ભાજપ નેતાના ઘર પર હુમલો કરનાર મોહમ્મદ કાસિમ આતંકી જાહેર, તોઈબા સાથે છે કનેક્શન
વૈષ્ણો દેવીના તીર્થયાત્રીઓ પરના હુમલા પાછળનો મુખ્ય કાવતરાખોર મોહમ્મદ કાસિમ હતો
Home Ministry Action: કેન્દ્રીય ગૃહમંત્રાલયે લશ્કર-એ-તોઈબાના સદસ્ય મોહમ્મદ કાસિમ ગુજ્જરને આતંકી જાહેર કર્યો છે. મોહમ્મદ કાસિમ હાલ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહે છે. તેને ગેરકાનૂની ગતિવિધિઓ એક્ટ એટલે કે UAPA હેઠળ આતંકી જાહેર કરાયો છે.
મોહમ્મદ કાસિમ આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ
કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશમાં લખ્યું કે, 'મોહમ્મદ કાસિમ ગુજ્જર ઉર્ફે 'સલમાન' ઉર્ફે 'સુલેમાન' (32 વર્ષ)ને આતંકી જાહેર કરવામાં આવ્યો છે. કારણ કે તે લાંબા સમયથી આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તે ડ્રોન દ્વારા હથિયારો, દારૂગોળો, IED સહિતની ઘણી આતંકી ઘટનાઓમાં સામેલ છે. તેનું સરનામું અંગરાલા, તહસીલ મહોર, જિલ્લા રિયાસી, જમ્મુ છે અને હાલમાં તે પીઓકેમાં રહે છે.'
મોહમ્મદ કાસિમ વૈષ્ણો દેવીના તીર્થયાત્રીઓ પર હુમલો કરવામાં સંડોવાયેલો
આતંકવાદી જાહેર કરાયેલા મોહમ્મદ કાસિમ ગુજ્જર વર્ષ 2022માં માતા વૈષ્ણો દેવી તીર્થયાત્રીઓ પરના હુમલા પાછળનો મુખ્ય કાવતરાખોર હતો, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને બે ડઝનથી વધુ ઘાયલ થયા હતા. અગાઉ 2021માં મોહમ્મદ કાસિમ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બીજેપી નેતાના ઘર પર ગ્રેનેડ હુમલામાં પણ સામેલ હતો, જેના પરિણામે એક સગીર છોકરાનું મૃત્યુ થયું હતું અને અન્ય ઘણાં લોકો ઘાયલ થયા હતા.
કાશ્મીરમાં આતંકવાદ સામે સરકારની કડક કાર્યવાહી
ફેબ્રુઆરી 2024માં સરકારે મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીરના બે જૂથો પર ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને પાકિસ્તાન તરફી પ્રચારમાં સામેલ થવા બદલ પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે કહ્યું કે, 'આ બંને જૂથો લોકો પર ચૂંટણીમાં ભાગ ન લેવા માટે દબાણ પણ કરતા હતા. કેન્દ્ર સરકાર આતંકવાદને જડમૂળથી ખતમ કરવા માગે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.'
આ પણ વાંચો: ભારતીય નેવીએ મધદરિયે જહાજમાં ફસાયેલા 21 લોકોને બચાવ્યાં