સરકારી બસના ડ્રાઇવર-કંડક્ટર પાસે પંચરના પણ પૈસા નહી, મુસાફરો પાસેથી ઉઘરાવતાં સસ્પેંડ

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
bus


UP Bus Puncture News : ઉત્તર પ્રદેશના અવધ બસ સ્ટેન્ડથી રૂપડીહા જતી બસનું ટાયર પંચર થતાં કંડક્ટર અને ડ્રાઈવરે પૈસા ન હોવાનું કહીને પંચર કરવાનું માંડી વાળ્યું હતું. બીજી તરફ, બસમાં સવાર મુસાફરો પાસેથી ફાળો ઉઘરાવીને બસનું ટાયર પંચર કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વાહન વ્યવહાર નિગમના અધિકારી દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.

ટાયર પંચરની આખી ઘટના વિશે મુસાફરે જણાવી આપવીતી

યુપી ટ્રાન્સપોર્ટની બસ લખનઉના અવધ બસ સ્ટેન્ડથી રૂપડિહા જવા નીકળેલી બસમાં નાનપારા, બહરાઈચ અને રૂપદિહાના મુસાફરો સવાર હતા. આ ઘટના અંગે બસમાં મુસાફરી કરી રહેલા નીરજ ગૌરે જણાવ્યું હતું કે, 'બસ અધવચ્ચે જ પંચર થઈ ગઈ હતી. મિકેનિકને બતાવતા ટાયરમાં પંચર સાથે ટ્યુબ ફેલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ડ્રાઈવરે ટાયર બદલવા માટે સ્ટેપની બહાર કાઢી ત્યારે નટ-બોલ્ટ ફ્રી થઈ હતાં, જેના કારણે ટાયર ખોલી શકાય તેવું ન હતું. આ પછી ડ્રાઈવરે રોડવેઝ અધિકારીઓ સાથે વાત કરતાં તેમણે વધુ ધ્યાન આપ્યું ન હતું. બીજી તરફ, મિકેનિકે ટાયર ટ્યુબના રિપેરિંગનો ખર્ચ આશરે 1100 રૂપિયા જણાવ્યો હતો. જો કે, ડ્રાઈવર અને કંડક્ટરે પોતાની પાસે પૈસા ન હોવાનું કહેતાં મુસાફરોએ પૈસા ભેગા કરીને ટાયરનું પંચર કર્યા પછી બસ આગળ વધી હતી.'

'વાહનવ્યવહાર મંત્રી મુસાફરી કરે તો જનતાની સમસ્યાની સાચી ખબર પડે', સોશિયલ મીડિયામાં લોકોએ પ્રતિક્રિયા આપી

બસનું ટાયર પંચર થવાની ઘટનાની ચર્ચા થઈ રહી છે. તેવામાં ડ્રાઈવર-કંડક્ટરે મુસાફરો પાસેથી પૈસા વસૂલવાના મામલે વાહનવ્યવહાર મંત્રી દયાશંકર સિંહ અને રોડવેઝના અધિકારીને તાકમાં લેવામાં આવી રહ્યાં છે. જેમાં સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'વાહનવ્યવહાર મંત્રી મુસાફરી કરે તો જનતાની સમસ્યાની સાચી ખબર પડે'.

ટાયર પંચરની જોગવાઈ પ્રમાણેની રકમ ન હોવાથી અધિકારીએ પૈસા આપવાની ના પાડી 

આ મામલે યુપી સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ટેક્નિકલ સ્ટાફના ચીફ પ્રિન્સિપલ મેનેજરે જણાવ્યું હતું કે, બસ ડેપોના એઆરએમ અને ફોરમેન પાસેથી ઘટનાની જાણકારી લીધી હતી. બીજી તરફ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અધિકારી પાસેથી ટાયર પંચર માટે માંગવામાં આવેલી રકમ તેની જોગવાઈ પ્રમાણેની રકમ ન હોવાથી ડ્રાઈવરને ના પાડવામાં આવી હતી. જોકે ટાયર પંચર થયાં પછી બસ મુસાફરોને પાછળથી આવતી અન્ય બસમાં મોકલવા પણ સૂચના આપવામાં આવી હતી.

ડ્રાઈવર અને કંડક્ટરની જમા રકમ જપ્ત કરી સસ્પેન્ડ કરાયાં

આ ઉપરાંત પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ડ્રાઈવર-કંડક્ટરે મુસાફરોને ઉશ્કેરીને વીડિયો બનાવવા માટે કહ્યું હતું. તપાસમાં ટાયરમાં આઠ ઈંચનો કટ જોવા મળ્યો હતો. બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ કેસમાં કોન્ટ્રાક્ટ પર રહેલા ડ્રાઈવર સૂર્યભાન મિશ્રા અને કંડક્ટર બાબુ લાલની જમા રકમ જપ્ત કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.


Google NewsGoogle News