સાવધાન ! WHOએ મંકીપૉક્સના જે વેરિયન્ટને જાહેર કર્યો છે ‘ઇમરજન્સી’, ભારતમાં નોંધાયો પ્રથમ કેસ
Monkeypox Cases in India : વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મંકીપૉક્સના જે વેરિયન્ટને ઇમરજન્સી જાહેર કર્યો હતો, તે વેરિયન્ટનો ભારતમાં પ્રથમ કેસ નોંધાયો છે. ગત સપ્તાહે કેરળના મલપ્પુરમ આવેલા વ્યક્તિને મંકીપૉક્સ વાયરસની અસર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જો કે હવે તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યા બાદ તે ચેપગ્રસ્ત હોવાની પુષ્ટી થઈ છે. વાયરસ પીડિત 38 વર્ષની વ્યક્તિ યુએઈથી ભારત આવ્યો હતો. આ દરમિયાન તેનામાં મંકીપૉક્સના લક્ષણો હોવાની સંભાવના દેખાતાં તેને આઇસોલેટ કરવામાં આવ્યો હતો, જો કે હવે તે પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ છે.
સંક્રમિત વ્યક્તિ આઇસોલેશનમાં
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વ્યક્તિમાં MPox ક્લેડ-1 વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. ભારતમાં આ પ્રકારનો આ પહેલો કેસ છે. WHOએ આ ક્લેડને વર્લ્ડ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિ એક અઠવાડિયાથી હૉસ્પિટલમાં દાખલ છે. તેને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું: એક બે નહીં 15 રાજ્યો આવી શકે છે ઝપેટમાં
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઍલર્ટ કર્યા
આ મામલો સામે આવ્યા બાદ સંબંધિત તંત્ર દ્વારા પ્રોટોકોલ મુજબ કાર્યવાહી શરુ કરી દેવાઈ છે. વ્યક્તિના સોર્સની ઓળખ કરવા તેમજ દેશમાં વાયરસના પ્રભાવનું આકલન કરવા માટે દર્દીની કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહી છે. ભારત મંકીપૉક્સ વાયરસ સામે લડવા સમગ્ર રીતે તૈયાર છે અને કોઈ પણ સંભવિત જોખમને રોકવા અને ઓછો કરવા પૂરતા પ્રયાસ કરાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે આ અંગે તમામ રાજ્યોને પણ આવશ્યક ગાઇડલાઇન્સ જાહેર કરી ઍલર્ટ રહેવા જણાવ્યું છે.
કઈ રીતે ફેલાય છે મંકીપૉક્સ?
થોડાક દિવસો પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠકમાં એ વાત સામે આવી હતી કે, મંકીપૉક્સ સામાન્ય રીતે બેથી ચાર અઠવાડિયાનું સંક્રમણ હોય છે અને દર્દી યોગ્ય સારવારથી સ્વસ્થ થઈ જાય છે. આ વાયરસ સંક્રમિત વ્યક્તિની સાથે લાંબા સમય સુધી નિકટ સંપર્ક, જાતીય સંપર્ક, થૂંક જેવા પ્રવાહી પદાર્થના માધ્યમથી, શરીર સાથે સંપર્ક અથવા સંક્રમિત વ્યક્તિના કપડાંનો ઉપયોગ કરવાથી ફેલાઈ શકે છે.
આ પણ વાંચો : આઠ રિંગ રોડ, ફ્લાય ઓવર અને સુરંગ... મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા 58 હજાર કરોડની યોજના
116 દેશોમાં 99 હજારથી વધુ કેસ
નોંધનીય છે કે, WHOએ અગાઉ જુલાઈ 2022માં પણ મંકીપૉક્સને કટોકટી જાહેર કરી હતી, જેને મે 2023માં રદ કરવામાં આવી હતી. જો કે, તાજેતરમાં WHOએ જણાવ્યું કે વર્ષ 2022થી અત્યાર સુધી વૈશ્વિક સ્તરે મંકીપૉક્સના 116 દેશોમાં 99,176 કેસ સામે આવ્યા છે, જેમાં 208 લોકોના મોત થયા છે.