દેશના 4 રાજ્યોમાં ચોમાસું આફત બન્યું, 182નાં મોત, ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ, હજારો યાત્રી ફસાયા
Monsoon News : દેશમાં ચોમાસાને કારણે અનેક રાજ્યોમાં સારો એવો વરસાદ પડ્યો છે તો ઘણાં માટે આ ચોમાસું આફત બની ગયું છે. અત્યાર સુધીમાં યુપીમાં 52, બિહારમાં 16, આસામમાં 92 અને હિમાચલ પ્રદેશમાં 22 લોકો વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.
ભૂસ્ખલન અને આકાશમાંથી વીજળી પણ પડી
ઉત્તરપ્રદેશ અને બિહારમાં તો ઘણી જગ્યાએ આકાશથી વીજળી પડવાને લીધે ઘણાં લોકોએ જીવ ગુમાવ્યાની માહિતી મળી છે. ઉત્તરાખંડના ચમોલીમાં ગઈકાલે જ ભૂસ્ખલન થયા બાદ બદ્રીનાથ હાઈવે બંધ થઈ ગયો હતો. જેના લીધે 3000થી વધુ યાત્રીઓ ફસાઈ ગયાની માહિતી મળી છે. ઉત્તરાખંડના હલ્દવાની, બનબસા, સિતારગંજ, ખટીમા અને ટનકપુરમાં વરસાદને કારણે હાલત દયનીય થઈ ચૂકી છે. કાટમાળને કારણે 200થી વધુ રોડ ઠપ થઇ ગયા છે.
બિહારમાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર
બીજી બાજુ બિહારમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિત અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ગોપાલગંજ, બેતિયા, બગહામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બુધવારે જ વીજળી પડવાને કારણે 4 લોકો બિહારમાં મૃત્યુ પામી ગયા હતા જ્યારે 6 ઈજાગ્રસ્ત થયા હતા.
આસામમાં કેવી છે સ્થિતિ?
જ્યારે આસામની વાત કરીએ તો બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓમાં જળસ્તર વધી ગયું છે. હાલ તે ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જોકે તેમ છતાં પ્રદેશમાં પૂરની સ્થિતિ સુધરી છે. 26 જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા 17 લાખ થઈ ચૂકી છે. વધુ 7 લોકોના મૃત્યુ સાથે આ આંકડો 92 સુધી પહોંચી ગયો છે.
હિમાચલમાં 2 અઠવાડિયામાં 22 લોકોના મોત થયા
પર્વતીય રાજ્ય હિમાચલમાં પણ વરસાદના કારણે લોકો પરેશાન છે. છેલ્લા 2 અઠવાડિયામાં 22 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 27 જૂને રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં વરસાદને કારણે 172 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધી મંડી જિલ્લામાં 5 મુખ્ય માર્ગો, શિમલામાં 4 અને કાંગડામાં ત્રણ રસ્તા ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયા છે. બીજી તરફ ગુજરાતમાં 223 મીમી વરસાદ નોંધાયો છે. આ રાજ્યમાં કુલ વરસાદના 25 ટકા છે.
યુપીમાં પૂરમાં અનેક ગામો ડૂબી ગયા
યુપીમાં ઘણી નદીઓ જોખમી સ્તરે પહોંચી ગઈ છે. સરયૂ, ઘાઘરા અને રાપ્તી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બલરામપુર અને લખીમપુરમાં પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં 5 લોકોના મોત થયા હતા. લખીમપુરના ઘણા ગામો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. 125થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે. બુધવારે રાજ્યમાં વરસાદ પડ્યો ન હતો પરંતુ વીજળી પડવાથી 52 લોકોના મોત થયા હતા.