મોહન ભાગવતના નિવેદન સાથે RSS જ સહમત નથી! મુખપત્રમાં જ સંભલને કવર સ્ટોરી બનાવી
Sambhal Mosque: દેશમાં છેલ્લા ઘણાં સમયથી મસ્જિદોને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. દેશમાં મસ્જિદોના સર્વેની માંગ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, 'આવા મુદ્દા ઊઠાવવા અસ્વીકાર્ય છે.' જોકે, આરએસએસના મુખપત્રનો અભિપ્રાય ભાગવતથી સાવ અલગ જોવા મળી રહ્યો છે.
'વિવાદિત સ્થળો અને સંરચનાઓનો ઇતિહાસ જાણવો જોઈએ'
આરએસએસના મુખપત્ર ઓર્ગેનાઇઝરે સંભલ મસ્જિદ વિવાદ પર એક કવર સ્ટોરી પ્રકાશિત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 'વિવાદિત સ્થળો અને સંરચનાઓનો વાસ્તવિક ઇતિહાસ જાણવો મહત્ત્વપૂર્ણ છે. જે ધાર્મિક સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે અથવા તોડી પાડવામાં આવ્યો છે તેના વિશે સત્ય જાણવું એ સભ્યતાના ન્યાય મેળવવા જેવું છે.'
આ પણ વાંચો: I.N.D.I.A. ગઠબંધનમાં ડખા, બીજી તરફ ભાજપનો ખાસ પ્લાન તૈયાર: નીતિશ કુમારની પણ મદદ લેવાશે
અહેવાલમાં લખ્યું હતું કે, 'ભારતના મુસ્લિમ સમુદાય માટે જણાવું જરૂરી છે કે, આક્રમણકારો દ્વારા હિન્દુઓ સાથે કરવામાં આવેલા ઐતિહાસિક અન્યાયને સ્વીકારવું છે. સોમનાથથી સંભલ અને તેનાથી આગળ સત્ય જાણવા માટેની આ લડાઈ ધાર્મિક શ્રેષ્ઠતા વિશે નથી. તે આપણી રાષ્ટ્રીય ઓળખ અને સભ્યતાના ન્યાય પર ભાર મૂકે છે.'
મોહન ભાગવતે મસ્જિદોના સર્વેની માગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી
ઉલ્લેખનીય છે કે, આરએસએસના વડા મોહન ભાગવતે મસ્જિદોના સર્વેની વધતી માગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ વલણને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. 19મી ડિસેમ્બરે પુણેમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે જણાવ્યું હતુ કે, 'અયોધ્યામાં રામ મંદિર હિન્દુઓ માટે આસ્થાનો વિષય છે, પરંતુ દરરોજ આવા નવા મુદ્દા ઊઠાવવા અસ્વીકાર્ય છે.'