કોંગ્રેસના પરાજય પછી ભાજપ-વિરોધીઓને મોદીનો ટોણો : હજી પણ વધુ ઓગળતા જશો
- તમારી હતાશા સંસદમાં ઠાલવશો નહીં : જો નકારાત્મકતા છોડશો તો જનતાનો તમારા પ્રત્યેનો અભિગમ બદલાઈ જશે : વડાપ્રધાન
નવી દિલ્હી : હિન્દી હાર્ટલેન્ડનાં રાજ્યો, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસને પ્રચંડ પછડાટ આપી વિજયી થયેલા ભાજપના કાર્યકરો નેતાઓ અને મંત્રીઓને અભિનંદનો આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈપણ પક્ષનું નામ આપ્યા સિવાય ભાજપના વિરોધીઓને ટોણો મારતાં કહ્યું હતું કે જો સુધરશો નહીં તો હજી પણ વધુ ઓળગતા જશો.
એક ટીવી ન્યૂઝ ક્લિપના પ્રત્યાઘાતમાં વડાપ્રધાન મોદીએ સોશ્યલ મીડીયા પોસ્ટ પર જણાવ્યું હતું કે ઘણા તેઓનાં ઘમંડ અને જુઠ્ઠાણાં ટકાવવા મથી રહ્યાં છે. પરંતુ તેથી તેઓની હતાશા અને અજ્ઞાન જ બહાર આવે છે.
આ સાથે તેઓએ જણાવ્યું હતું કે તેઓની કાર્યસૂચિ જ ભાગલાવાદી છે. પરંતુ ૭૦ વર્ષ જૂની ટેવો સરળતાથી દૂર થઇ પણ શક્તી નથી. બીજી તરફ જનસામાન્ય હવે સમજુ થઇ ગયા છે. તેથી તમારે આવી વધુને વધુ ઓગળનારી પરિસ્થિતિ પ્રત્યે જાગૃત થવાની જરૂર છે નહીં તો તમો વધુને વધુ ઓગળતા જશો.
મોદીની આ ક્લિપ અંગે ન્યૂઝ એન્કર જણાવે છે કે વડાપ્રધાને ભાજપ વિરોધી તત્ત્વો અને મેલ્ટડાઉન (ઓગળતા જવાનો)ના કરેલા શબ્દ પ્રયોગો તમામ વિપક્ષો માટે તો છે જ પરંતુ સાથે તે મહ્દઅંશે કોંગ્રેસને લક્ષમાં રાખી વપરાયા છે.
કોંગ્રેસે હીન્દી હાર્ટ લેન્ડનાં મહત્ત્વનાં રાજ્યો, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસ-ગઢમાં પરાજય મેળવ્યો છે. તેલંગાણા તેને માટે એક માત્ર આશ્વાસન સમાન રહ્યું છે. ત્યાં ગ્રાન્ડ ઓફ પાર્ટી (કોંગ્રેસ) બી.આર.એસ. હાથમાં સત્તા આંચકી લીધી છે. આ નજરમાં રાખી વડાપ્રધાને તેઓના ટ્વિટ ઉપર સોમવારે સાંજે જણાવ્યું હતું કે : આ સાથે મારી વિપક્ષોને વિનંતિ છે કે વિધાનસભાઓની ચૂંટણીઓમાં મળેલા પરાજયની હતાશા મહેરબાની કરી સંસદમાં ન ઠાલવશો, નકારાત્મકતા ને પણ તિલાંજલી આપશો. તેઓએ વધુમાં જણાવ્યું કે દેશે નકારાત્મકતાનો તો અસ્વીકાર જ કર્યો છે. અમે તો અમારા વિપક્ષી મિત્રો સાથે પણ સંસદનાં સત્રના પ્રારંભથી જ તેઓ સાથે અને તમામની સાથે સહકારથી જ કામ કરવા માગીએ છીએ અને સારાં સૂચનો પણ સ્વીકારવા તૈયાર જ છીએ.
નિરીક્ષકો કહે છે કે ભાગ્યે જ કોઈ વડાપ્રધાન વિપક્ષોને આવી શિખામણ આપતા હોય છે. તેમને તો વિપક્ષો ભાંગી પડે તે જોવામાં જ રસ હોય છે - પરંતુ નરેન્દ્ર મોદીે તે ચાલી આવતી પરંપરામાંથી કેડો ચાતરીને વિપક્ષોને મિત્રો પણ કહ્યા તો બીજી તરફ તેઓને સાચી શિખામણ પણ કોઈ અંગત વ્યક્તિને આપતા હોય તેવી આપી. મોદીની આ ગતિવિધિ જ તેઓને અન્યો કરતાં જુદા તારવી આપે છે.