Get The App

દેશમાં ચોમાસુ સક્રિય, જૂનમાં 11 ટકા ઓછો વરસાદ અને જુલાઈમાં ભારે પૂરની આગાહી

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
દેશમાં ચોમાસુ સક્રિય, જૂનમાં 11 ટકા ઓછો વરસાદ અને જુલાઈમાં ભારે પૂરની આગાહી 1 - image


- લા-નીનાના લીધે વરસાદ સામાન્ય કરતાં વધુ રહી શકે : હવામાન વિભાગ

- ઉત્તરપશ્ચિમ ભારતે 1901 પછી દેશમાં પહેલી વખત સૌથી વધુ ગરમ જૂન મહિનાનો અનુભવ કર્યો

નવી દિલ્હી : જુલાઈના પ્રથમ દિવસ સુધીમાં ચોમાસુ સમગ્ર દેશમાં એક્ટિવ થઈ ચૂક્યું છે. આ વખતે દેશમાં જૂનમાં ચોમાસામાં ૧૧ ટકા ઘટ જોવા મળી છે, પણ રાહતનો શ્વાસ લેવા જેવી બાબત એ છે કે જુલાઈમાં ભારે પૂરની આગાહી  છે. નિષ્ણાતોનું કહેવું છે કે લા-નીનાના લીધે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહે તેવી સંભાવના વધારે છે. 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં જૂન મહિનામાં પડેલો વરસાદ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછો પડેલો વરસાદ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જૂનમાં સરેરાશ ૧૬૫.૩ એમએમ વરસાદ પડતો હોય છે. તેની સામે આ વર્ષે ૧૪૭.૩ એમએમ વરસાદ જ નોંધાયો છે. ૨૦૦૧ પછી આ સાતમી વખત ઓછા વરસાદવાળો મહિનો રહ્યો હતો. 

દેશમાં ૨૦૨૪માં ઉત્તરપશ્ચિમ ભારતે ૧૯૦૧ પછી પહેલી વખત સૌથી આકરા ઉનાળાનો અનુભવ કર્યો હતો. આ વિસ્તારનું જૂન મહિનાનું સરેરાશ તાપમાન ૩૮.૨ ડિગ્રીને આંબી ગયું હતું, જે સામાન્ય કરતાં લગભગ બે ડિગ્રી વધારે છે. જ્યારે સરેરાશ લઘુત્તમ તાપમાન જૂનમાં ૨૫.૪૪ ડિગ્રી હતુ, જે સરેરાશ કરતાં ૧.૩૫ ડિગ્રી વધારે હતું. 

 ઉનાળાના મહિનાઓ દરમિયાન ૫૩.૬ દિવસ હીટવેવનો અનુભવ કર્યો હતો, જે છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી વધારે છે. જ્યારે જૂન મહિનામાં ૧૮.૧ દિવસ હીટવેવ જોવા મળ્યા હતા, જે છેલ્લાં ૧૫ વર્ષમાં સૌથી વધારે છે. 

ઉત્તર પશ્ચિમ ભારતે આ ઉપરાંત જુન દરમિયાન ચોમાસાની ધીમી પ્રગતિના લીધે વરસાદની ૩૩ ટકા ઘટનો પણ સામનો કર્યો હતો. 

જો કે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ લા નીનાના લીધે જુલાઈમાં સરેરાશ કરતાં વધારે વરસાદ જોવા મળશે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ લા નીના રહે તેમ માનવામાં આવે છે.


Google NewsGoogle News