Get The App

અમારે કોઈનું ધર્મપરિવર્તન નથી કરવું, પરંતુ જીવવાની પદ્ધતિ શીખવવી છેઃ મોહન ભાગવત

Updated: Nov 20th, 2021


Google NewsGoogle News
અમારે કોઈનું ધર્મપરિવર્તન નથી કરવું, પરંતુ જીવવાની પદ્ધતિ શીખવવી છેઃ મોહન ભાગવત 1 - image


- ભારતને વિશ્વ ગુરૂ બનાવવા માટે સમન્વય સાથે આગળ વધવાની જરૂરઃ ભાગવત

નવી દિલ્હી, તા. 20 નવેમ્બર, 2021, શનિવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે, 'આપણે કોઈનું ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી, પરંતુ જીવવાની પદ્ધતિ શીખવવાની છે. આપણે સમગ્ર વિશ્વને આ સમજ આપવા માટે ભારત ભૂમિમાં જન્મ્યા છીએ. કોઈની પૂજા પદ્ધતિને બદલ્યા વગર સારી વ્યક્તિ બનાવવી તે આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ.'

આરએસએસ પ્રમુખે શુક્રવારે ઘોષ શિબિર ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કહ્યું કે, ભારતને વિશ્વ ગુરૂ બનાવવા માટે સમન્વય સાથે આગળ વધવાની જરૂર છે. 

ભાગવતે કહ્યું હતું કે, 'આપણે ભારતને વધું સારૂ બનાવવાનું છે. જો કોઈ તેની વ્યવસ્થા બગાડવાનો પ્રયત્ન કરે તો તે સારી વાત નથી. દેશ જ નક્કી કરશે કે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ. ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે સમન્વય સાથે આગળ વધવાની જરૂર છે.' 

ભાગવતે કહ્યું કે, તેઓ માને છે કે, સમગ્ર વિશ્વ એક પરિવાર છે. તેમણે કહ્યું કે, 'આપણે જ છીએ જે માનીએ છીએ કે સમગ્ર વિશ્વ આપણો પરિવાર છે. આપણે આપણા વ્યવહારથી વિશ્વને આ સત્ય બતાવવાનું છે. વિશ્વમાં ગુણોનો વિકાસ કઈ રીતે થાય છે તે વાત બધાએ સમજવાની જરૂર છે.'

મોહન ભાગવતે કહ્યું કે, 'પોતીકાપણાની, પૂજાની, જાત-પાતની, ભાષાઓની વિવિધતા છતાં હળીમળીને રહેતા શીખવે છે, જે સૌને પોતાના માને છે, કોઈને પારકાં નથી માનતા, પોતાનામાં ન માનતા હોય તેમને પણ પારકાં ન ગણે, એ જ આપણો ધર્મ છે. તે લોકોને જીવવાની પદ્ધતિ શીખવે છે. ખોવાયેલું વ્યવહારિક સંતુલન પાછું અપાવે છે.'



Google NewsGoogle News