Get The App

ઉત્તરપ્રદેશના અલીગઢમાં વાંદરા રૂ. 35 લાખની ખાંડ ખાઈ ગયા

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
ઉત્તરપ્રદેશના અલીગઢમાં વાંદરા રૂ. 35 લાખની ખાંડ ખાઈ ગયા 1 - image


- અધિકારી 'સરકારી' દાવાની ચોમેર ચર્ચા

- ગણતરીના મહિનાઓમાં મિલમાંથી 1,137 ક્વિન્ટલ ખાંડ ગાયબ

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના અલીગઢમાં વાંદરાઓ ૩૫ લાખ રુપિયાથી વધી કિંમતની ખાંડ ખાઈ ગયા હોવાનો આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં કેટલાક વર્ષો પહેલા અલીગઢની સાથા મિલમાં ૩૫ લાખ રુપિયાની ખાંડ મૂકવામાં આવી હતી. પણ થોડા સમય પહેલા મિલનું ઓડિટ થયું તો ૧૧૩૭ ક્વિન્ટલ ખાંડ ગાયબ હતી. 

આ ખાંડની બજારકિંમત રુ. ૩૫ લાખથી વધારે હતી. હવે જ્યારે અધિકારીઓ પાસે આ અંગે જવાબ માંગવામાં આવ્યો તો તેમનો જવાબ આવ્યો કે આ ખાંડ વાંદરા ખાઈ ગયા. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી હવે એફઆઇઆર નોંધવામાં આવી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ સાથા ખાંડની મિલ ૨૦૨૧થી બંધ છે. તેમા ખાંડનો વધેલો સ્ટોક રાખવામાં આવ્યો હતો. આને લઈને એક દિવસ ડિસ્ટ્રિક્ટ ઓડિટ ઓફિસર, પંચાયત ઓડિટ કમિટી અને સહકારી સમિતિઓની ટીમ જ્યારે ઓડિટ કરવા પહોંચી ત્યારે તેમને ખબર પડી કે અહીં રાખવામાં આવેલી ખાંડમાંથી ૧,૧૩૭ ક્વિન્ટલ ખાંડનો કોઈ અતોપતો નથી. 

હવે જ્યારે ઓક્ટોબર ૨૦૨૩માં ઓડિટ કરવામાં આવ્યું અહીં રાખવામાં આવેલી ખાંડનો હિસાબ એકદમ બરોબર મળ્યો હતો. હવે સવાલ એ છે કે થોડા મહિનાના જ સમયગાળામાં ૧,૧૩૭ ક્વિન્ટલ ખાંડ ગઈ ક્યાં. આ અંગે સંલગ્ન અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી તો તે કોઈ જવાબ આપી ન શક્યા. હવે તેની તપાસ ચાલી રહી છે. 

ખાંડના ગુમ થવા અંગે અધિકારીઓને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ત્યાં વાંદરાઓ આવતા હોવાથી હોઈ શકે કે વાંદરાઓ ખાઈ ગયા હોય. આ સિવાય એક કારણ વરસાદનું પણ ગણાવાયું છે. પણ સવાલ એ છે કે જો વરસાદના કારણે ખાંડ ખતમ થઈ ગઈ હોય તો ફક્ત ૧,૧૩૭ ક્વિન્ટલ જ કેમ થઈ. બાકીની કેમ નહીં.


Google NewsGoogle News