MPમાં પણ UPવાળી! મોહન યાદવની બુલડોઝર એક્શન, ભાજપ કાર્યકરની હથેળી કાપનાર પર કાર્યવાહી
ભાજપના કાર્યકરની હથેળી કાપનાર વ્યક્તિના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું
MPની ચૂંટણી પરિણામ બાદ આરોપીએ ભાજપ કાર્યકર્તા પર જીવલેણ હુમલો કર્યો હતો
New CM of MP in action mode : મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રી મોહન યાદવે શપથ ગ્રહણ કર્યા બાદથી જ એક્શન મોડમાં આવી ગયા છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની જેમ જ મધ્યપ્રદેશમાં પણ મોહન યાદવની સરકાર બન્યા બાદ ફરી એકવાર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે જેમાં ભાજપના કાર્યકરની હથેળી કાપનાર વ્યક્તિના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
UPની જેમ MPમાં પણ આરોપીઓના ઘરે બુલડોઝર ચલાવવાની ફરી શરુઆત
ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારમાં આરોપીના ઘરે બુલડોઝર ફેરવી દેવામાં આવે છે તે જ રીતે હવે મધ્યપ્રદેશમાં પણ ગંભીર આરોપીઓના ઘરે બુલડોઝર ચલાવવાના ફરી શરુ થઈ ગયા છે. સુત્રોમાંથી સમાચાર મળી રહ્યા છે કે મધ્યપ્રદેશમાં ભાજપના કાર્યકર્તાની હથેળી કાપનાર આરોપી ફારુક રાઈન ઉર્ફે મિન્નીના ઘર પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. મોહન યાદવે મધ્યપ્રદેશનની કમાન સંભાળતા જ રાજ્યમાં ફરી એકવાર બુલડોઝર ચલાવવાનું શરુ કરી દીધુ છે. આરોપી ફારુક રાઈન પર ભાજપ કાર્યકર્તા દેવેન્દ્ર ઠાકુરની હથેળી કાપવાનો આરોપ હતો.
MPની ચૂંટણી પરિણામ બાદ ફારૂકે દેવેન્દ્ર ઠાકુર પર જીવલેણ હુમલો કર્યો હતો
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનું 5મી ડિસેમ્બરે જાહેર થયેલા પરિણામ બાદ ફારુકે ભાજપના કાર્યકર્તા દેવેન્દ્ર ઠાકુર પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં દેવેન્દ્ર ઠાકુરની હથેળી કપાઈ ગઈ હતી. દેવેન્દ્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને કૈલાસ વિજયવર્ગીય પણ તેણે મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આરોપી ફારૂક હબીબગંજ પોલીસમાં ગુંડા તરીકેની યાદીમાં સામેલ છે અને તેની સામે અગાઉ પણ ઘણા ગુના નોંધાયેલા છે. આ કેસમાં પોલીસે પાંચ આરોપી ફારુક રૈન, અસલમ, શાહરૂખ, બિલાલ અને સમીરની ધરપકડ કરી લીધી છે.