અત્ર તત્ર સર્વત્ર વરસાદ! દેશભરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં, મુંબઈમાં 12 ઈંચ, ઉત્તરાખંડમાં પૂર

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
અત્ર તત્ર સર્વત્ર વરસાદ! દેશભરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં, મુંબઈમાં 12 ઈંચ, ઉત્તરાખંડમાં પૂર 1 - image


Monsoon updates | ચોમાસુ હવે આખા દેશભરમાં જામી ગયું છે. મોટાભાગના રાજ્યોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મુંબઈ, ઉત્તરાખંડ, આસામ, ગોવા અને રાજસ્થાન સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો. તો ચાલો જાણીએ દેશભરના કયા કયા રાજ્યોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને ક્યાં ક્યાં હજુ ભારે વરસાદની કરાઈ છે આગાહી...  

મુંબઈમાં 6 કલાકમાં 12 ઈંચ 

દેશની વાણિજ્યક રાજધાની ગણાતા મુંબઈમાં મોડી રાતે 6 કલાકમાં 12 ઈંચ મેહુલિયો વરસી જતાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યના સીએમ એકનાથ શિંદેએ છેવટે લોકોને અપીલ કરવી પડી કે વધારે જરૂરી હોય તો જ લોકોએ ઘરથી બહાર નીકળવું. ભારે વરસાદને પગલે મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનના પૈડા પણ થંભી ગયા હતા. અનેક ટ્રેનો કેન્સલ કરવી પડી હતી. ટ્રેનના પાટાઓ પણ દેખાતા નહોતા. જાણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રોડ પર નદીઓ વહેતી દેખાઈ હતી.  

મહારાષ્ટ્રના રાયગઢમાં આભ ફાટ્યાં જેવો વરસાદ 

બીજી બાજુ મહારાષ્ટ્રમાં મુંબઈ સિવાય અન્ય ભાગોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના વીડિયો અને તસવીરો સામે આવ્યા હતા. અહીં રાયગઢમાં આવેલા કિલ્લા પર જાણે આભ ફાટ્યો હોય એટલો વરસાદ નોંધાયો હતો. જેના પ્રચંડ વહેણ વચ્ચે અનેક પ્રવાસીઓ ફસાઈ ગયા હતા.  

ઉત્તરાખંડમાં પૂરની સ્થિતિ

ઉત્તરાખંડમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. અહીં વરસાદ જાણે આફત બનીને વરસ્યો. હતો. રુદ્રપુરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના પગલે એસડીઆરએફની ચાર ટીમ તહેનાત કરીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અનેક બોટનો ઉપયોગ કરીને લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઉધમસિંહ નગર અને ચંપાવત જિલ્લાની વાત કરીએ તો ત્યાં તો છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ આવ્યા હતા. અત્યાર સુધી 45થી વધુ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડાયાની માહિતી છે. 

તેલંગાણામાં ભારે વરસાદને પગલે વોટરફોલ તરફ ધસારો 

તેલંગાણામાં સારો એવો વરસાદ નોંધાયો હતો. જેના પગલે પ્રવાસીઓનો ધસારો વૉટરફોલ તરફ વધી ગયો હતો. પાણીની આવક વધતાં બોગાથ વોટરફોલની સુંદરતા વધી ગઇ હતી અને તેના પગલે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

ઉત્તરાખંડમાં ઠેર ઠેર ભૂસ્ખલન 

ઉત્તરાખંડ એક પર્વતીય રાજ્ય હોવાને લીધે ત્યાં ભારે વરસાદને પગલે પહાડોમાં ઠેર ઠેર ભૂસ્ખલનની સ્થિતિ પણ જોવા મળી હતી. જેના કારણે અનેક રસ્તાઓ ઠપ થઇ ગયા હતા. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. નેશનલ હાઇવે પણ બંધ કરવાની ફરજ પડી હતી. દહેરાદૂનમાં તો વરસાદના પાણીથી ભરેલા એક ખાડામાં પાંચ વર્ષનો બાળક અને હરિદ્વારના નાળામાં એક કિશોર ડૂબી ગયો હતો. ઋષિકેશમાં અનેક ઘાટ ડૂબી ગયા હતા. ગંગા નદી પણ ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી હતી. સતત વરસાદને પગલે અનેક જિલ્લા અસરગ્રસ્ત થયા હતા.  

ગોવામાં પણ સેલાઉલિમ ડેમ છલકાયો

ભારે વરસાદને કારણે ગોવાની સ્થિતિ ખરાબ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ધોરણ 12 સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે આ દરમિયાન સરકારી કર્મચારીઓને ઓફિસમાં આવવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડના નૈનીતાલમાં વરસાદને કારણે છ દિવસ સુધી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. અહીં રવિવારે રાતે જ સેલાઉલિમ ડેમ પણ છલકાઈ ગયો હતો. તેને લઈને ટુરિસ્ટો આકર્ષિત થવા લાગ્યા છે. 

આસામમાં પૂરને લીધે અત્યાર સુધી 78નાં મોત 

આસામમાં પૂરના કારણે વધુ આઠ લોકોના મોત થયા હતા. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર, ધુબરી અને નલબારીમાં બે-બે મૃત્યુ નોંધાયા છે, જ્યારે કછાર, ગ્વાલપાડા, ધેમાજી અને શિવસાગરમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે. પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં આસામના 22 લાખ 74 હજાર 289 લોકો પ્રભાવિત થયા છે.

રાજસ્થાનમાં પણ મેઘરાજા મહેરબાન 

છેલ્લા 24 કલાકમાં પૂર્વ તથા પશ્ચિમ રાજસ્થાનના અનેક ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસયા હતા. ચુરુ, ગંગાનગર, હનુમાનગઢ, દૌસા, કરૌલી, જયપુર, ડુંગરપુર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે નદી-નાળામાં પણ પાણીની ભરપૂર આવક થતાં છલકાઈ ગયા હતા. જોકે વરસાદને કારણે અનેક દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. 

નેપાળની પણ હાલત દયનીય, મૃત્યુઆંક 62 થયો 

નેપાળમાં પણ વરસાદના કારણે અનેક લોકોના મોત થયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેપાળમાં છેલ્લા ચાર સપ્તાહમાં વરસાદના કારણે 62 લોકોના મોત થયા છે. 90 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ચોમાસા સંબંધિત મૃત્યુના મુખ્ય કારણો ભૂસ્ખલન, પૂર અને વીજળી છે. 34 લોકો ભૂસ્ખલનમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે 28 લોકો અવિરત વરસાદના કારણે પૂરમાં મૃત્યુ પામ્યા હતા. આ કુદરતી આફતોના કારણે સાત લોકો ગુમ પણ થયા છે.

હવામાન વિભાગની નવી આગાહી 

હવામાન વિભાગે આ સાથે દિલ્હીથી, રાજસ્થાન, બિહાર સહિત પર્વતીય રાજ્યોને મિલાવીને કુલ 10 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગને તેની આગાહીમાં જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. IMD અનુસાર આગામી ચાર દિવસ એટલે 12 જુલાઈ સુધી અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડશે. તેમાં દિલ્હી, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વરસાદ અંગે એલર્ટ જાહેર કરાયું છે. 

અત્ર તત્ર સર્વત્ર વરસાદ! દેશભરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં, મુંબઈમાં 12 ઈંચ, ઉત્તરાખંડમાં પૂર 2 - image

 


Google NewsGoogle News