મોદીની આભા ઓસરી પણ સાથી પક્ષોના સહારે ત્રીજી ટર્મમાં વડાપ્રધાન બની રહેવામાં સફળ
- ગુડબાય વિશેષ પૂર્તિ
- ભવેન કચ્છી, પ્રદીપ ત્રિવેદી
લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મોદીનો ચહેરો તો આગળ કર્યો જ પણ વધુ પડતાં આત્મવિશ્વાસમાં રાચતા હોઇ 'અબ કી બાર ચારસો પાર'નું સૂત્ર વહેતું કર્યું. આ પ્રકારના પ્રચારનું નુકશાન એ રીતે થયું કે પાર્ટી અને કાર્યકરો જીત તો નિશ્ચિત છે તેવા કેફમાં રહીને ઓછા સક્રિય રહ્યા. બીજી તરફ ભાજપને પછાડવા મોટાભાગના વિરોધ પક્ષો કોંગ્રેસની નેતાગીરી હેઠળ 'ઇન્ડિયા' પક્ષના નામે ચુંટણી જંગમાં ઉતર્યા. દેશના નાગરિકોના આશ્ચર્ય વચ્ચે જેની ઠોઠ કે પપ્પુ તરીકે મજાક ઉડાવાતી હતી તેવા રાહુલ ગાંધી જાણે તાલીમ લઈને ઉતર્યા હોય તેમ તેમણે સભા સંબોધી. ભાજપ ઘણી સભાઓમાં અભદ્ર અને હિન કહી શકાય તેવા સ્તર પર આવી ગયું જેની મતદારોમાં નકારાત્મક અસર પડી. જો કે પ્રચારના છેલ્લા દિવસોમાં કોંગ્રેસ વિશેષ કરીને દલિતોમાં એવો ભય બતાવતો મેસેજ પ્રસારવામાં સફળ થયું કે 'ભાજપ ફરી સત્તા પર આવશે તો બંધારણ બદલીને અનામતથી માંડી દેશનું હાર્દ તૂટી જાય તેવા ફેરફાર કરશે.' સંગઠિત હિન્દુ મતો આ કારણે વિખેરાઈ ગયા. એવું પણ કહેવાય છે કે ભૂતકાળની ચુંટણીઓમાં આર.એસ.એસ.ની સક્રિયતા અને કેડર બેઝડ મેનેજમેન્ટનું નિર્ણાયક યોગદાન રહ્યું છે તેઓ નિષ્ક્રિય રહ્યા હતા. ભાજપને મિથ્યા આત્મવિશ્વાસ ભારે પડયો. ભાજપને ૨૪૦ બેઠકો જ મળી જે સ્પષ્ટ બહુમતી કરતા ઓછી હતી. સદનસીબે ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમારની પાર્ટીએ એન.ડી.એ.ના ઘટક પક્ષ તરીકે સાથ આપ્યો અને ૨૯૧ સાંસદો સાથે સરકાર બની. કોંગ્રેસે જોરદાર કમબેક કરતા ૯૯ (ઇન્ડિયા ગઠબંધને ૨૩૪ બેઠકો જીતી.) ભાજપનો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભારે આઘાત વચ્ચે અપસેટ થયો. ઉત્તર પ્રદેશમાં કુલ ૮૦ બેઠકોમાંથી ભાજપને ૩૩ બેઠકો જ મળી. મહારાષ્ટ્રમાં માત્ર ૯, રાજસ્થાન કે જ્યાં ક્લીન સ્વીપ હોય ત્યાં ૨૫માંથી ૧૪ જ જીત્યા. હિન્દી બેલ્ટ પર પ્રભુત્વ ગુમાવ્યું તે ભારે પડયું. મોદીને વારાણસી બેઠકમાં પણ તેમની આભા અને પદને શોભે તેટલી સરસાઈ ન મળી એટલું જ નહિ અયોધ્યામાં પણ જાકારો મળ્યો. ગુજરાતમાં ૨૬માંથી ૨૫ બેઠકો જીતી. એકંદરે ભાજપને આત્મમંથન કરવું પડે તેવું પરિણામ આવ્યું. જીવતદાન મળ્યું તેમ કહીએ તો પણ ચાલે.
હરિયાણામાં ભાજપની સરકાર: નિશ્ચિત હારની આગાહી થઈ હતી
હરિયાણા વિધાન સભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન ભાજપ બેકફૂટ પર હતું. વિશેષ કરીને ખેડૂતો ભારે નાખુશ હતા તેમજ અગ્નિપથ યોજનાના અમલથી યુવાઓનોમાં પણ અજંપો હતો. કુસ્તીબાજોનું આંદોલન પણ છેલ્લા વર્ષમાં ગરમાયું હતું.મોંઘવારી અને બેરોજગારી તો હતી જ. કેન્દ્રમાં ભાજપનો અને મોદીનો દબદબો લોકસભાની ચૂંટણીના પરિણામ પછી ઘટયો છે તેવી હવા પણ હતી. તમામ એક્ઝિટ પોલ પણ કોંગ્રેસ જીતશે તેમ વર્તારો આપી ચુક્યા હતા પણ કોન્ગ્રેસને તેનો આત્મવિશ્વાસ ભારે પડયો.ભાજપે આત્મશ્રદ્ધા જાળવી રાખીને કેડર બેઝ્ડ પ્રચાર કર્યો. એટલે સુધી કે મત ગણતરી શરુ થઇ તે પછી કોંગ્રેસ નોંધપાત્ર રીતે સરસાઈ તરફ આગળ વધી રહ્યું હતું અને ઉજવણીની તૈયારી પણ શરુ થઇ હતી ત્યાં જ મત ગણતરીના પાછળના રાઉન્ડમાં ભાજપે કમબેક કર્યું અને ૪૮ વિરુદ્ધ ૩૭ બેઠકોથી ભાજપ જીતી ગયું.નાયાબ સૈની મુખ્ય પ્રધાન બન્યા. કોંગ્રેસના ભુપેન્દ્ર સિંઘ હુડાની મનની મનમાં રહી ગઈ.
મહારાષ્ટ્રમાં મહાયુતિએ મેદાન માર્યું : ઉદ્ધવ અને શરદ પવારની યુતિને મતદારોનો સખ્ત જાકારો
હરિયાણા પછી મહારાષ્ટ્રમાં પણ ભાજપે રાજકીય પંડિતોને ખોટા પાડયા. ભાજપની લોકસભાની ચૂંટણીની નિરાશા પછી આ બે વિજયથી ફરી પક્ષમાં નવસંચાર થયો છે. મહારાષ્ટ્રમાં પરાજય થયો તેના કરતાં જે રીતે વિરોધ પક્ષોના ગઠબંધન મહા વિકાસ આઘાડીએ પછડાટ ખાધી તેનાથી દિગ્ગજોને તમ્મર આવી ગયા હશે. ભાજપ (૧૩૨ બેઠકો), એકનાથ શિંદે શિવ સેના (૫૭), એન.સી.પી. અજિત પવાર પક્ષ (૪૧) તેમજ અન્યોએ પાંચ એમ મહાયુતિને ૨૩૫ બેઠકો મળી. તેની સામે મહા વિકાસ આઘાડી ગઠબંધન પૈકી શિવ સેના ઉદ્ધવ ઠાકરેને ૨૦, કોંગ્રેસને ૧૬ ,શરદ પવારના એન.સી.પી.ને ૧૦ તેમજ અન્યને ચાર એમ તેઓને કુલ ૫૦ બેઠક જ મળી. ભારે સસ્પેન્સ બાદ ફડનવીશ મુખ્ય પ્રધાન અને શિંદે તેમજ અજિત પવાર બંને નાયબ મુખ્ય મંત્રી બન્યા છે. હરિયાણા અને મહારાષ્ટ્રના પરાજય પછી કોંગ્રેસના નેતૃત્વ ધરાવતા વિરોધ પક્ષોનું ગઠબંધન 'ઇન્ડિયા' વેર વિખેર થઈ જશે તેવી હલચલ મચી છે.
ઝારખંડ મુક્તિ મોરચાના ગઠબંધનનો વિજય : હેમંત સોરેન ફરી મુખ્યમંત્રી બન્યા
ઝારખંડમાં હેમંત સોરેન મુખ્યમંત્રી હતા તો પણ જમીનના ભ્રષ્ટાચારના આરોપસર જેલવાસ ભોગવ્યો હતો અને તેમણે તેના વિશ્વાસુને મુખ્યમંત્રી પદે તે દરમ્યાન બેસાડયા હતા. નાટકીય ઘટનાક્રમ આકાર પામતા વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ હેમંત સોરેનને જામીન મળ્યા. તેમને મતદારોની સહાનુભુતિ પણ પ્રાપ્ત થઇ. તેમના પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાએ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દલ જોડે હાથ મિલાવ્યા હતા અને ગઠબંધનને કુલ ૮૧ બેઠકો મળી હતી. ઝારખંડ મુક્તિ મોરચાએ ૩૪ સહીત ઇન્ડિયા ગઠબંધને ૫૬ બેઠકો અને એન.ડી.એ.(ભાજપ)ને ૨૧ બેઠકો જ મળી હતી. હેમંત સોરેન બીજી ટર્મ માટે મુખ્યમંત્રી બન્યા.મહત્તમ સર્વેમાં ભાજપને વિજય મળશે તેવી આગાહી થઈ હતી.
જમ્મુ - કાશ્મીરમાં દાયકા પછી વિધાનસભાની ચૂંટણી: ઓમર અબ્દુલ્લાહ મુખ્ય પ્રધાન બન્યા
જમ્મુ કાશ્મીરમાં ૨૦૧૪ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ. આર્ટિકલ ૩૭૦ની નાબુદી પછીની પ્રથમ ચૂંટણી હોઈ રાજકીય જગતની પણ તેના પર નજર હતી. ૯૦ બેઠકોમાંથી જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટીના ગઠબંધનને ૪૯ બેઠકોમાં વિજય મેળવ્યો હતો. જેમાંથી ૪૨ તો નેશનલ કોન્ફરન્સની હતી તેથી સ્વાભાવિક પાને તેમના નેતા ઓમર અબ્દુલ્લાહ મૂક્ય પ્રધાન બન્યા હતા.પિતા ફારુક અબ્દુલ્લાહ પણ આ અભિયાનમાં સાથે હતા. ભાજપે કોંગ્રેસ(૬) કરતા ઘણી વધુ ૨૯ બેઠકો જીતી હતી ભાજપ હાઈકમાન્ડે યોગ્ય રીતે કહ્યું કે આ ચૂંટણી પુરવાર કરે છે કે રાજ્યના નાગરિકો લોકતંત્ર ઈચ્છે છે કેમ કે મતદાન ૬૩ ટકા રહ્યું હતું.
અરવિંદ કેજરીવાલની ધરપકડ : 165 દિવસ બાદ જામીન પર છુટયા
દિલ્હીના તત્કાલીન મુખ્ય મંત્રી સામે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.) દ્વારા મદ્યપાન એકસાઈઝ અને ક્વોટા ફાળવણી કૌભાંડ બદલ એક કરતા વધુ વખત સમન્સ પાઠવવામાં આવ્યા હતા પણ કેજરીવાલ તેનો મનસ્વી રીતે જવાબ નહોતા આપતા અંતે ૨૧ માર્ચના રોજ તેમની ધરપકડ કરવામાં આવી. તેમની લોકસભાની ચુંટણી અગાઉ ચુંટણી પ્રચાર કરી શકે એટલે ૧૦ મેથી ૧ જૂન જામીન આપવામાં આવ્યા હતા. ૨૦ જૂને દિલ્હી ટ્રાયલ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા અને તેઓ જેલ બહાર થવાના જ હતા કે બીજે દિવસે દિલ્હી હાઈકોર્ટે આ હુકમ સામે સ્ટે આપ્યો અને ફરી જેલભેગા થયા. તે પછી ત્રણ દિવસે જામીન પર છૂટવાના હતા ત્યાં સી.બી.આઇ.એ તેમની ધરપકડ કરી. આખરે સુપ્રીમ કોર્ટે તેમને ૧૩ સપ્ટેમ્બરે તે શરતે જામીન આપ્યા કે તે મુખ્ય મંત્રી કાર્યાલયમાં જઈ નહીં શકે. તેમણે રાજીનામું આપ્યું અને તેની વિશ્વાસુ આતીશીને મુખ્ય મંત્રી તરીકે જવાબદારી સોંપી.
'ઇન્ડિયા' : 'હમ સાથ સાથ હૈ'નો નારો
મોદી અને ભાજપનો દેશવ્યાપી પ્રભાવ જોતા તમામ વિરોધ પક્ષોને લાગ્યું કે એકલા હાથે કે બે ત્રણ પક્ષો સીટ શેરિંગ સમજૂતી કરશે તો નહીં ચાલે મહત્તમ વિરોધ પક્ષો ભેગા થશે તો જ મોદી અને ભાજપની વિકેટ ખેરવી શકાશે અને ૨૬ વિરોધ પક્ષોએ ભેગા થઈને 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇનકલુઝિવ અલયાન્સ' - એટલે ટુંકમાં 'ઇન્ડિયા'ની રચના કરી. કોંગ્રેસ પક્ષે ખરગેને નેતૃત્વ આપ્યું તેનો કોંગ્રસને ફાયદો થયો છે. સમાજવાદી પક્ષ પણ 'ઇન્ડિયા'નો હિસ્સો બન્યું. સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં ભાજપનો અપસેટ સર્જ્યો અને અન્ય રાજ્યોમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું સુધર્યું. કોંગ્રેસને ૯૯ સહિત 'ઇન્ડિયા'ને ૨૩૪ બેઠકો મળી જે તોડફોડ સાથે સત્તા મળે તેનાથી થોડું અંતર જ કહી શકાય. જોકે વિધાનસભાની મહારાષ્ટ્ર અને હરિયાણાની ચુંટણીમાં ભાજપે ફરી બાજી મારી અને કોંગ્રેસ નિસ્તેજ રહેતા 'ઇન્ડિયા'નું ભાવિ અનિશ્ચિત બન્યું છે.