ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં નાગરિકોનાં થઈ રહેલા મૃત્યુ સામે મોદીનો આક્રોશ
- ''વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ'' ચાલે છે
- પશ્ચિમ એશિયાનાં ઉપસ્થિત થતી નવી પરિસ્થિતિ નવા આહવાનો ઉપસ્થિત કરે છે : વડાપ્રધાન મોદી
નવી દિલ્હી : અહીં યોજાઈ રહેલી 'વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં નાગરિકોનાં પણ થઈ રહેલા મૃત્યુ અંગે પોતાનો સખ્ત આક્રોશ વ્યક્ત કર્યો હતો. 'વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ'ની અહીં યોજાઈ રહેલી બીજી પરિષદમાં આપેલા ઉદઘાટન પ્રવચનમાં વડાપ્રધાને ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં નિર્દોષ નાગરિકોનાં પણ થઈ રહેલા મૃત્યુ અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'પશ્ચિમના એશિયામાં ઉપસ્થિત થતી નવી પરિસ્થિતિ નવા આહવાનો (પડકારો) પણ ઉભા કરે છે.' ઓક્ટોબર ૭ના દિને થયેલા ત્રાસવાદી હુમલાને પણ વખોડી કાઢે છે. તે સમયે અમે સંયમ જાળવી રાખ્યો હતો અને કહ્યું હતું કે આ પરિસ્થિતિનો ઉકેલ મંત્રણાઓ અને રાજદ્વારી ગતિવિધિઓ દ્વારા જ લાવવો જોઈએ. સાથે અમે યુદ્ધમાં નાગરિકોના પણ થયેલાં મૃત્યુને વખોડી કાઢ્યા હતા.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, 'પેલેસ્ટાઇનના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે મંત્રણા કર્યા પછી ભારતે પેલેસ્ટાઇનના લોકો માટે માનવીય સહાય મોકલવી શરૂ કરી દીધી છે.' અત્યારે એવો સમય આવી ગયો છે કે વૈશ્વિક-દક્ષિણના દેશોએ વિશ્વના ભલા માટે એક થઈ ઉભા રહેવાની જરૂર છે. આ સાથે વડાપ્રધાને તેઓના ઉદઘાટન પ્રવચનમાં વૈશ્વિક દક્ષિણને પાંચ '૬'ના માળખામાં રહી પારસ્પરિક સહકાર વધુ સઘન કરવા ઉપર ભાર મુક્યો હતો. આ પાંચ '૦' આ પ્રમાણે છે. તેઓએ કહ્યું, 'કન્સલ્ટેશન, કોમ્યુનિકેશન, કોઓપરેશન, ક્રીએટીવીટી અને કેપેસિટી બિલ્ડીંગ.' (પારસ્પરિક સલાહ-સૂચન, પારસ્પરિક સંવાદ, સહકાર, રચનાત્મકતા અને ક્ષમતા વૃદ્ધિ) તેઓએ તેમ પણ કહ્યું કે, નવી ટેકનોલોજી ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ-સાઉથ વચ્ચેની ખાઈ વધતી રહે તે પ્રકારની હોવી ન જોઈએ.
તેઓએ વધુમાં કહ્યું, 'આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના સમયમાં સૌથી વધુ મહત્વની વાત તે છે કે, ટેકનોલોજીનો ઉપયોગ, જવાબદારી પૂર્વક થવો જોઈએ. આ વિચારધારાને આગળ ધપાવવા આગામી મહીને ભારત આર્ટિફિશ્યલ ગ્લોબલ પાર્ટનરશિપ સમિટ યોજવાનું છે.'
આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવકતા અરવિંદમ્ બાગચીએ કહ્યું હતું કે, 'તે સમિટ વર્ચ્યુઅલ મોડ'માં યોજવામાં આવશે, તેની સેશનનું ઉદઘાટન વડાપ્રધાન મોદી કરશે. આ સમિટની એકેએક સેશનનું લાઇવ બ્રોડકાસ્ટિંગ થશે.
બાગચીએ વધુમાં કહ્યું કે, જી-૨૦ની શિખર પરિષદ દરમિયાન ભારતે 'ગ્લોબલ-સાઉથ' ઉપર ભાર મુકતાં કહ્યું હતું કે, અત્યારે તાત્કાલિક જરૂરિયાત તો ગ્લોબલ-સાઉથ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની છે. કારણ કે તે અનિવાર્ય છે. વિશ્વના સૌથી વધુ ગંભીર પ્રશ્નોનો સામનો આ ગ્લોબલ સાઉથના દેશો જ કરી રહ્યાં છે.