'મોદી અને યોગીને તો સંતાનો નથી, તમારા બાળકો માટે કામ કરી રહ્યા છે'.. અયોધ્યાથી PMનો હુંકાર
ભારત 1000 વર્ષ માટે સશક્ત થાય તેનો પાયો નાંખી રહ્યો છું : પીએમ
Lok Sabha Elections 2024 | દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે થવાનું છે ત્યારે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ઈટાવા અને લખીમપુરમાં કોંગ્રેસ અને સપાના ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, મોદી અને યોગીને તો સંતાનો નથી. તેઓ તમારા સંતાનો માટે જ કામ કરે છે જ્યારે કોંગ્રેસ અને સપા પોતાના સંતાનોને ગાદી સોંપવા માટે કામ કરે છે.
મુસ્લિમો વોટબેન્કના રાજકારણ માટે તેમનો ઉપયોગ થતો હોવાનું સમજી ગયા છે, તેથી વિકાસના મુદ્દે ભાજપ તરફ આકર્ષાયા છે. ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ રવિવારે ઈટાવામાં જણાવ્યું હતું કે એનડીએ સરકાર ભારતના 140 કરોડ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરનારી સરકાર છે. ૨૦૧૯માં સંસદમાં મુલાયમસિંહ યાદવે તેમને વિજય માટેના આશીર્વાદ આપ્યા હતા. તેઓ ભારત માટે ૨૫ વર્ષનો રસ્તો બનાવી રહ્યા છે. મોદી રહે ના રહે આ દેશ રહેશે. મારી આગળ પાછળ કોઈ નથી. મોદી-યોગીને તો સંતાનો નથી. અમે તમારા સંતાનો માટે ખપી રહ્યા છીએ.
તેમણે કોંગ્રેસના ઘોષણા પત્રમાં વારસા કરવાળો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, મોદી તમારા સંતાનોના નામે વારસો લખવા માગે છે. ગરીબનું ઘર જ મોદીનો વારસો છે. કોઈ મૈનપુરી અને ઈટાવાને જાગીર માને છે. કોઈ અમેઠી અને રાયબરેલીને પોતાનો ગઢ ગણાવે છે. કોંગ્રેસ અને સપા પર પરિવારવાદનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે આ લોકો માત્ર પોતાના સંતાનો માટે જ કામ કરે છે. પરંતુ અમે તમારા સંતાનોને સીએમ અને પીએમ બનાવવા કામ કરીએ છીએ. કોણ જાણે છે કે તમારા સંતાન ૨૦૪૭માં પીએમ-સીએમ બનશે. શાહી પરિવારની કુપ્રથા એક ચાવાળાએ તોડી નાંખી. હવે ગરીબનો પુત્ર પણ પીએમ-સીએમ બની શકે છે.
તેમણે ઉમેર્યું કે, ભારત આગામી 1000 વર્ષ સુધી સશક્ત રહે તેનો મોદી પાયો નાંખી રહ્યો છે. તેમણે મોદી સરકારની યોજના અને રામ મંદિર, કાશીના કોરિડોર અંગે પણ સવાલ કર્યા હતા. તેમણે કહ્યું પહેલાની સરકારો આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરતી નહોતી. ઉત્તર પ્રદેશની સપા સરકાર આતંકીઓના કેસ પાછા ખેંચી લેતી હતી. તેમની સરકારોમાં આતંકી સંગઠન ખુલ્લેઆમ ધમકીઓ આપતા હતા. પરંતુ એનડીએની સરકાર આવ્યા પછી પરિસ્થિતિ બદલાઈ છે. વિપક્ષ અત્યારે તુષ્ટીકરણનું રાજકારણ કરી રહ્યું છે. આવું રાજકારણ તેમની મજબૂરી છે.
બંધારણમાં ફેરફાર અને અનામતના મુદ્દે તેમણે કહ્યું કે, મોદી જીવતો છે ત્યાં સુધી બંધારણમાં કોઈપણ ખેલ થવા નહીં દઉં. હું ધર્મના આધારે અનામતની વિપક્ષની યોજનાને સફળ નહીં થવા દઉં. એસસી, એસટી, ઓબીસીને મળી રહેલું અનામત અન્ય કોઈને આપવા નહીં દઉં. તેમણે ઉમેર્યું કે, હવે મુસ્લિમો પણ સમજી ગયા છે કે કોંગ્રેસે આટલા વર્ષ તેમનો માત્ર વોટ બેન્ક તરીકે જ ઊપયોગ કર્યો છે. તેથી મુસ્લીમ સમાજ પણ તેમનાથી દૂર થઈ રહ્યો છે. ભાજપ દ્વારા દેશમાં હાથ ધરવામાં આવેલા વિકાસને જોઈને તેઓ તેના તરફ આકર્ષાઈ રહ્યો છે.
કોંગ્રેસ હિન્દુ-મુસ્લિમમાં વિભાજન કરી આગ સાથે રમે છે: રાજનાથ
રાહુલ ગાંધી માત્ર ચૂંટણીમાં લાભ મેળવવા માટે હિન્દુ-મુસ્લિમમાં દેશનું વિભાજન કરીને આગ સાથે રમત રમી રહ્યા છે તેમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, એનડીએ લોકસભામાં 400થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય હાંસલ કરશે. આ સાથે તેમણે કહ્યું હતું કે ભાજપ તેના ત્રીજા કાર્યકાળમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અને એક રાષ્ટ્ર એક ચૂંટણી જેવી યોજનાઓનો અમલ કરશે. બંધારણમાં ફેરફાર અને અનામતનો અંત લાવવાના કોંગ્રેસના આક્ષેપોને તેમણે ફગાવી દીધા હતા. તેમણે કોંગ્રેસ પર વોટ-બેન્કના રાજકારણ માટે લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો.