત્ત્વપૂર્ણ અપડેટ
IMD Monsoon update: ઉત્તર અને મધ્ય ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે હવે રાહતના સમાચાર આવ્યા છે. કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કોટ્ટાયમ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી હતી
દક્ષિણપશ્ચિમ ચોમાસું આગાહીના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે કેરળના કિનારે પહોંચી ગયું છે. અને હવે તે ઉત્તરપૂર્વના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ બુધવારે (29 મે, 2024) જણાવ્યું હતું કે, 'આગામી 24 કલાક દરમિયાન કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે.' ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 15 મેના રોજ કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી.
ચોમાસાના વહેલા આગમનનું કારણ શું છે?
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર રવિવારના રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચી લીધો છે, જે પૂર્વોતરમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં પ્રવેશે છે, જ્યારે તે થોડા દિવસો પછી ઉત્તર-પૂર્વમાં આવે છે અને પાંચમી જૂન સુધીમાં દેશના મોટાભાગને આવરી લે છે.
ધૂળ ની હળવી આંધી ની ચેતવણી#weather #WeatherUpdate #gujarat pic.twitter.com/s8q6tP4gRq
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 29, 2024
ગુજરાતનાં ચાર જિલ્લાઓમાં આંધી-વંટોળની આગાહી
જૂન મહિનાની શરૂઆત પહેલાં ગુજરાતનાં લોકો હવે મેઘરાજા આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધૂળની આંધીની આગાહી વ્યક્ત કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન ફૂંકાશે.