RSS પ્રમુખ મોહન ભાગવતે બેંગકોકમાં હિન્દુઓ અંગે કહી મહાન વાત, કહ્યું ‘આપણે તમામ હિન્દુ સુધી પહોંચવું પડશે’

મોહન ભાગવતની વિશ્વભરના હિન્દુઓને અપીલ ‘વિશ્વને બનાવીશું આર્ય, મિત્ર હિન્દુઓ સાથે સંપર્ક બનાવો...’

હિન્દુઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને વિશ્વ સાથે જોડાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે : મોહન ભાગવત

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
RSS પ્રમુખ મોહન ભાગવતે બેંગકોકમાં હિન્દુઓ અંગે કહી મહાન વાત, કહ્યું ‘આપણે તમામ હિન્દુ સુધી પહોંચવું પડશે’ 1 - image

બેંગકોક, તા.24 નવેમ્બર-2023, શુક્રવાર

RSS પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) થાઈલેન્ડની મુલાકાતે છે, ત્યારે તેમણે આજે વિશ્વ હિન્દુ કોંગ્રેસ-2023 સંમેલન (Vishwa Hindu Congress-2023 Sammelan)માં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ભાગવતે કહ્યું કે, આજે વિશ્વ યોગ્ય રસ્તા પર નથી, અને લડખડાઈ રહ્યું છે. ભાગવતે વધુમાં કહ્યું કે, વિશ્વ 2000 વર્ષથી શાંતિ અને ખુશી લાવવાના પ્રયાસો કરી રહી છે. તમામે ભૌતિકવાદ, સામ્યવાદ અને મૂડીવાદનો પણ ઉપયોગ કર્યો, જુદા જુદા ધર્મો પણ અજમાવ્યા છે અને તેમણે ભૌતિક સમૃદ્ધિ મળી છે, તેમ છતાં કોઈપણ સંતુષ્ટ નથી.

ભાગવતે વિશ્વભરના હિન્દુઓને કરી અપીલ

આ પ્રસંગે ભાગવતે વિશ્વભરના હિન્દુઓને અપીલ કરી કે, તેઓ એકબીજા સાથે જોડાય અને સાથે મળીને વિશ્વને પોતાની સાથે જોડે. તેમણે કહ્યું કે, વિશ્વ એક પરિવાર છે અને અમે તમામને આર્ય બનાવીશું. તેમણે વિશ્વભરમાંથી આવેલા વિચારકો, કાર્યકર્તાઓ, નેતાઓ અને સાહસિકોને સંબોધન કરતા કહ્યું કે, આપણે તમામ હિન્દુ સુધી પહોંચવું પડશે, સંપર્ક કરવો પડશે, તમામ હિન્દુઓ મળીને વિશ્વમાં તમામ સાથે સંપર્ક કરશે. હિન્દુઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને વિશ્વ સાથે જોડાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

‘આપણે નિસ્વાર્થ સેવા મામલે વિશ્વમાં ટોચ પર’

ભાગવતે કહ્યું કે, આપણે તમામ લોકો સમક્ષ જઈને સંપર્ક સાધવો પડશે, તેમની સાથે જોડાવું પડશે અને પોતાની સેવાઓથી તે લોકોને પોતાના તરફ લાવવા પડશે. આપણે નિસ્વાર્થ સેવા મામલે વિશ્વમાં ટોચ પર છીએ, આ આપણી પરંપરાઓ અને મૂલ્યોમાં છે, તેથી લોકો સુધી પહોંચો અને દિલ જીતો... તેમણે કહ્યું કે, હિન્દુઓએ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાના પ્રચાર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવવી પડશે.

‘જોકે આપણે તે કૌશલ્યને ભુલી ગયા’

તેમણે કહ્યું કે, આ માટે આપણે સાથે આવવું પશે, સાથે રહેવું પડશે અને સાથે કામ કરવું પડશે. તમામે વિશ્વ માટે થોડું યોગદાન આપવું પડશે. આપણે આપણી વિશેષતા ઓળખી કાઢી છે. આપણી અંદર તમામ પ્રત્યે આદર છે, જેને આપણા પૂર્વજોએ ઓળખી હતી, જોકે આપણે તે કૌશલ્યને ભુલી ગયા અને આપણને વિખેરી દેવામાં આવ્યા અને વિવશ થઈ ગયા... હવે આપણે એક સાથે આગળ આવવું પડશે.

વિશ્વની નજર ભારત તરફ

ભાગવતે કહ્યું કે, વિશ્વએ ખાસ કરીને કોરોના કાળ બાદ ફરી વિચારવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, વિશ્વ હવે વિચારી રહ્યું છે કે, ભારત જ રસ્તો આપશે, કારણ કે ભારતમાં તે પરંપરાઓ છે. ભારતે અગાઉ પણ આવું કર્યું છે અને અમારો સમાજ અને રાષ્ટ્રનો જન્મ તે ઉદ્દેશ્ય માટે જ છે.

‘...તેના માટે ભારતની જરૂર’

RSS પ્રમુખે વધુમાં કહ્યું કે, થોડા મહિનાઓ પહેલા વિશ્વ મુસ્લિમ પરિષદના મહાસચિવ ભારત આવ્યા હતા અને તેમણે પણ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, જો આપણે ઈચ્છીએ તો વિશ્વમાં સમરસતા આવી શકે છે અને તેના માટે ભારતની જરૂર છે. ભાગવતે કહ્યું કે, તેથી આ આપણું કર્તવ્ય છે કે અને આ જ કારણે હિન્દુ સમાજ અસ્તિત્વમાં આવ્યો છે.


Google NewsGoogle News